Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shalini Thakkar

Inspirational Others Children

4.7  

Shalini Thakkar

Inspirational Others Children

માળાનું પંખી

માળાનું પંખી

6 mins
374


આજે સવારથી જ હું કામમાં વ્યસ્ત હતી. રાત સુધીમાં તો લગભગ બધી જ તૈયારી થઈ ગઈ હતી. આખો દિવસ તૈયારીમાં થયેલી દોડધામ પછી પણ થાકેલા શરીરની અંદર ઉત્સાહથી થનગની રહેલું મન ઊંઘવાની પરવાનગી નહોતું આપી રહ્યું. મન વિચારે ચડી ગયું હતું. 'કશું રહી તો નથી ગયું ને ? એને ભાવતા બધા નાસ્તા તો મૂકાઈ ગયા છે. મારા હાથની બનાવેલી સુખડી જે એને બહુ ભાવે છે એ પહેલા લાલ ઢાંકણાવાળા ડબ્બામાં એકદમ નીચેની બાજુ મૂકી છે અને એની ઉપર ઝીપલોક બેગમાં એનો ફેવરિટ ચેવડો. બીજા એને ગમતા ડ્રાય નાસ્તા અને ડ્રાય ફ્રુટ્સ તો ગઈકાલે જ મંગાવીને બેગમાં ગોઠવી દીધા હતા. એક નાનું ફર્સ્ટ એડ બોક્સ પણ મૂકાઈ ગયું છે, જેથી ક્યારેક એને કોઈ નાની તકલીફ થઈ હોય તો તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી જાય.....'પથારીમાં પડ્યા પડ્યા જ મનની આંખોથી એક પછી એક બધીજ બેગમાં મુકાયેલી વસ્તુઓની ચકાસણી કરવામાં રાત પસાર થઈ રહી હતી. મનમાં થતું હતું કે ક્યારે સવાર પડે અને ક્યારેય ટ્રેનમાં બેસી જાઉં. જેવી રીતે કોઈ નવી પરણેલી વહુ સાસરેથી પહેલીવાર પાછી પિયર જવા તલપાપડ થતી હોય એ જ રીતે વૃદ્ધાવસ્થામાં મારું મન અધીરુ થઈ રહ્યું હતું.

વહેલી સવારે રાજકોટથી ઉપડતી ટ્રેનમાં બેસીને બહેનના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પુના પહોંચવાનું હતું, જેનો આનંદ તો સ્વભાવિક રીતે હોય જ, પણ એથીયે વિશેષ આનંદ ,વચ્ચે આવતા મુંબઈ સ્ટેશન પર દસ મિનિટ માટે ઊભી રહેતી ટ્રેનમાં, મને મળવા રાશિ આવવાની હતી એ વાતનો હતો. કહે છે ને કે મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય, એ વાત કેટલી સત્ય છે એ હવે સમજાય છે. મને પણ મારા પુત્રરૂપી મૂડી અમિત કરતા એના વ્યાજ સમી મારી પૌત્રી રાશિ પ્રત્ય વિશેષ પ્રેમ ! રાશિ એટલે મારી પુત્રવધૂ તરફથી મને મળેલી એક અનમોલ ભેટ. બે પુત્રોની માતા હોવાની સાથે-સાથે હું એક શિક્ષિકા તરીકેની ફરજ બજાવતી હોવાથી, ઘર અને નોકરી વચ્ચેનું સંતુલન જાળવવામાં વ્યસ્ત મારા જીવન માં, મને મારું માતૃત્વ માણવામાં જે કચાશ રહી ગઈ હતી એ હોશ મે રાશિ ને ઉછેરવામાં પૂર્ણ કરી. ઘરમાં સમૃદ્ધિ હોવાથી નોકર ચાકર અને લાડકોડ વચ્ચે ઉછરી રહેલું રાશિ નામનું છોડવું મોટું થઈ રહ્યું છે, એ વાતનું ભાન અમને ત્યારે થયું જ્યારે એણે ઉચ્ચતર અભ્યાસ માટે મુંબઈ જવાની ઈચ્છા દર્શાવી. નવી પેઢી હતી. માત્ર સુખ સાહેબી માં રહીને જીવનમાં ઠરીઠામ થઈ જવું, એ એમના માટે પર્યાપ્ત ન હતું. પોતાની એક વિશિષ્ટ ઓ ઊભી કરવાની ઝંખના થવી ,એ જમાના પ્રમાણે સ્વાભાવિક હતી, જેને નકારવી કદાચ એની સાથે અન્યાય જ કહેવાય. અને એટલે જ તો દિલ પર પથ્થર મૂકીને અમે એને મુંબઈ ભણવા મૂકી હતી. એ વાતને આજે ચાર મહિના થઈ ગયા હતા. એના વિના ખાલી ઘર નો સૂનકાર જાણે ખાવા દોડતો હતો. એના વિના રહેવાની તકલીફ જેટલી અસહ્ય હતી, એનાથી પણ વધુ એ એકલા હાથે બધું કેવી રીતે સંભાળતી હશે એ ચિંતા કોરી ખાતી હતી. મારા માળાનું સૌથી નાજુક પંખી રાશિ, જે ઘરમાં પાણી માંગતી અને દૂધ હાજર થઈ જતું. એને એક છીંક પણ આવતી અને અમે ઘરમાં ડોક્ટર બોલાવી લેતા. એ કદી પોતાની કાળજી પોતાની મેળે લેતા શીખી જ ન હતી કે પછી અમે એને એ તકલીફ કદી લેવા જ નહોતી દીધી, એમ પણ કહી શકાય. મનમાં કેટલાય વિચાર આવ્યા કરતા. એની ફિકર માં છેલ્લા ચાર મહિના તો નીકળી ગયા પણ હવે એક રાત કાઢવી પણ કપરી લાગી રહી હતી.

