અમે ગૌરવવંતા ગુજરાતી છીએ...
અમે ગૌરવવંતા ગુજરાતી છીએ...
અમે ગૌરવવંતા ગુજરાતી છીએ,
અમે ગૌરવવંતા ગુજરાતી છીએ…
ગિરનારની ગોદમા ઝૂલનારા છીએ,
અમે સિંહોની ગર્જના ઝીલનારા છીએ,
તાપી; સાબરમતીમા વહેનારા છીએ,
અમે નર્મદાના નીર પીનારા છીએ… અમે…
જય સોમનાથના નાદ કરનારા છીએ,
દ્રારકા; ડાકોરની યાત્રા કરનારા છીએ,
સાગરની સફર ખેડનારા છીએ,
રણ-વનની મિત્રતા કરનારા છીએ… અમે…
નરસૈયા જેવી ભક્તિ કરનારા છીએ,
જલારામ જેવા દાન દેનારા છીએ,
સંતો-ભક્તોની ભૂમિના વારસદાર છીએ,
અમે ધર્મ ધજા ફરકાવનારા છીએ… અમે…
અમે દેશભક્તિમા શ્યામજીને રાણા છીએ,
દુશ્મનને ઘરમા લલકારનારા છીએ,
અખંડ ભારતના શિલ્પી સરદાર છીએ,
વીરતાનાં સાચા વારસદાર છીએ… અમે…
ધરમ ધીંગાણે માથા દેનારા છીએ,
શૌર્યને સિંદૂર્યા પાળીયે પૂજનારા છીએ,
અમે વટને વચન પાળનારા છીએ,
માન; સન્માન ને વ્હાલ આપનારા છીએ… અમે…
વેપારમા અંબાણીને અદાની છીએ,
રાજ કાજમા મોરારજીને મોદી છીએ,
વિક્રમ સારાભાઈ જેવા વિજ્ઞાની છીએ,
સુનિતા જેવા અવકાશ યાત્રી છીએ… અમે…
મેઘાણીના કસૂંબલ રંગે રંગાયા છીએ,
નર્મદની ગૌરવગાથામા ગવાયા છીએ,
મુનશીને કેતૂની કલમે લખાયા છીએ,
તારક મહેતાથી વખણાયા છીએ… અમે…
ફાફડા-જલેબીની મોજ માણનારા છીએ,
ખમણ-ઢોકળાના સ્વાદ ચાખનારા છીએ,
ઉતરાયણમા આકાશ આંબનારા છીએ,
નવરાત્રિમા ગરબે રમનારા છીએ… અમે…
દુનિયાના ખૂણે ખૂણે રહેનારા છીએ,
જગને વેપારી ભાષા શીખવનારા છીએ,
દેશની કાયા પલટ કરનારા છીએ,
વિશ્વમા દેશના માન વધારનારા છીએ… અમે…
જન્મભૂમિ પર ગૌરવ કરનારા છીએ,
અમે મા ભારતીની આંખોના તારા છીએ,
‘અર્જુન’ની કલમે પણ લખાયા છીએ,
જય ગુજરાતના નાદ કરનારા છીએ… અમે…
______________________
