આદમી છીએ
આદમી છીએ
મદારી આદમી છીએ, લવાદી આદમી છીએ,
અમારા ગામમાં પાછા નવાબી આદમી છીએ.
અલખના ઓટલે ધૂણી ધખાવી આમ બેઠા પણ,
અમે જીવન સફરમાં તો, પ્રવાસી આદમી છીએ.
મળે જો આમ રાધા, વાંસળીને પણ વગાડીએ,
હૃદયને ખોલવમાં તો, પ્રમાદી આદમી છીએ.
અનોખી રીત છે આ જિંદગીની પાનખરની પણ,
સદાયે આમ હસતા બારમાસી આદમી છીએ.
અધર ખોલી અમે વળતા સવાલો ના કરીએ પણ,
ખરે ટાણે અમે હાજર જવાબી આદમી છીએ.
તમારાથી સવાયા તો નથી ગણતા અમોને પણ,
અમારી વાતમાં પાછા હરામી આદમી છીએ.
જગતના ત્રાજવામાં જો જરી કિંમત ન આંકો પણ,
હૃદયની હાટમાં તો ખાનદાની આદમી છીએ.
