Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational

3  

Mariyam Dhupli

Inspirational

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ

7 mins
15.1K


આજે ફરીથી રાધિકાને છોકરાવાળા જોવા આવવાના હતા. આ નવમો યુવક હતો. શહેરીમાં જો કોઈ છોકરા જોવા આવવાની સ્પર્ધા યોજાઈ હોત તો રાધિકાએ તો બધી જ છોકરીઓના વિક્રમ તોડી નાખ્યા હોત. આઠ-આઠ છોકરાઓની 'ના ' સાંભળવાનો અનુભવ કેવો હશે ? તદ્દન એવોજ જયારે શહેરીને કિનારે આવેલી દુકાનમાંથી કોઈ વસ્તુનો ડબ્બો કોઈ પણ લઇ જવા તૈયાર ના થતું હોય ! વસ્તુનો ડબ્બો કદાચ એમને આકર્ષી શકવામાં નિષ્ફ્ળ નીવડતો હોય. પણ એતો નિર્જીવ વસ્તુનો ડબ્બો અને રાધિકા તો જીવતુંજાગતું, અનુભવતું જીવ !

આ બધા વિચારોથી અજાણ રાધિકાનું પરિવાર આજે પણ ફરીથી એટલીજ ધગશ અને જુસ્સાથી છોકરાવાળાનો આવકાર કરવાની તૈયારી પાછળ મંડી પડ્યું હતું. હકારાત્મકતા અને મહેનતની પરાકાષ્ઠા થઇ હતી. રાધિકાના માતાપિતા ગમે તેમ કરીને પણ છોકરાવાળાની ફક્ત એક 'હા' સાંભળવા વ્યાકુળ અને અધીરા બન્યા હતા. રાધિકા ઘરમાંથી જશે પછીજ એનાથી બે નાની બહેનોના લગ્નની વાત આગળ વધી શકે ને ! સામાજિક દબાણો હથોડા જેમ માથે વાગી રહ્યા હતા.

રાધિકાને આ વખતે લીલી ઝંડી મળી જ જાય એ માટે એમણે કોઈ પણ કસર બાકી રાખી ન હતી. રાધિકાને ઘરકામની કેળવણી ઉત્તમ કક્ષાની મળે એ અર્થે એની શાળાની કેળવણી દસમા ધોરણ સુધીજ સમેટી લીધી હતી. રોટલી સરસ ગોળ અને લચકા જેવી થાય તોજ સાસરે સુખી થવાય એ સામાજિક નિયમને સંપૂર્ણ સાવચેતીથી બજાવતા રોટલીથી લઇ રસોડાની દરેક નાનામાં નાની અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબતોનું સંપૂર્ણ જ્ઞાન રાધિકાના મગજમાં ઊંડાણ સુધી ઉતારી દીધું હતું. ઘરની સાફસફાઈથી લઇ કપડાઓ અને વાસણો ધોવાની માવજત તબક્કાવાર શીખવી દીધી હતી. કાલે ઉઠી કોઈ આંગળી ચીંધીજ ન શકે કે માતાપિતાએ કઈ શીખવ્યુંજ નહીં ? પણ શું શીખવાના વિષયો ફક્ત ઘરની ચાર દીવાલો વચ્ચેજ ચણાયા હોય ? પણ લગ્નના બજારમાં આ બધા નકામા પ્રશ્નોનો કોઈ અવકાશ જ નથી !જ્યાં પુરુષો માટે કોઈ નિયમાવલી નથી પણ સ્ત્રીઓ માટે તો નિશબ્દ અનુસરણ જ આદર્શ ચરિત્રનું બિરુદ !

લગ્નના બજારમાં કન્યા તરફની અપેક્ષાઓની યાદીની દ્રષ્ટિએ તો રાધિકા અત્યંત ઉત્કૃષ્ટ ઉમેદવાર હતી. પણ સમસ્યા કશેક હતી તો એ

