સ્મૃતિ મંદિર
સ્મૃતિ મંદિર
કેટલાય દિવસોથી સારો વરસાદ પડી રહ્યો હતો. તપ્ત ધરતીને તૃપ્ત કરતા વરસાદે ચારેબાજુ લીલોતરી કરી દિધી હતી અને ધરતીએ જાણે લીલી ચાદર ઓઢી લીધી હતી. તોફાન પછીની શાંતિ હતી. શહેરની જિંદગીમાં, ભૂકંપ પછીના વિનાશની અસર હજી પણ હતી અને બાકી હતું તે અવાર નવાર આવતા આફટર શોક્સ લોકોની જિંદગીમા જૂના જખ્મો તાજા કરી જાતા હતા.
આજે આવા વરસાદમાં જ શેઠ સોમપુરા દ્વારા નિર્મિત ‘’સ્મૃતિ મંદિર’’ની પ્રાણ પ્રતિષ્ઠા હતી. ‘’સ્મ્રુતિ મંદિર’’માં મા અંબાની સ્થાપિત થનારી મૂર્તિ એટલી કરુણાસભર, એટલી જીવંત હતી કે લોકો ભાવુક થઇ જાય. દુનિયાભરની કરુણા, મા અંબાની મુર્તિમાં સમેટાઇને, શેઠ સોમપુરાની ભાવનાઓને પ્રતિબિંબિત કરતી હતી. ધાર્મિક અનુષ્નઠાન, પૂજા, અને હવને પુરા વાતાવરણને એકદમ મંગલમય અને પવિત્ર કરી દીધું હતું. મંદિરની ધજા ખુબ જ શાંતીથી લહેરાઇ રહી હતી.
શેઠ સોમપુરાની આંખો તરવરી રહી હતી. પોતાની બેટીની યાદમાં બનાવેલ ‘’સ્મ્રુતિ મંદિર’’ના સમારોહમાં, એમની બેટીની યાદો એમને વ્યાકુળ કરી નાખતી હતી. મંદિરની લહેરાતી ધજાની સાથે એમના મન મંદિરમા યાદો લહેરાતી હતી અને તેઓ અતીતમાં ખોવાઇ ગયા.
એમને ભૂકંપનો એ ગોજારો દિવસ યાદ આવી ગયો જેણે એમનાથી એમની સહુથી પ્યારી બેટીને હંમેશા માટે છીનવી લિધી. એમની બેટી કરુણા રુપ રુપનો અવતાર હતી અને સાક્ષાત લક્ષ્મી સ્વરુપ હતી. બેટી કરુણાના જન્મ પછી શેઠ સોમપુરાની જિંદગીમાં સારા દિવસોની શરુઆત થઇ હતી. કરુણાના પ્યાર, દુલાર અને મા લક્ષ્મીજીની ક્રુપાએ એમની જિંદગી આબાદ કરી દિધી હતી. પરંતુ, ભુકંપના એક જ ઝટકા એ એમને એમની બેટીથી અલગ કરી નાખ્યો.
ધાર્મિક અનુષ્ઠાન, પુજા, હવન અને માની મૂર્તિની સ્થાપના પછી, શેઠ સોમપુરા પોતાના દ્વારા લિખિત, આરસપહાણ પર જડિત ‘‘સ્મૃતિપત્ર’’નું વિમોચન હતું. ‘સ્મૃતિપત્ર’નું વિમોચન કરતા કરતા શેઠ ભાવવિભોર થઇ ગયા. ત્યાં ઉપસ્થીત લોકોની આંખો પણ, ‘સ્મૃતિપત્ર’ વાંચીને તરવરી ગઇ. લોકોએ ‘સ્મૃતિ પત્ર’ને વાંચી રહ્યા હતા.
‘સ્મૃતિ પત્ર’
‘’હું જાણું છું કે, ભૂકંપમાં મારી સાથે જે દુર્ઘટના થઇ, તે ઘણા લોકો સાથે કોઇ ને કોઇ સ્વરૂપમાં થઇ છે. દરેક ઘર દુઃખમા ડૂબેલ છે, અને ઘણા ઘરોની દર્દીલી દાસ્તાન છે. મારી બેટી તો મને ખુબજ પ્યારી હતી. હું મારી બેટીને વધુ ચાહતો હતો કે એ મને વધુ ચાહતી હતી એ નક્કી કરવું ખુબ મુશ્કેલ હતું. ભૂકંપના એ ગોઝારા દિવસે હું મારા કુટુંબ સાથે, 'કલ્પતરુ' મકાનના ત્રીજા માળે હતો. ભૂકંપથી ગભરાયેલ મારી બેટી, બેટાએ અને પત્નીએ ત્રીજા માળના દાદરાથી દોડ લગાવી અને ઉતરવા માટે ભાગ્યા. મારો દિકરો અને પત્નીતો સુરક્ષીત રીતે નીચે પહોચી ગયા. પણ મારી બેટીને અડધા રસ્તે મારી ફીકર થઇ અને અડધે રસ્તેથી પાછી વળી અને મને બોલાવવા લાગી, પપ્પા જલ્દી નીચે આવો, ભૂકંપ છે. એનું પાછું બોલાવવા આવવુ એ એવો જુલ્મ કર્યો કે તે ક્યારેય પાછી ના આવી શકી. એ મને બોલાવતી જ રહી અને ભૂકંપે એને સીડીઓ સાથે અંદર સમાવી લીધો. હું બાલ્કનીમાં ઉભો ઉભો તેને જોતો રહ્યો, તેને સાંભળતો રહ્યો, પપ્પા જલ્દી આવો, પપ્પા જલ્દી આવો.
અને બધું ખત્મ થઇ ગહ્યું. માણસ કુદરત સામે કેટલો લાચાર છે, કેટલો અપાહિજ છે તેનો જીવંત અનુભવ કર્યો જે હું મરણ સુધી નહીં ભુલી શકું. મારી બેટીનો મારા પ્રત્યેનો લગાવ, મારા પ્રત્યેનો ખેંચાણ એને જીવતી કબર સુધી ખેંચી ગયો અને હું મજબૂર થઇને કુદરતનો તમાશો જોતો રહ્યો. શારજંહાએ પોતાના પ્યારની યાદમાં તાજમહેલ બનાવ્યો હતો. હું તાજમહેલ તો ક્યાંથી બનાવું, પણ મારી બેટીની યાદમાં આ સ્મ્રુતિમંદિર બનાવુ છું, જેથી ભૂકંપમા ગયેલ લોકોના આત્માને મુક્તિ મળે, આપણા દિલોમા એમની યાદ કાયમ રહે અને આપણને એ કાયમ એહસાસ રહે કે કુદરતની સામે આપણે કાંઇ નથી.
સોમપુરાના વંદન.
આરસપહાણના પથ્થર પર જડિત ‘સ્મૃતિપત્ર’ પર વરસાદના રેલા ઉતરી રહ્યા હતા અને ‘સ્મૃતિપત્ર’ વાંચીને ત્યાં ઉપસ્થીત લોકોની આંખોમાથી પણ યાદોના, આંસુઓના રેલા ઉતરી રહ્યા હતા.