પરત
પરત
સમાચારપત્રમાં ખોવાયેલી આંખો ઉપર ઉઠી .
બાલ્કની બહારની હરિયાળીમાંથી ઓરડામાં પ્રવેશેલું મોટું વિચિત્ર જીવડું મુંઝવણથી વેગયુક્ત અહીંથી ત્યાં ચારે દિશાઓમાં ઉડી રહ્યું હતું .
આંખોની બન્ને કિકી એ જીવડાંના સંઘર્ષમય હલનચલનનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી રહી હતી .
અચાનક એક નવાજ વાતાવરણમાં પ્રવેશવાની દ્રિધા પડકારજનક હતી .
ફરીથી પોતાના પરિચિત વાતાવરણમાં પહોંચવા જીવ લગાવી થઇ રહેલ પ્રયાસો યથાવત હતા .
બહાર નીકળવાનો માર્ગ ગમે તેમ શોધી કાઢવા મરણીયો પ્રયત્ન થઇ રહ્યો હતો .
પરંતુ એ પ્રયત્નો અને પ્રયાસોમાં ડરની આછી રેખા પણ ન હતી .
ઉડવાની ગતિ અનન્ય વિશ્વાસ અને બહાદુરીની છાપ ઉપસાવી રહી હતી .
ચાનો કપ હાથમાં થામી ઓરડામાં પ્રવેશેલી નર્સની નજર અચાનક એ વિચિત્ર જીવડાં ઉપર આવી થંભી.
હાથમાંનો કપ ધ્રુજી ઉઠ્યો .
મોઢામાંથી ભયયુક્ત ચીસ બહાર નીકળી આવી .
"આ જીવડું અંદર કઈ રીતે આવી પહોંચ્યું ?"
સ્વરક્ષણ માટે નજીક ગોઠવેલી ચપ્પલ હાથમાં પહોંચી .
એક છુટ્ટો ઘા થશે અને જીવડું સમાપ્ત .
લક્ષ્
ય પૂરું થાય એ પહેલાજ સમાચારપત્ર સંકેલી એણે નર્સના હાથમાંની ચપ્પલ પકડી લીધી .
" એક કાપડનો ટુકડો મળશે ? "
અચંભા ભર્યા વર્તન અને માંગણીથી વિસ્મય પામતી એ નર્સ ચુપચાપ ઓરડાના બહાર તરફથી સાફસફાઈ માટે રાખેલ એક મોટો કાપડનો કટકો ઊંચકી લાવી.
એ વિચિત્ર જીવડાં ઉપર કાપડનો કટકો ધીમેથી લપેટી, એને કોઈ નુકસાન કે હાનિ ન પહોંચે, એ વાતની બારીક તકેદારી જાળવી અત્યંત હળવા હાથ જોડે જીવડાંને ઉઠાવી લઇ એ બાલ્કની ઉપર પહોંચ્યો .
લપેટેલું કાપડ સંભાળીને હડસેલ્યું.
બીજીજ ક્ષણે એ વિચિત્ર જીવડું આંખો સામેના પરિચિત હરિયાળીવાળા પ્રદેશ તરફ સહર્ષ પરત થઇ ગયું .
બાલ્કની ઉપરની મૌન આંખોમાં અનેરો સંતોષ છવાઈ ગયો .
પાછળ ઉભી નર્સ આખું દ્રશ્ય વિસ્મયથી નિહાળી રહી .
પોતાના મનમાં જન્મેલ પ્રશ્નને એણે મનમાંજ રાખવાને પ્રાધાન્ય આપ્યું .
નકામા પ્રશ્નો થકી દર્દીના આરામમાં ખલેલ શા માટે પહોંચાડવી ?
વળી આ દર્દી કોઈ સામાન્ય દર્દી ન હતો .
અન્ય દેશની ભૂમિ ઉપરથી બહાદુરીપૂર્વક પરત થયેલ દેશનો એક જાબાંઝ એરફોર્સ ઓફિસર હતો .