ગુરુઓને મારા વંદન
ગુરુઓને મારા વંદન
સાવ ખાલી ને કોરા કટ અમે હતાં,
સૌ પ્રથમ શાળાએ આવ્યા હતાં,
અજ્ઞાનતાની ઝોળી લઈ ફરતા હતાં,
ત્યારે અમે ખૂબ જ નાદાન હતાં,
મળ્યા ગુરુ તમારા રૂપે અમને
કક્કા સાથે જીવનનો થયો પરિચય
મૂળાક્ષરોથી શબ્દ, શબ્દથી વાક્યો
વાક્યોથી બની જીવનની વાર્તા,
શું સાચું ને શું છે ખોટું ?
ધીમે ધીમે માનવી મન ઓળખ્યા,
પોતાના દોષોનું નિવારણ કરાવી
જ્ઞાનરૂપી ગંગાથી પવિત્ર બનાવ્યા,
તમારા જીવનના સંદેશાઓથી
જ્ઞાનરૂપી ફૂલોના ઉપવન ખીલાવ્યા.
વિદ્યાનો અમૂલ્ય દાન આપી,
સંકટોમાં દૃઢ વ્યક્તિ બનાવ્યા,
પોતાના પગે અડગ ઊભા કરીને
માટીના મજબૂત ઘડા બનાવ્યા
પોતાની શિક્ષારૂપી પ્રસાદી આપી
અંધકારમાં જ્ઞાન પ્રકાશ ફેલાવ્યા,
હે ગુરુ તમારા સૂર્ય સમાન
જ્ઞાનના પ્રકાશમય તેજ સામે
તુચ્છ પ્રકાશિત હું એક પામર
દીવડો વંદુ આપને વારંવાર.