રાધિકાનો દેખાવ. મન કરતા તનની સુંદરતાને મહત્વ આપતા સમાજની સુંદરતાની વ્યાખ્યામાં રાધિકા કશેક પાછળ છૂટી જતી હતી. સ્વભાવે અત્યંત અંતર્મુખી, ખપ પૂરતુંજ બોલનારી રાધિકાના ચ્હેરા ઉપર શારીરિક રસાયણો ના અસંતુલન એટલે કે 'હોર્મોનિક ઈમ્બેલેન્સ'ને કારણે નિયમિત ઉપસી આવતા અસંખ્ય ખીલ અને ફોલ્લીઓ એના શ્યામ ચ્હેરા પણ જાણે હમેશ માટેના જડાઈ ચુક્યા હતા. રાધિકાના ચ્હેરાની એ જટિલ સમસ્યાને ઉકેલવા શહેરના જાણીતા ચામડીના નિષ્ણાતો થી લઇ મોંઘામાં મોંઘા કોસ્મેટિક બ્યુટીપાર્લર સુધીએ મધ્યમવર્ગીય પરિવારે પોતાની આર્થિક પરિસ્થતિને પણ પરે જઈ દરેક શક્ય ઉપચારો આજમાવી જોયા હતા. પણ જે સમસ્યા પ્રાકૃતિક હોય એ હરી ફરી આંખો સામે ઊભીજ થઇ જતી હોય. ચામડીની ઊપર અને ચામડીના અંદરનું શરીર બે જુદા જ પ્રકારના વિશ્વ એક પર માનવીનું નિયંત્રણ અને એક પર પ્રકૃત્તિનું.આજે પણ રાધિકાના ચ્હેરાને દર વખતની જેમજ વ્યવસાયયિક મેકઅપ પાછળ કલાત્મક રીતે સફળતાથી છુપાવી દેવાયો હતો. આ રાધિકા તો જાણે કોઈ જુદીજ રાધિકા હતી, જેને રાધિકા જાતે પણ ઓળખી શકતી ન હતી.

આખરે છોકરાવાળા આવ્યા. દરેક પરેડ નિયતક્રમથી પાર પડી. રાધિકા ચાની ટ્રે લઇ આવી. બધાએ ધરાઈને નાસ્તા અને ચાની મજા માણી . રાધિકાના હાથથી બનેલી રસોઈ દર વખતની જેમજ દસમાંથી દસ ગુણ લઇ ગઈ. એનાં ભરતકામનાં નમૂનાઓની પણ નિયમિતપણે વાહવાહ થઇ. છોકરાની કમાઈ અને ભણતરની લાંબી લચક પ્રસંશાઓ થઇ. રાધિકાને રસોઈ સિવાય ઘરના દરેક કાર્યોમાં એટલીજ રસરુચિ અને આવડત છે, એની વરપક્ષને વારંવાર પાક્કી ખાતરી કરાવવામાં આવી. પોપટની જેમ શીખવાડવામાં આવેલું શાસ્ત્રીય સંગીતનું ગીત પણ હંમેશની જેમ રાધિકાના કંઠથી આખી શહેરીમાં ગુંજી ઉઠ્યું. ઔપચારિક હાસ્યથી ગુંજી રહેલો બેઠકખંડ અચાનક શાંત થઇ ગયો. આખરે યુવકને પણ પોતાના શબ્દો અભિવ્યક્ત કરવાની તક મળી ખરી.

"જી હું રાધિકા જોડે એકાંતમાં થોડી વાત કરી શકું ?"

શિક્ષિત વર પક્ષ માટે પ્રશ્ન ખુબજ સહજ હતો . પણ કદાચ ખચકાટ રાધિકાના માતાપિતાને પક્ષે હતો. એ ખચકાટ પાછળનું કારણ તદ્દન તાર્કિક હતું. અહીં સુધીના દરેક તબક્કાઓ રાધિકાએ અગાઉ આઠ વખત પણ સફળતાથી પાર પાડ્યાજ હતા. પરંતુ યુવક જોડે એકાંતમાં વાત કરવાનો છેલ્લો તબક્કોજ રાધિકા માટે કઠિન હતો. પોતાની દીકરીનો ગભરુ સ્વભાવ, અંતર્મુખી વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસના અભાવથી રાધિકાના માતાપિતા અત્યંત ચિંતિત હતા. અને કેમ ન હોય ? આજસુધી આવી ચૂકેલા આઠેઆઠ યુવકોએ ઓરડાની બહાર નીકળતાંજ આંખોથી જ સ્પષ્ટ 'ના' દર્શાવી દીધી હતી. આ વખતે પણ જો યુવકને એકાંતમાં રાધિકાના આત્મવિશ્વાસ વિહીન વ્યક્તિત્વના દર્શન થશે તો હાથમાંથી એક ઉમદા પરિવાર સરી જશે. રાધિકાના માતાપિતા એ અંતરની તાણ અને ચિંતાને એકબીજાની આંખોમાં આંખો પરોવી વહેંચી લીધી. પરંતુ રિવાજના આ અંતિમ તબક્કા માટે હામી પુરાવા સિવાય અન્ય કોઈ વિકલ્પ હતોજ ક્યાં ? મનમાં ઉદ્દભવી રહેલ ડર અને તાણને એક ઔપચારિક હાસ્યથી ઢાંકી આખરે પરવાનગી આપવીજ પડી.

