Vijay Shah

Tragedy Inspirational

2.5  

Vijay Shah

Tragedy Inspirational

યાદોના ઝરુખે

યાદોના ઝરુખે

5 mins
6.8K


 બોસ્ટનથી હ્યુસ્ટન ટેલીફોનની ઘંટડી વાગે છે. પ્રજ્ઞા ફોન ઉપર વાસંતીને હલો કહે છે અને કંઇક ગુસ્સમાં વાસંતી બોલે છે.

“હા. વસંતના ગયા પછી મને ભગવાન ઉપર પણ ગુસ્સો આવે છે.” ફોન ઉપર ડુસકું મુકતાં વાસંતીએ પ્રજ્ઞાને કહ્યું.

“વાસંતી! સારા માણસોની ત્યાં પણ જરુર છે.” તેને સાંત્વના આપતા પ્રજ્ઞા બોલી.

“પણ અહીં જેમને જરુર છે તેનું શું?”

“અડ્ધો ગ્લાસ ભરેલો જો તો તને રાહત થશે.”

“એટલે?”

“વસંત સાથે તું કેટલા વર્ષ રહી?”

“ગઇ સાલ જ અમે લગ્નની ગોલ્ડન જ્યુબીલી મનાવી હતી.”

“અને આટલા બધા વર્ષમાં વસંત અને વાસંતી ખુશ હતાને?”

“ઘણાં જ!”

“તો પછી હવે ભગવાનને દોષ શું કામ દે છે? એકાવન વર્ષનું લાંબુ સુખી જીવન જો ને! અને એજ પ્રભુનો ઉપકાર માન કે આટલો સુખી સમય તેં વસંત સાથે કાઢ્યો….મારા કીરીટની વાત કરું તો અમારું લગ્ન જીવન ૩૫ પહોંચ્યુ અને નંદવાઇ ગયુ.. ત્યારથી આજ સુધી તેની યાદોને સહારે જીવું છું ને?”

“હા ઍટલે જ તને મેં ફોન કર્યો..”

“ભલે તને જ્યારે જરુર પડે ત્યારે ફોન કરજે કે જરુર પડે મારે ત્યાં રહેવા પણ આવજે.”

"મને ખબર છે તુ કીરીટના ગયા પછી પહેલા બે વર્ષ ડીપ્રેશનમાં હતી.. પછી શું થયું એ તો જણાવ કે જેથી હું તે દિશામાં ન જઉ.”

“બહુ લાંબી કથા છે એ તો પણ મેં મારા મનને કેળવ્યું અને દરેક નકારમાં હકાર શોધવા માંડી અને બધા અફસોસો હવા થવા માંડ્યા. મને કીરીટ હતો ત્યારે જે કેટલાક સુખો મળતા હતા તે સુખોને હું મમળાવતા શીખી અને એક દિવસ એવો આવ્યો જ્યારે હું ભૂતકાળ જોઉ તો મને સુખ જ યાદ આવે.. અને વર્તમાન અને ભવિષ્યને જોવાને બદલે મનને એવું કેળવ્યું કે આજ મારી સાથે કીરીટ છે પણ તે કામ અર્થે બહાર ગયો છે. અને આવતી કાલની ચિંતા કરો તોય અને ના કરો તોય.. તે તો ધાર્યુ ધણીનું થવાનું છે…”

“માની નથી શકાતું કે આ આટલો સરળ ઉપાય છે.”

