જો યાદ એમની એક ધારી રહે છે
જો યાદ એમની એક ધારી રહે છે
જો યાદ એમની એક ધારી રહે છે,
તો મારામાં ફૂલોની ક્યારી રહે છે.
જે રંડાઇ રાતે હતી એજ દુનિયા,
સવારે ફરીથી કુંવારી રહે છે.
ગરીબોની દરિયાદિલી જોઇ લાગ્યું,
તવંગર હંમેશા ભિખારી રહે છે.
બધાં સપના ઔલાદના સાચા કરવાં,
એ પોતાની ઈચ્છાઓ મારી રહે છે.
લખ્યાં છે દુહા, ગીત, સોનેટ ને પદ
ગઝલ તે છતાં પ્રાણપ્યારી રહે છે.
વિચારેલું ક્યાં આપણું કૈં થવાનું,
શું પાગલ વિચારી વિચારી રહે છે.
બસ એ વાત છે મારા સુખ દુઃખની સાથી,
"દશા ક્યાં કોઈ એકધારી રહે છે."
કરે છે ભ્રમણ કોણ 'મહેબુબ' ભીતર
સતત દેહમાં શું ધ્રુજારી રહે છે ?