આવ્યું નવલું વર્ષ
આવ્યું નવલું વર્ષ
આ વાદળે ઘૂંઘટ ખોલ્યો,
દેખાયો નવલા વર્ષનો નવો સૂરજ,
લાવ્યો કિરણોનો ભારો,
જીવનમાં ઉજાસ ફેલાવવાને કાજ,
નવા વર્ષના નવલા પ્રભાતે લઈએ,
એક નવું પણ, નવો સંકલ્પ,
શુભ કાર્ય કરવાનો કરીયે શુભારંભ,
શીખીએ થોડું પ્રકૃતિ પાસેથી,
લઈએ થોડું જ્ઞાન,
પતઝડ અને વસંત છે જીવનની ઘટમાળ,
આપ્યું ઈશ્વરે માનખા તણો મોંઘેરો અવતાર,
તો આવીએ કોઈક ને કામ,
ફૂલ પાસેથી શીખીએ મહેકવાનું કામ,
ભલે લોકો મસળે તો પણ આપીએ સુવાસ,
સરિતાની જેમ શીખીએ સમર્પણનો ભાવ,
આવે ભલે રાહમાં પથ્થરો હજાર,
હૈયે હામ રાખ જો મંઝિલ મળશે જરુર,
સાગર જેવું હૃદય રાખીએ,
માફી માંગી લઈએ, માફી આપી દઈએ,
બીજાની ક્ષતિઓનો કરીએ સ્વીકાર,
હીરા જેવા અનમોલ સંબંધોને સાચવી લઈએ આમ,
જળ પાસેથી શીખીએ સંજોગોને આધીન થઈ જીવવાનું કામ,
ધરતી પાસેથી શીખીએ,
સહનશીલતા જીવનનું બીજું નામ,
હૃદય ચિરાય તો પણ અણનમ રહો,
જીવન છે એનું નામ,
વાદળ પાસેથી શીખીએ,
લઈ બમણું આપવાનું કામ,
આ વીજળી કહે કાનમાં
જીવો ભલે ક્ષણભર,
પણ લોકોની રાહ કરો રોશન,
મારા ઝરૂખડે આવી ટહુકો આપી આ પંખી દઈ ગયું સંદેશ,
ચિંતા ના કરો કાલની,
રાખો પ્રભુ પર વિશ્વાસ,
સંગ્રાહખોરી ના કરો,
મોજથી જીવો જીવનની હર એક પલ,
આ પવને લખ્યો સંદેશો આ મોગરાની ડાળ પર,
દૂર કરો આ નફરતની આંધી,
હૃદયથી બિછાવો પ્રેમના ફૂલ,
મેધનુષ્ય પાસેથી રંગો લો ઉધાર,
કરી દો લોકોનું જીવન રંગીન,
ભરી દો લોકોના જીવનમાં ખુશીઓનો રંગ, નવા વરસને સંગ,
ચાલો આ નવલા પ્રભાતે,
નવલા વરસે લઈએ નવું પણ,
શુભ કાર્ય કરવાનો કરીએ શુભારંભ.