પરોઢ થતાં જ હું પથારીમાંથી ઊઠીને ફટાફટ તૈયાર થઈ ગઈ. અમિત એ મને બધા સામાન સાથે ટ્રેનમાં બેસાડી દીધી. અમદાવાદ, બરોડા, સુરત.... એમ એક પછી એક સ્ટેશન પાછળ છોડતી ટ્રેઈન મુંબઈ તરફ આગળ ધપી રહી હતી. ગણતરીના કલાકોમાં જ મારી ઉત્સુકતા ભરી પ્રતીક્ષાનો અંત આવી ગયો. ટ્રેન મુંબઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચવાની તૈયારીમાં જ હતી. મેં ફટાફટ રાશિ માટે તૈયાર કરેલા સામાન પર એક ઊડતી નજર નાંખી અને બધું ફરી એકવાર ચકાસી લીધું. પછી બેગ હાથમાં લઈને ટ્રેનના દરવાજા પાસે આવીને ઊભી રહી ગઈ. ધડકતા હૈયા સાથે મળીને મારી હાંફળી ફાંફળી થયેલી આંખો ભીડમાં રાશિ ને શોધી રહી હતી. ત્યાં તો જેવી મેં દૂરથી લોકોની ભીડમાં પોતાનો રસ્તો કાઢતી રાશિ ને મારા તરફ આવતા જોઈ, એવી જ મારા મોઢા પર જાણે રણમાં પાણી મળી ગયું હોય એવી ચમક આવી ગઈ. દૂરથી મારી તરફ એની નજર પડતાં એણે પોતાનો હાથ મારી તરફ ઊંચો કર્યો અને મને અંદર જવા ઈશારો કર્યો. હું એનો સંકેત સમજી ગઈ અને અંદર મારી જગ્યા પર જઈને બેસી ગઈ. માત્ર થોડી સેકન્ડોમાં જ તો એ વીજળીવેગે અંદર પ્રવેશી અને મારી સીટ પાસે આવી ગઈ અને મર્યાદિત સમયનો પૂરેપૂરો સદુપયોગ કરવા માંગતી હોય એમ મારી આજુબાજુ નજર કરી અને મારો બધો વિખરાયેલા સામાન ઠીક કરી દીધો અને પછી ફટાફટ પોતાના હાથમાં રહેલી એક બેગ મને પકડાવી અને મારા હાથમાં રહેલી એની બેગ પોતાના હાથમાં લઈ લીધી અને એકદમ ઉતાવળા અવાજે બોલી,"દાદી તમારો બધો સામાન સાચવીને મૂકજો. આ મુંબઈ છે, વસ્તુ ગાયબ થતાં વાર નહીં લાગે અને તમે બારણાં પાસે આવીને કેમ ઊભા રહી ગયા હતા ? તમને કોઈનો ધક્કો લાગી જાત તો ? હવે સમય ઓછો છે માટે હું ટ્રેનની બહાર નીકળીને તમારી બારી પાસે આવીને ઊભી રહું છું. મને કંઈ બોલવાનો કે વિચારવાનો સમય ન આપતા એ ઝપાટાથી બહાર નીકળી ગઈ. હું અસમંજસમાં પડી ગઈ. મને મુંબઈ સ્ટેશન પર મળવા આવેલી વ્યક્તિમાં હું મારી નાનકડી લાડકી રાશિને શોધી રહી હતી. પણ જાણે રાશિને બદલે કોઈ બીજા જ વ્યક્તિને મળી રહી હતી. . હું કંઈ વધુ વિચારું એ પહેલા તો એ ફરી મારી બારીની બહાર આવીને ઊભી રહી