ઘર
ઘર
સદાય મને સર્વસ્વ લાગતું ઘર મારું,
જ્યાં મમત્વ સહજ લાધતું ઘર મારું.
છેડો દુનિયાનો કહું તો કશું ખોટું નથી,
સલામતી સર્વને જે બક્ષતું ઘર મારું.
ટાઢ, તાપને વરસાદથી રક્ષણ આપતું,
રાત્રે મીઠી ઊંધ પણ અર્પતું ઘર મારું.
સૌથી સલામત સ્થાન લાગે મને ઘર,
મા બાપની લાગણી વહાવતું ઘર મારું.
જન્મીને ભણીગણી જ્યાં મોટા થયા,
ટહૂકો ભાર્યાનો સંભળાવતું ઘર મારું.
સંલગ્ન છું પ્રેમના તાણાવાણા થકી હું,
લાગણીનું તીર્થધામ ભાસતું ઘર મારું.
પામતા ભોજનને કરી ઉદરતૃપ્તિ વળી,
બાળકોની કિલકારીથી શોભતું ઘર મારું.
અતિથિ આગમને જાણે કે એ હસતું!
શ્લોકનાદે પ્રભાતે જે ગાજતું ઘર મારું.
નથી એ ઇંટ, ચૂનો કે સિમેન્ટ બંધારણ,
સરવાળા લાગણીના એ કરતું ઘર મારું.
રુંવેરુંવે એ વસી ગયું છે સૌના ઉરમાં,
કોઈ એની તોલે નહીં આવતું ઘર મારું.
જીવનના પ્રત્યેક તબક્કે છત્ર સમું લાગે,
અલંકારે એ અનન્વય ગણાતું ઘર મારું.
