STORYMIRROR

Kalpesh Patel

Drama Classics

5  

Kalpesh Patel

Drama Classics

નવી દુકાન.

નવી દુકાન.

7 mins
0

નવી દુકાન.

નેવેડા સ્ટેટમા લાસ વેગાસથી દૂર એક નાનકડું શહેર હતું. શહેર નાનું હતું, પરંતુ તેની રાતો ક્યારેય શાંત રહેતી નહોતી. દિવસ દરમિયાન લોકો રોજિંદી જિંદગી જીવતા, પરંતુ રાત પડતાં અનેક સપનાઓ, આશાઓ અને ક્યારેક બરબાદીઓ લઈને લોકો શહેરની ચમકતી ગલીઓમાં નીકળી પડતા.

એ જ શહેરના એક ખૂણે હતું એક નાનું ગેમ્બલિંગ સેન્ટર — “લકી સ્ટાર”.

શહેરની રાતો, “લકી સ્ટાર”નું વાતાવરણ, વરસાદી રાતનો માહોલ પરંતુ રાતે તે જાણે પોતાનું બીજો ચહેરો પહેરી લેતું.

દિવસે સૂમસામ ગલીઓ, બંધ દુકાનો અને ધીમે ચાલતી જિંદગી.પણ રાત પડતાં જ શહેર જાણે શ્વાસ લેવાનું શરૂ કરતું.ગલીઓમાં નીયોન લાઇટ્સ ઝબૂકતી.ક્યારેક લાલ, ક્યારેક વાદળી, ક્યારેક પીળી.જાણે દરેક રંગ કોઈનું ગુપ્ત સપનું કહી રહ્યો હોય.

“લકી સ્ટાર”નું ગેમ્બલિંગ સેન્ટર આવી રાતના શહેરનું ધબકતું હૃદય હતું.
અંદર પ્રવેશતાં જ સિગરેટનો ધુમાડો, રોલેટ મશીનોના અવાજ,કોઈ જીતે ત્યારે ઊઠતો ચીસનો શોર,
કોઈ હારે ત્યારે ખાલી ખિસ્સાની નિરાશા.બધું એક સાથે ભળીને એક અજાણી ઊર્જા બનાવતું.

વરસાદી રાતે તો “લકી સ્ટાર” કાયમ અલગ દેખાતું.બહાર વરસાદમા હારીને જતા ખેલાડી ઓના આંસુના ટીપાં, વરસી રહેલ વરસાદ પોતાના મા સમાવી, જુગારની હાટડીઓની નિયોન લાઇટ્સની રોશની ને તોડી મરડી  ચમકાવતો રહેતો .

દરેક આવી દુકાન ના દરવાજા પર પડતો વરસાદનો પડઘો જાણે કોઈ જૂની ડ્રમ પીટ ની ધૂન હોય.
અંદર મશીનોના અવાજ અને બહાર વરસતો વરસાદ.બન્ને મળીને એક અજબ સંગીત રચતા.

અને "લકી સ્ટાર"ની રાતની જવાબદારી હતી મેરેલીન પર. મેરેલીન ગ્રાહકો પાસે ગેમ્બલિંગ કરાવતી.પરંતુ, મેરેલીન સામાન્ય સ્ત્રી નહોતી.
જીવનએ તેને વહેલી ઉંમરે જ મજબૂત બનાવી દીધી હતી. તેનો પતિ ડેવિડ એક અકસ્માત પછી અપંગ થઈ ગયો હતો. પગ ઉપર ખુદ ઊભા રહી શકતો નહોતો . ઘરની જવાબદારી, પતિની સેવા અને જીવનનો ખર્ચ. બધું મેરેલીનના ખભા પર હતું.

દિવસ દરમિયાન તે પતિ ડેવિડની સંભાળ લેતી. ઘરનું કામ કરતી. દવાઓ, ભોજન અને નાની-મોટી જરૂરિયાતો પૂરી કરતી.

અને રાત્રે...

રાત્રે તે “લકી સ્ટાર”માં કામ કરવા જતી.

ક્યારેક તેને લાગતું કે તેની જિંદગી જાણે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે. દિવસ સેવા માટે અને રાત અજાણ્યા લોકોના સપનાઓની સાક્ષી બનવા માટે.

