કમલસમા છે જેના પાય
કમલસમા છે જેના પાય
કમલસમા છે જેના પાય,
ખૂબ જેના સુંદર ને કોમલ છે પાય;
તે પ્રભુને નમું નમું.
મોહક છે જેમનું રૂપ,
રૂપ જાણે હોયે સુંદરતાનું પૂર,
તે પ્રભુના પ્રેમે પૂજું... કમલસમા છે.
મીઠું મધુરું જેનું નામ,
નામ જપ્યે નાસે છે ક્રોધ ને કામ,
નામ તે ભાવે જપું... કમલસમા છે.
જેનો ના કો’દી વિનાશ,
સર્વના હૈયે વસ્યા સાક્ષાત્,
તે પ્રભુને રોજે સ્મરું... કમલસમા છે.
આપી તમારું પ્રેમદાન,
પ્રભુ, મને ‘પાગલ’ કરો પ્રેમમાંહ્ય,
એ જ એક અરજી કરું... કમલસમા છે.
- શ્રી યોગેશ્વરજી