"હા, હા કેમ નહીં ? રાધિકા જરા સૂરજને પોતાનો ઓરડો તો બતાવી આવ."

અને રિવાજના દરેક તબક્કાનો ક્રમ સારી પેઠે ઓળખી ચુકેલી રાધિકા માનસિક રીતે તૈયારજ બેઠી હોય એમ સૂરજને ધીરે પગલે પોતાના ઓરડાની દિશામાં દોરી ગઈ.વડીલોની માન મર્યાદા વચ્ચે રાધિકાનો એક પણ શબ્દ સાંભળવા મળ્યો હતો નહીં. ઓરડામાં પહોંચ્તાજ સૂરજની અધીરાઈ અને ઉતાવળ પ્રશ્નોની છડીમાં ફેરવાઈ ગઈ. અગણિત પ્રશ્નો પણ ઉદ્દેશ્ય એકજ, રાધિકાનો અવાજ સાંભળવો અને રાધિકાનો પોતાના પ્રત્યેનો અભિપ્રાય જાણવો. રાધિકાને પુસ્તકો વાંચવા ગમે છે કે નહીં ? ફિલ્મો જોવું ગમે છે કે નહીં ? રસોઈ અને ભરત ગૂંથણ સિવાય અન્ય કોઈ રસ રુચિ ખરા ? કઈ રમતગમત જોવી ગમે ? કેવા પ્રકારના ગીતો પસંદ છે ? રાજકરણમાં દિલચસ્પી ખરી ? કેવું ભોજન સૌથી પ્રિય છે ? દરેક પ્રશ્નનો રાધિકાએ નીચી નજરે પુરી ઈમાનદારી અને પારદર્શિતાથી ઉત્તર આપ્યો. રાધિકાના દરેક જવાબ એકજ શબ્દના ટૂંકાણમાં આવરી લેવાયા હત . એક શબ્દથી આગળ રાધિકાના વાક્યો સાંભળવા આખરે સૂરજે પોતાનો અંતિમ પ્રશ્ન રાધિકા આગળ મુક્યો :

"તમારા પણ કોઈ પ્રશ્ન ? નિઃ સંકોચ પૂછી શકો છો ....."

ધીરે રહી રાધિકા ઊભી થઇ. આ પ્રશ્નની જ રાહ જોઈ રહી હોય એમ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિનાજ બાથરૂમમાં ગઈ અને દરવાજો બંધ કર્યો. સૂરજ અસમંજસમાં રાધિકાનું વર્તન સમજવા મથી રહ્યો. પોતાના પ્રશ્નનો ઉત્તર આપ્યા વિનાજ આમ રાધિકાનું અચાનકથી બાથરૂમ તરફનું પ્રયાણ એના તર્કને મૂંઝવી રહ્યું. એણે એવું તે શું પૂછી લીધું હતું ?

મનોમંથનમાં ડૂબેલા સૂરજને બાથરૂમના દરવાજાનો અવાજ સંભળાયો અને તૂટેલી તંદ્રા જોડે એની આંખો બાથરૂમ બહાર આવી ઉભી રાધિકા પર પડી. વિસ્મયથી સૂરજની આંખો એજ રીતે પહોળી થઇ જે રીતે આજ પહેલા રાધિકાને જોવા આવેલ આઠ યુવાનોની થઇ હતી. રાધિકા આજ પ્રમાણે દરેક યુવકો સામે મોઢું ધોઈ, ચ્હેરા ઉપરના મેકપનું આવરણ ઉતારી, પોતાના વાસ્તવિક પ્રાકૃતિક સ્વરૂપમાં આવી ઉભી થઇ હતી. ચ્હેરા ઉપરની તમામ ફોલ્લીઓ અને ખીલોને કોઈ પણ પ્રકારની શરમકે નિમ્નતાની ભાવના વિનાજ એણે છતી થવા દીધી હતી. આજ એના ચ્હેરાની વાસ્તવિકતા હતી અને આજ તમામ યુવકોની 'ન ' પાછળનું છૂપું કડવું સત્ય.

