એક ' હા ' માટે
એક ' હા ' માટે
એમને ત્યાંથી એક 'હા' માટે
હાથ ઊઠે છે, પ્રાર્થના માટે,
કોણ વલખાં ભરે સુરા માટે
છે અમારી તલપ તો ચા માટે,
કૈંક તો ખાસ છે જ મારામાં
દ્વાર ખોલે છે તું બધા માટે,
કોને તારો વિશેષ પ્રેમ હશે
કોણ છે જે રહે સદા માટે,
મન મનાવી લઈશ એ રીતે
કોઈ આવ્યું હતું જવા માટે,
બે ઘડી બેસવા નથી મળતું
આટલી દોડધામ શા માટે,
આ નદીયો શું કામની મારે
આંખ કાફી છે ડૂબવા માટે,
એકનો એક હું સહારો છું
જીવવું છે હવે વ્યથા માટે,
પ્રાણ પંખેરું તો ઊડી જાશે
અક્ષ ઝઘડો છો કાં જગા માટે ?

