મેઘતાંડવ
મેઘતાંડવ


દરિયો ઉગ્યો આથમણે આકાશ આજ
વરસ્યો સમંદર તરસ્યાની લેવાને લાજ
ગાજ્યો ગડગડાટ ને જામ્યો સાંબેલા ધાર
ઉપર આવીને પડ્યો વીજળીનો માર
કુદાવી કાંઠા ને નદી આવી બહાર
ગાંડીતુર થઈ ફરી વળી ગામમાં લટાર
સુસવાટા મારતા મારુતિ લહેર
ઉડાડ્યા છાપરા ને કર્યો કાળો કહેર
ફફડતા પંખીડા ઊડ્યા માળાની ખોજમાં
પડ્યું ભંગાણ આજ પંખીની ફોજમાં
ડૂબ્યા બાવળીયા ને તૂટ્યા નળિયા
વછૂટ્યા નીર ને છલકાયા ફળીયા
ખખડેલા ખોરડાની ધીરજ ખૂટી
મેઘલાએ મોંઘેરી મઝા લૂંટી
મનખાની તકલાદી તકદીર ફૂટી
મેહુલિયાની મારકણી ગોળી છૂટી
દરિયો ઉગ્યો આથમણે આકાશ આજ
વસ્તી વિલાપતી આવી ગઈ વાજ.