ગયા
ગયા
મનનાં ઓરતાં મનમાં જ મૃગજળ બનતાં ગયાં,
આંખોએ સેવેલા સ્વપ્નનાં ઉઘડતાંવેંત વાદળ બની ગયાં.
આખી રાત આંખોથી ચિત્રમાં રંગ પૂરી રહ્યાં,
સૂરજ ઊગતાં જ ઝાકળની ભીનાશથી રંગો રેલાઈ ગયાં.
શ્વાસોના ભરોસે ઘરને સજાવતાં સજાવતાં,
ઈચ્છાઓને બારસાખ પર ટાંગતાં ગયાં.
જિંદગીના રંગમંચ પર પડદો પડતા પાત્રો ભૂલાઈ ગયાં,
તેમના દ્વારા બોલાયેલા વાક્યો ચિરંજીવ બની ગયાં.
લાગણીઓનાં વહાણ મધદરિયે ભલે ડૂબી ગયાં,
પણ હૂંફનું લાકડું પકડી આખો દરિયો તરી ગયાં.
સમયનો કાગડો ગાગરમાં કાંકરા નાંખી ઉંમરને પીતો રહ્યો,
જીવન મૃત્યુ વચ્ચેની જાત્રા પસાર કરતાં ગયાં.
બળતાં રહ્યાંં છતાં રાખ ન થયા,
મીણનાં બનેલા પાછા મીણ બનતાં ગયાં.
