ખુલ્લેઆમ
ખુલ્લેઆમ
લોકશાહીને લોકો આગળ લૂંટી રહ્યા છે ખુલ્લેઆમ,
ભારતમાના હાડમાંસને ચૂંથી રહ્યા છે ખુલ્લેઆમ.
રામ નથી ને નામ નથી કરતાં રામનું કામ નથી,
મતદારો સૌ ભક્ત બનીને ઝૂકી રહ્યા છે ખુલ્લેઆમ.
મારો દેશ છે સોના ચકલી જાણે આખી દુનિયા,
દેવાળું દુનિયાની આગળ ફૂંકી રહ્યા છે ખુલ્લેઆમ.
જેલ છે ખુલ્લી બંધ કાયદો સલામતીનું નામ નથી,
કરી ગુનાઓ ગુનેગાર પણ છૂટી રહ્યા છે ખુલ્લેઆમ.
રાજનેતાઓ ભાન ભૂલીને ચોરે ચૌટે બોલે,
લાજ શરમના બંધન સઘળા તૂટી રહ્યા છે ખુલ્લેઆમ.
દંડા મારે ચપ્પલ મારે લોક ગયા છે ત્રાસી,
નેતાઓના મોં પર લોકો થૂંકી રહ્યા છે ખુલ્લેઆમ.