છતાં તેના મનમાં કોઈ કડવાશ નહોતી.

કારણ કે તે જાણતી હતી, દરેક માણસ કોઈ ને કોઈ લડાઈ લડી રહ્યો છે.

એ જ ગેમ્બલિંગ સેન્ટરમાં દરરોજ રાત્રે આવતો એક માણસ હતો, જિમ હેરિસ.

જિમ એક સામાન્ય ઓટો મિકેનિક હતો. સવારે સમયસર ગેરેજમાં જતો, આખો દિવસ મહેનત કરતો અને સાંજે મળેલા પૈસામાંથી થોડો ભાગ લઈને “લકી સ્ટાર” આવી પહોંચતો.

મેરેલીન તેને વર્ષોથી ઓળખતી હતી.

“જિમ, આજે ફરી?” તે હસીને પૂછતી.

જિમ પણ હસતો.

“મેરેલીન, એક દિવસ મારી પણ રાત આવશે.”

“પણ એ દિવસ આવે ત્યાં સુધી તું કેટલી રાતો હજુ ગુમાવશે?”
મેરેલીન કાયમ તેને પૂછતી.

જિમ પાસે તેનો કોઈજ જવાબ નહોતો.

તે જાણતી હતી કે જિમ જુગાર રમવા નથી આવતો. તે કોઈ ચમત્કારની રાહ જોવા આવતો હતો.

દરરોજ રાત્રે તે પૈસા હારતો.

અને દરરોજ સવારે ખાલી ખિસ્સે પાછો પોતાની નોકરીએ જતો.

મહિના વીત્યા.

વર્ષો વીત્યા.

જિમની આદત બદલાઈ નહીં.
----
એક વરસાદી રાત હતી.
બહાર જોરદાર વરસાદ પડતો હતો.આજે “લકી સ્ટાર”માં પણ ગ્રાહકો ઓછા હતા.

જિમ આવ્યો.

તેના ચહેરા પર અજાણી શાંતિ હતી.

“આજે છેલ્લી રમત,” તેણે કહ્યું.

મેરેલીન હસીને બોલી,

“તું આ વાત ઘણી વાર કહી ચૂક્યો છે.”

જિમે પોતાની છેલ્લી નોટ મશીનમાં નાખી.

ચક્ર ફરવા લાગ્યું.

એક નંબર...

બીજો નંબર...

ત્રીજો નંબર...

અને અચાનક આખું સેન્ટર પ્રકાશથી ઝગમગી ઊઠ્યું.

મશીનનો અવાજ આવ્યો:

જેકપોટ!

બધા લોકો આશ્ચર્યમાં પડી ગયા.

જિમ ખુરશી પર જ બેઠો રહ્યો.

તેની આંખોમાં આંસુ આવી ગયા.

જે સપનું તેણે વર્ષો સુધી જોયું હતું, તે આજે તેની સામે હકીકત બની ઊભું હતું.

મેરેલીને ઉસ્તાહીત થઇ કહ્યું,

“જિમ... આખરે તારી રાત આવી ગઈ.”

જિમે તેની તરફ જોયું.

“હા મેરેલીન... પણ મને ખબર નથી કે આટલા બધા પૈસા નું શું કરીશ , આજે પહેલી વાર મને ખુબ ડર લાગે છે.”

“ડર?”

“હા. કારણ કે જો આ જીત્યા પછી પણ હું એ જ રહ્યો તો?”

મેરેલીન પાસે જવાબ નહોતો.

---
પરંતુ અજીબ વાત એ બની કે...

એ દિવસ પછી જિમ “લકી સ્ટાર”માં પાછો ન આવ્યો.

એક દિવસ...

બે દિવસ...

એક અઠવાડિયું...

મહિના પસાર થયા.

મેરેલીન દરરોજ રાત્રે દરવાજા તરફ જોતી.

ક્યારેક તેને લાગતું કે જિમ, આજે તો  આવશે અને કહેશે,

“મેરેલીન, આજે પણ એક જ રમત?”

પણ જિમ આવ્યો નહીં.

---
બીજી બાજુ...
જેકપોટ જીત્યા પછી જિમનું જીવન બદલાઈ ગયું…

પણ એ બદલાવ પૈસાના પ્રભાવથી નહીં, એક ડરથી શરૂ થયો.