રાધિકાના ચ્હેરા ઉપર ઠરેલી સૂરજની નજરો હજી સ્તબ્ધ હતી. થોડીજ મિનિટો પહેલા વિશ્રામ વિના ઉચ્ચારાયેલા સૂરજના શબ્દો વિચિત્ર મૌનમાં ઢળી ચુક્યા હતા. ન બોલવા માટે શબ્દો હતા, ન પૂછવા માટે કોઈ પ્રશ્ન.

અત્યારસુધી મૌનપૂર્વક બધુજ સાંભળી રહેલી રાધિકાના મૌનને આખરે શબ્દો જડ્યા. પણ એના શબ્દોમાં લાચારી કે ઉદાસી નહીં પરંતુ છલોછલ દ્રઢતા ઉભરાઈ રહી હતી.

"આજ મારુ સત્ય છે. હોર્મોન્સનું અસંતુલન. પ્રાકૃતિક છે. કુદરતે આપ્યું છે અને એને સ્વીકારતા મને ગર્વ થાય છે. કોઈપણ પ્રકારની થેરપી કે ઈલાજથી ફક્ત એને થોડો સમય છુપાવી શકાય. પરંતુ એનો કાયમી ઈલાજ નથી. આજે મેકઅપ દ્વારા થોડા સમયમાટે ઢાંકી આપના જીવન જોડે વિશ્વાસઘાત ન કરી શકુ. આખું જીવન, ચોવીસ કલાકો મેકઅપમાં ન જ ફરી શકું. દરરોજ ઊંઘતી વખતે ને સવારે ઉઠતી વખતે તો તમારે આજ ચ્હેરો નિહાળવો પડશે. જાણું છું એ શક્ય નથી અને બાહ્ય રંગરૂપ દ્વારા વ્યક્તિના અંતરને કળી લેતા કોઈ યુવકને હું મારો જીવનસાથી બનવા દઉં એતો એનાથી પણ વધુ અશક્ય."

આગળ વધી રાધિકાએ ઓરડાનો દરવાજો ઉઘાડો મુક્યો. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિનાજ સૂરજ ચુપચાપ ઓરડાની બહાર નીકળી ગયો અને દર વખતની ટેવ પ્રમાણે રાધિકાએ દરવાજો અંદરથી વાંસી દીધો. આગળની પ્રતિક્રિયા પણ એ જાણતી જ તો હતી. એક આંખોથી ઈશારો, નિષેધમાં અશાબ્દિક ઉત્તર, બહાનાઓ સભર ઔપચારિક શબ્દોનો ઢાંકપિછોડો અને આવતીકાલે ફોન પર સ્પષ્ટ 'ના'.

લાંબી લચક સામાજિક રીતરિવાજોના ઔપચારિક ભાર અને માનસિક ત્રાસથી થાકેલી રાધિકાએ આજના અવસર માટે પહેરેલી ભારે વજનદાર સાડી ની જગ્યાએ ઘરમાં પહેરવા ને અનુકૂળ વસ્ત્રો અલમારીમાંથી કાઢવા હાથ લંબાવ્યા જ કે બેઠક ખંડમાંથી આવેલા અવાજથી હાથ હવામાંજ સ્તબ્ધ થઇ ગયા.

"આટલી બધી યુવતીઓ નિહાળવા ગયો પણ આવી આત્મવિશ્વાસ ધરાવનારી યુવતી જીવનમાં પહેલીવાર નિહાળી. સુંદર ચ્હેરાઓ ઘણા જોયા પણ આત્માની આવી મોહક સુંદરતા ક્યાંય ન જડી. મારા તરફથી 'હા' છે."

બહાર બેઠક ખંડમાં મીઠાઈની આપલે અને ખુશીની છોળો ઉછળી પડી. રાધિકાને ન તો પોતાના કાન ઉપર વિશ્વાસ આવ્યો ન પોતાની સભાનતા ઉપર. પોતાની કમી સ્વીકારવા માટે આત્મવિશ્વાસની જરૂર હોય પણ અન્યની કમીને સપ્રેમ, માન પૂર્વક સ્વીકારવા માટે બમણા આત્મવિશ્વાસની !

આજે આત્મવિશ્વાસ ધરાવનારી રાધિકાનો બમણો આત્મવિશ્વાસ ધરાવનાર સૂરજ જોડે ભાગ્ય એ મેળાપ કરાવી આપ્યો. પોતાના ઓરડાની નાનકડી બારીમાંથી પરદો સરકાવી રાધિકાની છુપી નજરો સૂરજને શોધી રહી. પહેલીવાર સૂરજની આંખો જોડે આંખો મળી અને શરમથી હાથોમાંનો પરદો સરી પડ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational