કેડી
કેડી
એકલતાનાં રણમાં અવિરત ગતિએ ચાલતી જાઉં છું,
સાથે કોઈ ન હોય તો એકલી જાઉં છું,
આખોય રસ્તો સૂમસામ ભાસે છે,
અગોચર વનવગડામાં ભમતી જાઉં છું,
ક્યાંકથી આવીને કેડીઓ મળતી હોય છે,
ભાઈ, જવાનું ક્યાં છે ? એ પૂછતી જાઉં છું,
ઝરમરિયા વરસાદમાં પણ ભીની થતી,
મારી કાયાનાં ખાડામાં છબછબતી જાઉં છું,
હવાની લહેરખીઓ ડગાવે છે અડગ મનને,
તો પણ ચીંધેલ રસ્તાને પડકારતી જાઉં છું,
સામે જ દેખાતું ક્ષિતિજે વાદળું સૂરજને રોકતું,
સોનેરી સાંજને મારામાં ઢળતી જાઉં છું,
"સખી" સૂસવાટાનાં સન્નાટા ઘણાં ભર્યા અહીં,
શ્વાસોના શ્વાસ મહીં મારામાં ઓગળતી જાઉં છું.
