મોહનું બંધન
મોહનું બંધન
મારા હૃદયમાં છુપાયેલું છળ લાગે છે મને,
મોહનું બંધન હવે તો સાંકળ લાગે છે મને.
જે સપનાઓ પાછળ હું દોડતો રહ્યો સદા,
એ જ ઝાંઝવાંનું પાણી જળ લાગે છે મને.
છોડવું છે આ જગતની મોહ-માયા છતાં,
રેશમી જંજાળ બહુ વ્હાલી લાગે છે મને.
મન તૃષ્ણાની જાળમાંથી છૂટી શકતુ નથી,
વૈભવ વિલાસ અહીં અડગ પળ લાગે મને.
મોહ માયા મિથ્યા છે તે હું જાણું છું છતાં,
કાચના ટુકડા જ હીરા-માણેક લાગે છે મને.
છોડવું છે મોહનું બંધન પ્રભુનાં શરણોમાં,
રમત આ સંસારની હવે કપરી લાગે છે મને.
"મુરલી" મુક્ત થાવું છે આ મોહના બંધનથી,
છોડવા ઈચ્છુ છું એ જ વળગણ લાગે છે મને.
રચના-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)
