મન પાછું વળતું નથી
મન પાછું વળતું નથી
વહ્યું જાય છે વિચારોના મોજા સંગ,
ચંચળ મન મારું ક્યાંય ટકતું નથી,
સાચવ્યું હતું ખૂબ જતનથી જેને,
ગુમશુદા એ મોતી હવે મળતું નથી.
જાણે કે શાંત જ્વાળામુખી જોઈ લો,
ખળભળે છે ભીતર બહાર હલતું નથી,
તારી જુદાઈની ચિનગારી નયન નહીં,
હ્રદય માત્ર બળે છે પણ સળગતું નથી.
સમજે છે એમ સઘળું કેવું સમજદાર છે,
વાત તારી આવે કે કઈ સમજતું નથી,
કંઈક તો શેષ છે આપણા સંબંધો મહીં,
તસવીર જોયા માત્રથી આંસુ સરતું નથી.
મંઝિલ થઈ અલગ રસ્તા પણ જુદા થયા 'અંજુ'
ચરણ તો ચાલી નીકળ્યા મન પાછું વળતું નથી.

