અસ્તિત્વ સ્ત્રીનું
અસ્તિત્વ સ્ત્રીનું
શું અધિકાર છે સમાજ તને
મારા અસ્તિત્વને હણવાનો?
મારી અસ્મિતાને મારી નાખી
મારી જાતને ધિકકારવાનો.
તું અબળા તું શું કરી શકે કહી,
મારી તાકાતને લલકારવાનો,
ભારણ ગણીને નિજનું,
કૂખમાં જ મારી નાખવાનો.
બચાવીએ તને એ પોકાર કરી
ઘૂંઘટમાં સદાય ઢાંકવાનો,
એક ચીજ ગણીને આમ જ,
ખુદની વાસનાઓ પોષવાનો.
બની દુનિયા સામે સ્ત્રીરક્ષક
યત્ન પગતળિયે રાખવાનો,
સશક્તિકરણની વાતો કરી,
અવળું સદા સાખવાનો.
હાથ પકડીને લાવ્યો ભલે
શું અધિકાર હાથ ઉગામવાનો!
બળજબરીથી, ઈચ્છા વિરુદ્ધ
કોઈ હક નહીં મને પામવાનો.
