કાપાકાપી જોઈ છે
કાપાકાપી જોઈ છે
અમે આજ કાલ જ્યાં ને ત્યાં હા..હા હી..હી જોઈ છે,
મારું તારું નથી છતાં પણ મારામારી જોઈ છે.
દિલખોલીને હસી શકે ના આંસુ વગર એ રડતાં'તા,
છાને છપને ખુણેખુણે મેં ખાખાખીખી જોઈ છે.
ભદ્ર અભદ્ર ભેદ મળે ના, સ્વાર્થ જ્યાં એનો આવે,
ધોળા લૂગડે વટ પાડવા છાછાછીછી જોઈ છે.
સજ્જન દુર્જન ભેદ રહ્યો ના પૈસો એની ઓળખ,
ગરીબ એવા એ સજ્જનની ટીંગાટોળી જોઈ છે.
વાત નથી ને છતાં પણ એનું વતેસર થઈ જાતું,
ચોરે ચૌટે ચાર ચોટલાની ચાચા-ચીંચીં જોઈ છે.
નામ નથી ઇનામ નથી ને વાતો કરતા મોટેથી,
કેહવાતા એ કાગડાઓની કાકા-કીકી જોઇ છે.
રામ ભરોસે ચાલતી દુનિયા કોઇને કાંઇ ન સૂઝે,
વાત વગરની નામ વગરની તારા-મારી જોઈ છે.
ઈમાન ધર્મની વાતો કરતાં વેચતા ફરતાં લોકો,
ધરમના નામે ઈમાનની આજે કાપા-કાપી જોઈ છે
આ દુનિયાની વાત નિરાળી કમશાને ના સમજાતી,
સાવ અમસ્તાં વિષય વગરની ઠાઠા-ઠીઠી જોઈ છે.