મને શૈશવના દિવસો, તું આપ !
મને શૈશવના દિવસો, તું આપ !
શેરીયુંની રમતો, તે ભમરડા ને બાક્સની છાપું
પકડદાવ દોડાદોડી અને પકડાપકડી
તીરબાણ ને ખૂંચણિયા ઉડતાં ગિલ્લીડંડા
રંગબેરંગી લખોટીઓ ને કોથળા દોડ
મને શૈશવનાં દિવસો, તું આપ.
ખીચડી ને ભાખરી, અથાણાંના છોડિયા
ડાળાં ને ગરમર ને છાશ ભર્યા છાલિયા
માથેથી ચીભડાંનું શાક
મોસાળે માણેલા વૈભવની યાદ
મને શૈશવનાં દિવસો, તું આપ.
ઘરની પછીતે એક માટીનો ચૂલો
ને પીંડો એક લોટ મામી બાંધે
મામી વણે ને મામા ભાખરીઓ ચોડવે
ને સાથે મળીને વાળુ રાંધે
ભાણિયા જમે એમાં કેટલાય બ્રાહ્મણને
પ્રેમે જમાડ્યાનું માપ !
મને શૈશવનાં દિવસો, તું આપ.
ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતા
ને ક્યારેક ખાતાં’તાં અમે ગોળ
ખીચડીમાં બે ટીપાં નાંખીને ઘી
કેવું હેતથી એ કહેતા’તા, ચોળ
ફીણીને કોળિયો મોમાં મુકીને
અમે ભૂલી જતાં’તાં બધાં તાપ
મને શૈશવના દિવસો, તું આપ.
કઇ રીતે બે છેડા મેળવતા બેઉ
અને કેમ પૂરા કરતા’તા ઓરતા ?
એથી અજાણ અમે આનંદે ઉજવતા
હોળી દિવાળી ને નોરતા
કઇ રીતે ઘરના બજેટમાં એ લોકો
મુકતા હશે એ ક્યાં કાપ ?
મને શૈશવના દિવસો, તું આપ.
મારું ને તારું એ સઘળું સહિયારું
અમે રમતાં’તાં ભાંડરુ સંગાથે
મનડાંની શેરીમાં યાદ તણો સાદ
આજ પડઘાતો આંસુની સાથે
ઢળતી આ સાંજે હું ઝૂલું છું એકલો
સ્મરણોની સાથે ચૂપચાપ
મને શૈશવના દિવસો, તું આપ.
આજે એ સઘળાં જઇ ફોટોમાં બેઠાં
ને ફોટો ટીંગાઇ રહ્યા ભીંતે,
આજે તો સઘળું છે પાસે પણ
એવો એ આનંદ ન આવે કોઇ રીતે,
કેવી અમીટ છે એ વીતેલા દિવસોનાં,
મધમીઠા સ્મરણોની છાપ
મને શૈશવના દિવસો, તું આપ