“એટલું માનતા અને મનાવતા મને બે વર્ષ લાગ્યા હતા.. પણ બે વર્ષ પછી પણ મને થયુ હતુ કે કીરીટ જ્યારે હતો ત્યારે અને આજે નથી ત્યારે તે બંને પરિસ્થિતિમાં જીવવાનું તો મારે જ છે.. તો રડતા રડતા શું કામ જીવવાનું? હસતા હસતા કેમ ના જીવીયે? તુ માનીશ મેં જે દિવસથી શોક મનાવવાનું મુકી દીધું ત્યારથી મારા દીકરા, વહુઓ અને પૌત્ર પૌત્રીઓ બધા જ ખુશ છે. તેમણે ગયેલ વ્યક્તિઓનો શોક ૧૨ દિવસ મનાવ્યો.. પછી તે સૌ પોત પોતાની દુનિયામાં.. જીવન છે તે તો ચાલતું જ રહેવાનું.."

“પણ મારાથી સ્વીકારી શકાતુણ જ નથી કે વસંત નથી.”

“પણ વસંત તને મુકીને કદી બહાર ગયો જ નહોતો?”

“નારે એને ચીન અને કોરીયા અને એવું તો નોકરીમાંથી જવાનું થતુણ જ હતું.”

“તો એમ જ માન ને કે તે ચીન ગયો છે.”

“એમ કેમ મનાય? હવે ખબર છે કે તે હયાત નથી.”

“બસ જ્યારે આ વાત ને જો તું સ્વિકારી લઇશ કે તે નથી, તો તો તારે દુઃખી થવાનું કોઇ કારણ જ નથી કારણ કે ગમે તેટલા તુ ધમપછાડા કરીશ તોય તે પાછો આવવાનો તો નથી જ.."

“પણ..”

“આ “પણ”નો જ તને હું ઇલાજ કહેતી હતી કે મન જ્યાં સુધી સ્વીકારવા તૈયાર ના હોય ત્યાં સુધી તે પ્રવાસે છે તેમ માન..”

“પણ એ તો ભ્રમ કહેવાય ને?”

“હા તારું ઘવાયેલું હૈયું સાબુત ન થાય ત્યાં સુધીની વાત છે… જો મૃત્યુની સીધી સાદી વ્યાખ્યા છે જ્યાં આયુષ્ય કર્મનો ક્ષય ત્યાં આતમ રાજા ને દેહમાંથી મુક્તિ.. તે સર્વ સગપણ અને મોહનો ક્ષય કરીને પરમપ્રભુમાં વિલિન થઇ ગયો… આપણે ગમે તેટલા આક્રંદો કરીયે કે ઝુરીએ… જનાર આત્મા કદી પાછો આવ્યો નથી.. અને એટલે જ કહે છે ને કે લેણા દેણી પુરી થઇ.. આ વાત જેટલી જલ્દી તુ સ્વીકારીશ તેટલી તારા સંતાનો ને તુ ચિંતા મુક્ત કરીશ.”

વાસંતી સાંભળતી હતી.. તેને પ્રજ્ઞાની બધી વાતો માનવી હતી.. પણ અંદરથી રહી રહી ને ટિસ ઉઠતી હતી.. વસંત તો ગયો.. હવે મારું શું? તેની આંખોમાં છલકાતા આંસુ અને ડુસકાના અવાજ સાંભળતા પ્રજ્ઞા બોલી..

“એક કામ કર. તું અહીં આવી જા અને સાથે વસંતના આલબમ વીડીયો અને જે કંઇ સંભારણા હોય તે લઇને આવજે… આપણે તારા અચાનક છુટી ગયેલા વસંતને સન્માન ભેર વિદાય કરીશુ.”

“મને સમજણ પડે તેવું બોલ પ્રજ્ઞા…”

“તુ નવી નવી વિવાહીતા બની ત્યારે વસંતને પત્રો લખતી હતી?”

“હા..એતો બહુ સરસ દિવસો હતા.”

“બસ એ જ કામ કીરીટનાં મૃત્યુ પછી કર્યુ હતું.. હું ડાયરી લખતી હતી.”

“વાહ! સરસ ઉપાય સુઝાડે છે..”

“હજી આગળ સાંભળ..પત્રો ડાયરીમાં લખી હું ડાયરી ભગવાનનાં ફોટા પાસે મુકી દેતી..”