ગઈ અને પોતાના કાળજીભર્યા સ્વરમાં બોલી, "દાદી મેં તમને જે બેગ આપી છે એમાં તમને ભાવતી ગરમ આદુ અને મસાલાવાળી ચા છે અને તમારો ગમતો ગરમ નાસ્તો છે અને સાથે એક ઠંડા પાણીની બોટલ પણ મૂકી છે. અને હા એક નાનકડા પાઉચમાં તમારી ચોઈસની નાની-મોટી વસ્તુઓ છે જે લગ્ન પ્રસંગમાં તૈયાર થતી વખતે તમને કામ આવશે. અને સાથે શેક કરવાની થેલી અને પેઇન કિલર પણ મૂકી છે. લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે તમને કમરમાં દુખાવો થઈ જાય છે ને ,તો શેક કરીને તમને આરામ રહેશે..... એ વગર અટકે ફટાફટ બધું બોલી રહી હતી અને હું સાંભળતી જ રહી. ત્યાં તો ટ્રેનની વ્હીસલ સંભળાઈ અને ટ્રેન ધીમી ગતિએ ચાલવાની શરૂ થઈ અને એની સાથે સાથે રાશિ પર આગળ ચાલવા માંડી. મને મળવાની એક પણ મિનિટ એ ગુમાવવા ન માંગતી હોય એમ એણે પોતાનું બોલવાનું ચાલુ જ રાખ્યું, "અને હા દાદી, તમારી આંખો જ બતાવે છે કે તમે રાતે બરાબર ઊંઘયા જ નથી. કદાચ તમારી આંખ મીંચાઈ જાય તો હું પુના પહોંચવાના સમયે તમને ફોન કરીને જગાડી દઈશ માટે ફોન સાથે જ રાખજો અને તમારું ધ્યાન રાખજો અને તમારો સામાન સાચવજો..... એ બોલતી જ રહી ટ્રેનની સાથે સાથે એની ચાલવાની ગતિ પણ વધવા માંડી. ધીરે ધીરે એનો અવાજ ભીડની કોલાહલમાં દબાઈ ગયો અને પછી એ દુનિયાની ભીડમાં અદ્રશ્ય થઈ ગઈ. મારી આંખોમાં ઝળઝળિયા આવી ગયા. જીવનનું ચક્ર પણ કેવું ગોળ ફરતું રહે છે જેમ જેમ સંતાનો મોટા થાય છે એમ કદાચ આપણે ફરી બાળક બનતા જઈએ છીએ. મારું જીવન પણ કદાચ એ જ વળાંક પર આવીને ઊભું હતું અને માળાનું સૌથી નાજુક પંખી રાશિ હવે પોતાની પાંખ ફેલાવીને દુનિયાની ભીડમાં, નજર મિલાવીને ઊડવા માટે સક્ષમ થઈ ગયું હતું. હું નિશ્ચિંત થઈ ગઈ. મન પરથી જાણેેેે એક બોજ હળવો થઈ ગયો. ટ્રેનની વધતી ઝડપથી સાથે જ મારી નિશ્ચિત થઈ ગયેલી આંખો પણ ધીરે ધીરેે ઘેરાવા માંડી અને રાશિના શબ્દ ફરી કાન માં પડ્યા "દાદી તમને ઊંઘ આવી જાય ને તો હું ફોન કરીને તમનેે જગાડીશ. ફોન તમારા હાથમાં જ રાખજો". અને મારા હાથમાં રહેલા ફોનની પકડ મજબૂત થઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational