કેમ છો ?
કેમ છો ?


કેમ છો ? એવું કોઈ પૂછે તો, મજામાં જ બોલાય છે,
ઘરે આવજો એવું કહી સરનામું ક્યાં અપાય છે,
સોસાયટીના કોમન પ્લોટમાં નવું વર્ષ ઉજવાય છે,
પણ હવે તો ક્યાં કોઈને હદયથી મળાય છે.
સામે કોઈ પરિચિત મળતાં રસ્તો બદલાય છે,
એ તો લપ છે, એવું કહીને ઢાંકપિછોડો થાય છે,
કહેવાતા મિત્રોની સાથે મિજબાનીઓ થાય છે,
પણ કોઈની આગળ હદય ક્યાં ખોલાય છે.
હદયને જીવંત રાખવા બાયપાસ કરાવાય છે,
કોઈ ખબર પૂછવા ના આવે એટલે છાનું રખાય છે,
ખાનગીમાં સ્વજન આગળ ના ખોલી શક્યા એટલે,
હદયને ખોલાવવા ડૉકટર પાસે જવાય છે.
રામના વનવાસ માટે કૈકેયી સદાયથી વગોવાય છે,
દશરથને પણ શાપ હતો એ વાત કેમ વિસરાય છે,
ગ્રંથ હોય કે મહાગ્રંથ એ વાંચી જવાય 'વર્ષા',
આ તો હદયની વાત છે ક્યાં કોઈથી વંચાય છે.