તે રાત પછી જિમ ઘરે ગયો,
પણ પહેલી વાર તેને લાગ્યું કે મશીનનો અવાજ તેના કાનમાં નહીં, તેના મનમાં પણ હજુ વાગી રહ્યો હતો. તેને સમજાયું કે વર્ષોથી તે જેકપોટ નહીં,
કોઈ ચમત્કારની રાહ જોઈ રહ્યો હતો.

જિમે થોડા દિવસો સુધી તેના જુના ગેરેજમાં જ કામ કર્યું,પણ હવે તે દરેક ગ્રાહકને જુદા રીતે જોતો.

કોઈની કાર તૂટી હોય, કોઈની ગાડી નું એન્જિન બંધ  હોય.
જિમને લાગતું કે દરેક માણસ કંઈકને કંઈક સુધારવા માટે જ આવે છે,જેમ તે પોતાની જિંદગી સુધારવા માંગતો હતો.

તે રાતે જીતેલા પૈસાથી તેણે પહેલા
પોતાના જૂના દેવા ચૂકવ્યા.
પછી પોતાના માટે નહીં,
ગેરેજના બે યુવાન મિકેનિક્સ માટે સાધનો ખરીદ્યા.

જેકપોટની જીત પાછી પૈસા નો તાપ જીરવી,જિમે સમજ્યું, કે સાચી
જીત એ છે, જ્યારે તમે કોઈને હારવાથી બચાવો....
અને પછી...
આખરે એક દિવસ તેણે સોલિસિટરને બોલાવ્યો.વસિયત બનાવી  તેમાં મેરેલીનનું નામ લખાવ્યું.
પત્ર લખ્યો.
અને શહેર છોડીને ચાલ્યો

“જિમ ક્યાં ગયો, કોઈને ખબર ન પડી. પરંતુ જે લોકો તેને ઓળખતા હતા તેઓ એટલું જરૂર કહેતા — જિમે દુનિયાનો સૌથી મોટો જેકપોટ જીતી લીધો હતો...તેણે પોતાની જાત ને જીતી હતી....”
-----
એક સાંજ ભારે વરસાદ પડતો હતો.

મેરેલીન ઘરે હતી ત્યારે દરવાજા પર ટકોર થઈ.

બહાર એક સૂટ પહેરેલો માણસ ઊભો હતો.

“હું સોલિસિટર છું. મારું નામ રિચર્ડ છે. હું જિમ હેરિસની તરફથી આવ્યો છું.”

મેરેલીન આશ્ચર્યમાં પડી.

સોલિસિટરે એક બંધ લીફાફો આપ્યો.

“આ તમારા માટે છે.”

મેરેલીને લીફાફો હાથમાં લીધો.

પણ તે દિવસ એટલી થાકી ગઈ હતી કે તેણે તેને ટેબલની બાજુમાં મૂકી દીધો.

“કાલે જોઈશ,” તેણે વિચાર્યું.

પણ કાલ કામમાં પસાર થઈ ગયો.

પછી બીજો દિવસ.

પછી ત્રીજો.

લીફાફો એમ જ પડ્યો રહ્યો.

મેરેલીનનું સેવા અને રાતની નોકરી વચ્ચેનું જીવન બે ભાગમાં વહેંચાયેલું હતું.

દિવસે પતિની સેવા,
રાત્રે અજાણ્યા લોકોની કમજોરીઓ ને છાવરવાની  સેવા.દિવસે તે ડેવિડને દવા આપતી,
તેના હાથ પકડીને તેને ઊભો કરાવતી, કસરત કરાવતી. તે અવિરત સંઘર્ષ છતાંય, દુઃખને હસીને કાયમ છુપાવતી.

પણ રાત્રે…
તે હસતા ચહેરે “લકી સ્ટાર”માં ઉભી રહેતી,જ્યાં લોકો પોતાની કમજોરીઓને ચમકતી લાઇટ્સમાં છુપાવતા રહેતા હતા અને તે પોતાના દુઃખને .

