માટીનું મૂલ્ય
માટીનું મૂલ્ય


શાહીનો ખડિયો લઈ,
ગુણ ગાયે મા ખુદ સરસ્વતી,
તોયે પાર ન પામી શકે,
હે ધરતી મા ! તુજ માટીના મૂલ્યને.
તોયે ચેષ્ટા કરૂં લખવાની કવિતા,
અંતરમાં આરામ પામવા,
ગુણલા તારા ગાવા,
હે ધરતી મા ! તુજ માટીના મૂલ્યની.
આંકવા ચાહું પણ આંકી ન શકું,
પામવા ચાહું પણ પામી ન શકું,
ગણવા ચાહું પણ ગણી ન શકું,
હે ધરતી મા ! તુજ માટીના મૂલ્યને.
જન્મથી લઈને મૃત્યુ સુધી,
હું સંકળાયેલી તારા હરેક સ્પંદનોથી,
મારા રગેરગની દવા બની તું,
સેવવા મારા આ અણમોલ શરીર રત્નને.
અમને પોષવાને કાજ,
માટીથીજ શક્ય બન્યો,
ધાન્ય શાકભાજીફળ-ફૂલો કેરો પાક,
અલગ- અલગ પ્રકારની માટીથી,
ઊગતા અલગ-અલગ મબલક પાક.
શિલ્પી ઘડે વિશ્વેશ્વરની મૂર્તિ,
હે મા ! તુજ અમૂલ્ય માટીથી,
સઘળા કામો પૂરા થતા,
એ મૂર્તિની શ્રદ્ધા થકી.
માટીનું મકાન બનાવી,
સૌ રહેતા નિર્ભિક આવાસ,
સૂક્ષ્મ બીજમાંથી મોટાં વૃક્ષો બનતાં,
તુજ માટીની કૃપા થકી.
શીતળ ઠંડું પાણી બંને,
તુજ માટીના વાસણ થકી,
સૌ કોઇની પ્યાસ બુઝાય,
આશિષ દેતા ખોબલા ભરી.
અમે તારા લાલ બન્યા,
આ માટીના કણેકણમાંથી,
અંતે તો વિરામ લઇશું,
મા! તુજ પ્રેમભર્યા પાલવ માંહી.
ધન્ય છે એ વીરોને,
અર્પી આખી આ જિંદગી મા ભોમને ખાતર
પ્રાણ પાથરી ધન્ય બનાવી આ જિંદગી,
ધન્ય મા ! તારા લાલને,
એણે મોલ ખરા આંકી લીધાં,
પૂછી જોજો એ વીરોને
શા મોલ છે માટી કેરા ?