લાગણી
લાગણી


છોને ખાતે કરો ઉધાર જમા લાગણી
સરવૈયું ન મળે છેલ્લે તારું લાગણી..
શું કહેવું? શું સમજવું? સઘળું વ્યર્થ
વિશ્વાસના તાંતણે સદા ઝૂલે લાગણી..
સર્વના સુખની હૈયે કામના થાય જ્યારે
સંપના સથવારે ઊગી નીકળે લાગણી..
છે સહેલા સાતભવના સગપણ જોડવા?
થાય શક્ય જ્યારે હૈયે બંધાય લાગણી..
ગુમાવતા મેળવતા કાંટાળી રાહમાં ઝઝૂમતા
અકળાવતા ઝાંઝવે ઉજાસ પાથરે લાગણી..
મૌનના સામ્રાજ્ય ને વિચારોના વંટોળમાં
આંખોથી ચોતરફ છલકાય છે લાગણી..
શું મળ્યું? ના હોય કોઈને કદી પૂછવાનું
જ્યાં નમીએ ત્યાં સદાય ઢળે છે લાગણી..
હેત અને આંસુની પણ થાય ભાગીદારી
નિરખતી નજરમાં જ્યારે ભળે છે લાગણી..
હોય મરજી તો એક ડગ આગળ વધીને જો
સમર્પણથી જ છેલ્લે ઝળહળે છે લાગણી.