ક્યારેક મેરેલીનને લાગતું કે તે બે દુનિયાઓ વચ્ચે ફસાઈ ગઈ છે.
એક દુનિયા જ્યાં તે પ્રેમથી સેવા કરે છે,....અનેબીજી દુનિયા જ્યાં તે ફરજથી સેવા કરે છે.

ક્યારેક તે થાકી સવારે ઘરે પાછી ફરતી ત્યારે તેના પગ દુખતા, આંખો બળતી,
પણ મનમાં એક જ વિચાર,
ડેવિડને મારી જરૂર છે.અને એ જ વિચાર તેને ફરી, બીજી રાતે ઊભી કરતો.

વીકએન્ડની સવારે તેને અચાનક યાદ આવ્યું.

તેણે લીફાફો ખોલ્યો.

અંદર એક પત્ર હતો.

જિમનો પત્ર.

“પ્રિય મેરેલીન,

જ્યારે દુનિયા મને જુગારી તરીકે જોતી હતી, ત્યારે તું એક એવી હતી કે,મને માણસ તરીકે જોતી હતી .

તે નિયમ છોડી,મને ઘણી વાર રોકવાનો પ્રયત્ન કર્યો, કારણ કે તમને મારા પૈસાની નહીં, તને મારી જિંદગીની ચિંતા હતી.

જેકપોટ જીત્યા પછી મને સમજાયું કે સાચી જીત પૈસાની નથી.

સાચી જીત એ છે કે આપણે કોઈના જીવનમાં પ્રકાશ બની શકીએ.

મારી પાસે જે કંઈ છે, તેમાંથી મોટો ભાગ હું તમને આપી રહ્યો છું.

કારણ કે મને વિશ્વાસ છે કે તું તેને તમારા માટે નહીં, બીજા લોકો માટે વાપરશે .

મેરેલીનની આંખોમાં આંસુ આવી ગયા.

સાથે એક કાનૂની દસ્તાવેજ હતો.

જિમે પોતાની મિલકત અને બચત મેરેલીનના નામે કરી હતી.

---

વર્ષો પછી...

એ જ શહેરમાં એક નવી ઇમારત ઊભી થઈ.

બહાર એક બોર્ડ હતું:

“જિમેલીન ઓલ્ડ પર્સન કેર સેન્ટર”

અહીં એવા વૃદ્ધો રહેતા હતા જેમના માટે દુનિયામાં કોઈ સમય નહોતો.

મેરેલીન હવે પણ રોજ વહેલી સવારે ઊઠતી.આખો દીવસ રસોડા મા કે કોઈ ની સેવા મા વિતાવતી. અને તેની રાતો
પણ હવે તે કોઈ જુગારના સેન્ટર માટે નહીં, સેવા માટે તત્પર રહેતી હતી.

અને સૌથી ખાસ વાત...
આ કેર સેન્ટરના દરવાજા ક્યારેય બંધ થતા નહોતા.
રાત હોય કે દિવસ...
કોઈ વૃદ્ધને જરૂર હોય તો દરવાજો ખુલ્લો રહેતો.
એક પત્રકારએ એક દિવસ મેરેલીનને પૂછ્યું,
“મેડમ, તમારી જૂની દુકાન પણ રાતભર ખુલ્લી રહેતી હતી અને આ જગ્યા પણ. શું ફરક છે?”

મેરેલીન હળવું સ્મિત કરી બોલી,

“પહેલાં મારી દુકાન માણસોની કમજોરીથી રાત્રે જ ચાલતી હતી...”
થોડી ક્ષણ રોકાઈને તેણે કહ્યું,
“હવે મારી દુકાન માણસોની જરૂરિયાતથી ચોવીસ કલાક ચાલે છે.”

અને એ જ રાત્રે...

ઘણા વર્ષો પછી...

એક કાયમ રાત્રીએ જ ખુલતી દુકાન લકી સ્ટાર બંધ થઈ ગઈ હતી, જ્યાં લોકો પોતાની હાર લઈને આવતા હતા.
અને
હવે એક નવી દુકાન દીવસ રાત ખુલી રહેતી હતી, જ્યાં લોકો જીવન જીતવા આવતા હતા.”

આજની ટી ટાઈમ સ્ટોરી કેવી લાગી, પ્રતિભાવ આપો એજ  વિંનતી


Rate this content
Log in

Similar gujarati story from Drama