STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational

4  

Aniruddhsinh Zala

Inspirational

જીવનકલા

જીવનકલા

3 mins
386

રામજી ભગત આખા પંથકમાં પવિત્ર હદય અને નીતિવાન હરિભક્ત તરીકે પ્રખ્યાત હતા. અજુબાજુનાં ગામડામાં કોઈપણ સંત પધાર્યા તેવા વાવડ મળતા જ ભગત યથાશક્તિ ભેટ સોગાદ લઈને તે સંતને મળવા નીકળી જતા. ભગતના ભોળા પત્ની એકવાર બોલ્યાં, 

"અલા હાંભળો છો કે. આ વારેઘડીએ જ્યાં બાવો આવે ત્યાં મુસાફરી કરતાં દોડીને શું માંગવા જાઓ છો ?"

ભગત પોતાની સાવ ભોળી પત્નીની વાતને હસીને બોલ્યાં, "ભૈલુંની મા હું માંગવા નહીં જતો પણ મારી મુસાફરી સાચી જીવનકલા શીખવા માટેની છે એટલે જાવું છું ?"

"અરે મારા રામ. તમને તો આવડાં મોટા ભગત છો તોય ભગવાન સદબુદ્ધિ જ આપતાં નથી." ભગતાણી ભગતને શિખામણ આપતાં બોલ્યાં, "જીવનકલા તો કોઈ શીખવે ઈમ ના આવડે. જીવનકલા તો અંદરથી પ્રગટે. "

"હા ભઈ હા. તમે ગમે ઈ બોલો તોયે મારે તો સાંભળ્યા સિવાય છૂટકો નહીં." પત્નીની વાત હસવામાં કાઢી ભગત થેલો ઉપાડી બોલ્યાં, "બાજુના ગામમાં એક મહાન તપસ્વી પધાર્યા છે એટલે આજ તો મારી મુસાફરી સફળ થઈ જશે તેવું લાગે છે. હું રાત્રે મોડો ઘેર પાછો આવીશ હો."

ભગત ચાલતા થયાં પાછળ ભગતાણી બોલ્યાં, "કરો તમતમારે મુસાફરી. થાકો એટલે સાચું સમજશો."

પગપાળા ચાલીને બાજુના ગામડાના આશ્રમમાં મહાન તપસ્વી સંતના ચરણોમાં પ્રણામ કરીને રામજી ભગત જીવન જીવવાની કલા મહાત્માજી પાસે જાણવા બેઠા હતાં અને ભક્તોની ભીડ બરાબર જામી હતી. સંત અચાનક શિષ્ય પર ગરમ થઈ ગયા અને ચીપિયો બરડામાં ઝીંકી દીધો. શિષ્ય વિવેકથી બોલ્યો, 

"ગુરુજી હું એક દુઃખી વ્યક્તિને વીંછી કરડ્યો હોવાથી ઉતારવા ગયો હતો. થોડું મોડું થવાથી આપના માટે ગાંજાની ચલમ ભરવામાં વાર થઈ. મને માફ કરશો. "

ગુરુજી આ સાંભળીને પણ ગુસ્સો કરતા બોલ્યા, "અચ્છા ઠીક છે. આટલીવાર ક્ષમા કરું છું. હવે પછી બીજા બધા કામ બાદમાં કરવાના. મારુ કામ સહુથી પહેલા."

ચેલો બિચારો માથું ઝુકાવીને ઉભો રહ્યો પણ રામજી ભગતને ભીડમાંથી ચૂપચાપ ઉભા થઈને પાછા વળતા જોઈ ગુરુજી બોલ્યા, "અરે બચ્ચા તું કંઈક જાણવા આવ્યો હતો ને ?"

રામજી ભગત બોલ્યા, "હા મહારાજ પણ હવે મને લાગ્યું કે તમે જ જાણતાં નથી તો મને કેવી રીતે શીખવશો ?"

સત્સંગ સભામાં ખળભળાટ મચી ગયો. સંત વિષ્મય પામી બોલ્યાં, "બચ્ચા જે મનમાં હોય તે સ્પષ્ટ કહી દે. હું પણ સમજી શકું તેમ."

ભગત હાથ જોડી બોલ્યાં,"મહાત્માજી હું જીવનકલા શીખવા આપની પાસે આવ્યો હતો. મને એમ કે આપની પાસેથી જ્ઞાન મેળવું જેથી મારાથી ભૂલથી પણ કોઈનું દિલ ન દુભાય અને કોઈના સેવાકાર્યમાં હું બાધારૂપ ન બનું."

મહાત્માજી બોલ્યાં, "તો બેઠો મેં શીખાતા હું તુજે."

"આપ ખુદ જ જાણતાં નથી જીવનકલા એવું મને લાગ્યું કેમ કે આ શિષ્ય બિચારો ભૂલથી ક્ષમા માંગી તોય તમે તેના પર ગરમ થયાં અને તેને સેવાકાર્ય કરતાં પણ તમારા ચલમનાં સ્વાર્થ માટે રોકી રહ્યા છો. માફ કરજો ગુરુજી જે પોતે જ અજાણ હોય તે મને કેમ કરી શીખવી શકે. હવે તો હું મારા અંતરાત્મા પાસેથી જ જીવનકલા સાચી શીખી લઈશ. સાચી જીવનકલા ભીતરથી જ પ્રગટે છે "

ભગત ચાલતા થયાં અને સંત પોતાનો અહમ સાચવવા બોલ્યાં, "બિલકુલ પાગલ લગતા હે."

સંતના અહંકારભર્યા કટાક્ષ કરતા શબ્દો ભગતનાં કાને પડતા જ તેમને પત્નીની વાત યાદ આવી, "સાચી જીવનકલા તો ભીતરથી જ પ્રગટે."

અને ભગતની આંખો ઉઘડી ગઈ. ભગતને અહેસાસ થયો કે જાણે પરમાત્મા સ્વયં પત્નીના મુખેથી મને માર્ગદર્શન આપતાં હતા પણ હું મૂર્ખ પત્નીને નાસમજ માની તેની વાત હસવામાં કાઢી નાખતો હતો. આ સંત અજાણતાં સાચું બોલ્યાં કે, હું જ સાવ પાગલ છું.

હવે ભગતની જીવનકલા શીખવાની મુસાફરીનો અંત આવી ગયો. ભીતરમાં ધ્યાન ધરીને પરમાત્માનું સાનિધ્ય મેહસૂસ કરવા લાગ્યાં અને અંતરમાં ઉમડતાં પરમ આનંદમાં મૌજ માણવા લાગ્યાં. સાચી જીવનકલા ભીતરથી જ પ્રગટી રહી હોય તેવું અનુભવવાં લાગ્યાં.

પોતાની ભોળી પત્નીને હાથ જોડીને બોલ્યાં, "મારી સાચી ગુરુ તો તું જ હતી પણ હું બહાર મુસાફરી કરીને સત્ય જાણવા મથતો હતો. "

ભોળા ભગતાણી બોલ્યાં,"મારા ભગત ભરથાર. ઈ તો મને તો ભગવાન સુજાડે એવું હું બોલી નાખું છું. બાકી હું તમારા જેટલી મહાન કે ભક્તિવાન નથી. હું તો પતિને જ મારા ભગવાન માની સેવા કરી પત્નીધર્મ બજાવું છું. એટલે જ નારીને જગતની મહાન પ્રેરણા શક્તિ કહેવાય છે." ભગત અંતરથી સાચા વચન બોલી હરખાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational