STORYMIRROR

Kalpesh Patel

Drama Romance Tragedy

5  

Kalpesh Patel

Drama Romance Tragedy

યાદ

યાદ

3 mins
0

યાદ

ગામના છેવાડે એક જૂનું, પણ દ્રાક્ષની વેલોથી ઢંકાયેલું લીલુંછમ ઘર હતું. ઓટલાની છત પરથી વરસતા વરસાદના ટીપાં જાણે કોઈ અજાણી ધૂન ગાતા હોય તેમ લાગતા.

એ ઘરમાં રહેતા હતા ડાહ્યાલાલ દાદા.

ગામના બધા બાળકો જાણતા હતા કે પ્રથમ વરસાદની પહેલી રાતે દાદા ઓટલા આગળની ભીની માટી પર આંગળીથી એક નામ લખે છે.

દર વર્ષે... એ જ દિવસ.
એ જ વરસાદ.
એ જ નામ.

અને પછી આખું વર્ષ શાંતિ.

ગામના બાળકો તો ઠીક, હવે મોટા લોકોને પણ ઉત્સુકતા રહેતી.

“દાદા, આ નામ કોનું છે?”

દાદા હળવું સ્મિત કરતા અને કહેતા,

“વરસાદને યાદ કરું છું.”

પછી તેઓ ચૂપ થઈ જતા.

પણ એક વાત કોઈ સમજી શકતું નહોતું...

દાદા પહેલા વરસાદને જ કેમ યાદ કરતા?

અને એ નામ પણ કોઈ સામાન્ય નામ નહોતું...

આ વર્ષે પણ પ્રથમ વરસાદ આવ્યો.

બાળકો દોડતા દાદાના ઓટલે પહોંચ્યા.

દાદા ધીમે ધીમે ભીની માટી પર આંગળી ફેરવી રહ્યા હતા. આજે તેમના હાથમાં કંપારી હતી.

જાણે દરેક અક્ષર સાથે કોઈ જૂનું દુઃખ ફરી જીવતું થઈ રહ્યું હોય.

વરસાદ ધીમો હતો. બાળકો નામ વાંચી ચૂક્યા હતા.
દિના...
“દાદા... દિના કોણ?”

આ વખતે દાદા હસી ન શક્યા.

આંખોમાં વર્ષો જૂની યાદો તરવરી ઊઠી.

“જો કહું તો કદાચ વરસાદ પણ રડી પડશે.”

દાદા બોલવા લાગ્યા—

“વર્ષો પહેલાં, જ્યારે હું યુવાન હતો, ત્યારે આ ગામમાં એક છોકરી દાતણ વેચવા રોજ આવતી હતી... દિના.

તેને મારાં આંગણા ની દ્રાક્ષ અને આ વરસાદ ખૂબ ગમતો.

તે કહેતી—

‘ડાહ્યા, વરસાદમાં લખાયેલું નામ ક્યારેય મિટતું નથી. એ સીધું આકાશ સુધી પહોંચી જાય છે.’

અમે મિત્રો હતા. આ જ ઓટલે બેસીને દરાખ ખાઈ સાથે સપનાં જોતા રહેતા .”

દાદા થોડી ક્ષણ રોકાયા.

“એક દિવસ તેણે મને કહ્યું હતું—

‘જો હું ક્યારેય તારી પાસે ન રહું, તો પ્રથમ વરસાદે મારું નામ લખજે. હું જ્યાં હોઈશ ત્યાંથી જોઈશ.’”


વર્ષો પહેલાંની એ વરસાદી રાત આજે પણ દાદાની આંખોમાં જીવતી હતી.

ગામમાં ભયંકર વરસાદ પડ્યો હતો. નદી ઉફાન પર હતી. અંધકાર અને પાણી વચ્ચે ગામના લોકો પોતાના ઘરોમાં બંધ હતા.

અચાનક ખબર પડી કે નદીની સામેના ખેતરમાં એક વૃદ્ધ દંપતી અને એક નાનું બાળક પાણીમાં ફસાઈ ગયા છે.

