અણસાર એ ઘડપણનો
અણસાર એ ઘડપણનો


કોઈએ ઓચિંતું આવી પૂછ્યું મને,
"હે માહી"..ઘડપણ કેવું ઝંખે તું ??
ને થયું " પા જિંદગી હજુ વિતાવી ત્યાં
પોણી વય નો વચવાચટ શાને કરું?"
પછી તો એકાંતમાં મન ડોળાયું ખરેખર,
ને કલમની સ્યાહીથી નિતાર્યું ઘડપણ,
કરચલીઓવાળા હાથે મહેંદી પ્રીતમની મુકીશ,
મોટા મજાના પરિવારમાં પૌત્ર પૌત્રી સંગ જીવીશ,
ફરી મારા શૈશવમાં વળીશ મોબાઈલ ગેમ રમીશ,
પચાસમી એનિવર્સરી એ બ્લેકફોરેસ્ટ કેક હું કાપીશ,
બોખલા મો એ કેન્ડલ બધી એકસાથે ઓલાવીશ,
પ્રભુ નામ જપતા વહુ સાથે કીટી પાર્ટી કરીશ,
ગ્રાન્ડપેરેન્ટ્સ ડે માં ગીતો ગાઈ સંગીત ખુરશી રમીશ,
ઠાકોરજીને પ્રસાદ ધરી બચ્ચા જોડે મેગી ખાઈશ,
મહાદેવએ જવાનો આજનો ચીલો ચાલુ રાખીશ,
સાંજ ઢળતા દરવાજે દિકરાઓની રાહ જોઇશ,
રોજ રાત્રે સહપરિવાર સાથે બેસવાનો નિયમ કરીશ,
બધું કરતા ઘણું છોડીશ કદાચ,
પણ આ કલમ આ કાગળ ત્યારેય પકડી રાખીશ,
આંખે જ્યારે મોતીયાના ચશ્મા કાળા ચડાવીશ,
હા પણ લખતી રહીશ..
અખંડ, એકધારું, લખતી રહીશ.