ભારત દેશ
ભારત દેશ


ભારત એટલો મોટો દેશ,
ભાત ભાતના પહેરેવેશ,
માથે પાઘ ને ખંભે ખેશ,
ભેદભાવ નથી લવ લેશ,
પૂરો દેશ ક્યારેય ન જાણું,
આખા દેશમાં એક જ ટાણું,
ગામે ગામ છે નોખું ખાણું,
નાતે નાત અનોખું ખાણું,
જેટલા લોક એટલી બોલી,
હિન્દી આખા દેશની ઝોલી,
જનતા એની એટલી ભોલી,
લાગે એટલી નથી પોલી,
નાનામોટા એટલા છે ગામ,
ગામેગામ લ્યે રામનું નામ,
ઓછા વત્તા મળતા દામ,
ઢોર ઢાંખર ને ખેતીનું કામ,
નગર એના એવા ન્યારા,
નારનારીને લાગે પ્યારા,
બાગબગીચે સુંદર ક્યારા,
જુવાનિયાને નૌ દો ગ્યારા,
હિમાલય સા ડુંગર શોભે,
નદીઓ સૌના મનને લોભે,
દરિયો જોઈ નદીઓ થોભે,
હીરા આવ્યા જઈને ઘોઘે,
નાના મોટા ગીતા વાંચે,
રામાયણ તો ખૂણે ખાંચે,
અન્નનો દાણો ચકલી ચાંચે,
ગરબે ઘૂમી થૈ થૈ નાચે,
ગીરમાં સિંહ ખુલ્લા ફરતા,
હંસલા નદી નાળે તરતા,
મોરકલા દેખી સૌ મરતા,
ગાય ભેંસ બીડમાં ચરતાં,
સાસણ મળતી કેસર કેરી,
ચંદન તારી સોડમ અનેરી,
ભારત તારી કોર સોનેરી,
ભારત તારી શાખ અનેરી.