કોઈ બહાર નીકળવાની હિંમત કરતું નહોતું.

પણ દિના નીકળી પડી.

ડાહ્યાલાલે તેનો હાથ પકડીને કહ્યું,

“દિના, પાણી બહુ ખતરનાક છે.”

દિના હસીને બોલી,

“ડાહ્યા, ક્યારેક વરસાદ માણસને ડરાવવા નથી આવતો... કોઈની જિંદગી બચાવવાનું કારણ બનીને આવે છે.”

એ દિનાની છેલ્લી મુલાકાત હતી.

સવાર થઈ.

વરસાદ થંભી ગયો.

વૃદ્ધ દંપતી અને બાળક બચી ગયા હતા...

પણ દિના ક્યાંય જણાતી નહોતી.

નદીના કિનારે ફક્ત તેની નાની ચુનરી મળી.
મે તે ભીની ચુનરી હાથ મા લીધી, તો મને લાગ્યું કે તે કહી રહી છે...

“ડાહ્યા, જો હું પાછી ન આવું તો દુઃખ ન કરતો. વરસાદના દરેક ટીપામાં મને શોધજે. માણસો દૂર થવા જન્મ લેતા હોય  છે, પણ તેમની યાદો નહીં.”

તે દિવસથી દિના ગામ માટે, ભલે એક યાદ બની ગઈ.

પણ ડાહ્યાલાલ માટે...તે હજી પણ એક જીવંત હાજરી હતી.


“એથી જ,” દાદા બોલ્યા,

“દર વર્ષે પ્રથમ વરસાદે હું તેનું નામ લખું છું.

આકાશને યાદ અપાવું છું કે કોઈએ એક વચન માંગ્યું હતું...

અને કોઈએ આખી જિંદગી એ વચન સાચવ્યું હતું.”

એથી જ,” દાદા ધીમે બોલે,
“દર વર્ષે પ્રથમ વરસાદે હું તેનું નામ લખું છું.આકાશને યાદ અપાવું છું
કે કોઈએ વચન આપ્યું હતું.”

બહાર વરસાદ થંભી ગયો હતો.

પણ બાળકોની આંખોમાં વરસાદ આવી ગયો હતો.

તેમણે દાદાના હાથ પકડી લીધા.

બહાર વરસાદ ફરી ધીમે ધીમે વરસવા લાગ્યો.

બાળકોએ દાદાના હાથ પકડી લીધા.

“દાદા... હવે પછી દિનાનું નામ તમે એકલા નહીં લખો. આખું ગામ લખશે.”

એ જ ક્ષણે વરસાદના થોડા ટીપાં દાદાના હાથ પર પડ્યા.

જાણે વર્ષો પહેલાં આપેલું વચન પૂર્ણ કરવા દિના આવી હોય.

દાદાના હોઠ પર આછું સ્મિત ફરી વળ્યું.

આંખો ધીમે ધીમે મીંચાઈ ગઈ...અને વરસાદની લયમાં ડાહ્યાલાલ દાદા શાંતિથી અનંતમાં વિલીન થઈ ગયા.

---

આગલા વરસે પ્રથમ વરસાદ પડ્યો.

દાદાના ઓટલે દાદા નહોતા...

પણ આખું ગામ હતું.

બાળકો, યુવાનો, વૃદ્ધો...

બધાએ ભીની માટી પર એક જ નામ લખ્યું—

દિના.

વરસાદના ટીપાં એ નામ પર વરસતા રહ્યા.

પણ આ વખતે કોઈને લાગ્યું નહીં કે એ નામ ધોવાઈ રહ્યું છે.

જાણે આકાશે પોતે એને પોતાની સ્મૃતિમાં કોતરી લીધું હોય.

આખું ગામ આકાશ તરફ જોઈને એકસાથે બોલ્યું—

“દાદા...

હવે તમે એકલા નથી.

તમારી દિના...

વરસાદને તો હંમેશાં યાદ હતી...

અને હવે...

અમને પણ.”



Rate this content
Log in

Similar gujarati story from Drama