“મારી વિરહ વેદના.. ઘુમરાતા પ્રણય પ્રસંગો અને એના વિના મારા એકાંતોના સીસકારા.. બધું જ જાણે મારા પ્રભુના સ્વરુપમાં એક મય થઇ ગયેલો તે આત્મા આવીને આ બધુ વાંચે અને સામો જવાબ દે.”

“પછી?”

“પછી શું? મારુ મન જ મને જવાબ આપતું અને બીજે દિવસે તે પ્રશ્નોના જવાબ સ્વરુપે ફરી કંઇક લખાતું.” જાણે કીરીટ મારી સામે બેસીને ના લખાવતો હોય!”

“ઈંટ્રેસ્ટીંગ.”

“મનોવૈજ્ઞાનિક રીતે હું જાણું છું હું ભ્રમને પાળું છું..પણ આ લખાણો એ મને સ્વાયત્ત બનાવી. અને મને શું દુઃખ છે એવુ જ્યારે મેં લોકોને કહેવા પ્રયત્ન કર્યો તો કોઇની પાસે મારે માટે સમય નથી.. પણ મારા પ્રભુને અને તેમાં સમાયેલ કીરીટને ઘણો જ સમય છે.”

ફોનનો બીજો છેડો સ્તબ્ધ હતો…

પ્રજ્ઞાએ વાતને આગળ ચલાવી “સીત્તેર તો થયા મારી બેન! હવે કેટલુ જીવવાના? પ્રભુ કે જેના ઉપર તુ ગુસ્સે થાય છે તેનો તો ઘણો મોટો આભાર માનવાનો છે.. કોઇ વેદના કે તકલીફો વિના વસંતને તેના શરણમાં લીધો.. હવે તારા એકાકીપણાને રડવાને બદલે મોહમાયામાં અથડાયા વગર.. દઇ દે તારો ભરોંસો પ્રભુને હાથ.. તે જે કરશે તે સારું જ કરશે.. શક્ય છે આવતા ભવમાં પણ વસંત તારો પતિ બનવાનો હોય અને તારા યોગ્ય બનાવવા તેનાથી રહી ગયેલી ક્ષતિઓની પૂર્તિ કરવા વહેલો બોલાવ્યો હોય…”

વાસંતી બોલી “પ્રજ્ઞા આવું તો હું વિચારી જ નહોતી શકતી.”

પ્રજ્ઞા કહે “જો સમજ મન આપણને કદી સંસારથી ઉપર આવવા દેતું નથી કારણ કે તે શયતાનની દેન છે. જ્યારે માંહ્યલું હ્રદય ઉર્ધ્વગામી સંસ્કારોની પ્રેરણા કરતું હોય છે. અને તેથી જ ભક્ત કવિ નરસૈયો કહેતોને..

ભલુ થયુ ભાંગી ઝંઝાળ..

સુખે ભજશું શ્રી ગોપાળ!”

વાસંતી કહે ”પ્રજ્ઞા મને લાગે છે કે મારે હ્યુસ્ટન આવવું જરુરી નથી.. જરુરી છે સ્વીકારની.. હા. વસંત નથી તે દુઃખ નથી. અને તે ન હોવાથી સર્જાનાર પરિસ્થિતિઓ દુઃખદ જ હશે તે કલ્પનાઓ ત્યાગવાની…”

પ્રજ્ઞા કહે “જો હવે તુ મારી વાત સમજી.. દુધનો ગ્લાસ ખાલી છે તેમ મન જ્યારે જ્યારે કહે ત્યારે હ્રદયે ખુબ જ જોરથી બોલવાનું પણ અડધું તો ભરેલું છે ને? વસંત સાથે એકાવન વર્ષ જીવી છે ને? તે જીવન યાદોના ઝરુખે ફરી જીવવાનુ છે."


Rate this content
Log in

Similar gujarati story from Tragedy