STORYMIRROR

mariyam dhupli

Inspirational Others

4  

mariyam dhupli

Inspirational Others

વસવસા

વસવસા

10 mins
660

ડોરબેલ વાગી અને મેં દરવાજો ખોલ્યો. સામે આબેદા ચાચી હતાં. અમારા શીત યુદ્ધના નિયમ પ્રમાણે એમણે મને ત્રાંસી આંખે જોયું ને મેં એમને એનાથી પણ વધુ ત્રાંસી આંખે. એ અમારા ઘરે ? બાકી અંતિમ કેટલાક મહિનાઓથી એ ઈદના ચાંદ બની ગયા હતાં. જોકે ચાંદ જેવી કોઈ લાક્ષણિકતા હતી તો નહીં. ન તો એમના બાહ્ય વ્યક્તિત્વમાં, ન આંતરિક ચરિત્રમાં. હવે અમારા ઘરની મુલાકાત લેવામાં એમનો કોઈ રસ બચ્યો ન હતો. અહીં એમને કોઈ મનોરંજન જ મળતું ન હતું. અને જ્યાં મનોરંજન નહીં ત્યાં આવે આબેદાચાચીના દુશ્મન ! પણ આજે એ અમારા ઘરનો રસ્તો કઈ રીતે ભૂલ્યા ? 

" આવો આવો અંદર આવો. તશરીફ રાખો. શું લેશો ? કંઈક ઠંડુ કે ગરમ ? " 

ના, ના. મેં એમને એવું કઈ કહ્યું નહીં. પણ ચિંતા ન કરો મેં સીધેસીધું સ્પષ્ટ શબ્દોમાં એવું પણ ન કહી દીધું કે, 

" તમે ? અહીં શું કરવા આવ્યા ? જતા રહો પ્લીઝ. મને તમે જરાયે નથી ગમતા અને તમારું અહીં જરાયે સ્વાગત નથી. " 

એમ થોડી હૃદયના ભાવો પારદર્શક કોઈની સામે અભિવ્યક્ત કરી શકાય ? સમાજમાં રહેવા માટે સમાજમાં નિયમો અનુસરવા પડે. હૃદયની સાચી વાતો હૃદયમાં જ દફન કરવી પડે. 

મારા હૃદયના ભાવો મહામહેનતે મેં હૃદયમાં દફન કર્યા ત્યાં સુધીમાં તો આબેદાચાચી 'માન ન માન મેં તેરા મહેમાન 'રૂપી પોતાના જીવન આદર્શને અનુસરતા આરામથી બેઠક જમાવી ચૂક્યાં હતાં. 

" અમ્મી, આબેદાચાચી આવ્યા છે. " મેં મોટા અવાજે જાહેરાત કરી. પણ મારો સ્વર જાહેરાત કરતા ચેતવણી જેવો વધુ લાગ્યો. મારા વાક્યમાંથી " ખબર નહીં શા માટે ? " વાળો અંતિમભાગ હું એડિટ કરી ચૂક્યો હતો. પણ મનમાં હજી પણ એનું જ મનોમંથન ચાલુ હતું. 

અમ્મી રસોડામાંથી બહાર નીકળવા સમય લઈ રહ્યા હતાં. હું જમી રહ્યો હતો. ( હજી પણ હું હાથ વડેજ જમું છું, આપની જાણકારી માટે. ) દૂર બેઠા આબેદાચાચીની નજર મારી થાળીમાં શું પીરસાયું છે એ જાણવા જાસૂસ જેમ ફરી રહી હતી અને હું એ જાણી ન શકે એ માટે મારા શરીરની ગોઠવણ અતિ ચુસ્ત કરી રહ્યો હતો. 

અમ્મી કહેતા કે શેતાનનું મુખ્ય ધ્યેય હોય છે ' ફિત્ના ' ફેલાવવાનું. આ ફિત્ના એ જુદા જુદા સ્વરૂપમાં ફેલાવે છે. કયારેક બધુજ સારું હોય, મન સંતુષ્ટ હોય ત્યારે એ મનમાં 'વસવસા' પેદા કરે છે. વસવસા એટલે એવા વિચારો જે આપને એક રીતથી ભડકાવે, ઉશ્કેરે અને આપના મનની શાંતિનું વધ કરી નાખે. તમે ખુશ હોવ છતાં એ આપને દુઃખી અને ઉદાસ હોવાની ભ્રમણામાં ધકેલી દે. તમારા સંબંધોમાં પ્રેમ હોય તો એ સંબંધો વચ્ચે નાની નાની વાતોમાં તિરાડ પાડી અપાવે. બધુંજ હોવા છતાં કશું છે જ નહીં વાળા મૃગજળમાં માનવીને એવો ધકેલી મારે કે માનવીને પોતાના ઉપર કે ઉપરવાળા ઉપર પણ વિશ્વાસ રહે નહીં. આબેદાચાચીને નિહાળી દર વખતે મને શંકા ઉપજતી કે આબેદાચાચી જ તો એ વસવસાવાળો શેતાન ન હોય ? કદાચ રૂપ બદલીને.....

મને આજે પણ બરાબર યાદ હતું બાળપણમાં એમનાં ઘરે આવવા પહેલા બધુંજ વ્યવસ્થિત ચાલતું હોય. હું ખુશ હોવ અને અમ્મી પણ. અમ્મી જે પ્રમાણે મને પ્રેમ કરતા હતાં, મારી સાર સંભાળ રાખતા હતાં. કેટલી મહેનત કરતા હતાં ! અમારી પાસે બે ટંક જમવાનું હતું ને માથે છત. એનાથી વધુ શું જોઈએ ? પણ એનાથી વધુ શું જોઈએ વાળી યાદી આબેદાચાચી યાદ કરીને સાથે લઈ આવતા. દર વખતે એ યાદીમાંથી અચૂક એક વિગત એ રજૂ કરતા અને એ વિષય ઉપર અમ્મી જોડે ચર્ચા વિચારણા કરતા. વિચારણા શું ? અમ્મીને કાયદેસર ડરાવતા. એમનાં મનમાં ભવિષ્યને લઈ ડર જન્માવતાં. 

" રસીદા,સાંભળ્યું છે. આ વખતે ચોમાસું બહુ ભારે થવાનું છે. હું તો એમને કહીને મકાનની બહારની દીવાલો ઉપર વોટરપ્રુફિંગ કરાવાની છું. તું પણ સાચવજે. "

પછી ચારે તરફ અમારા ભાડેના મકાનના દરેક ખૂણા ઉપર એક ચિંતિત નજર ફેરવી અમ્મીના ખભે હાથ ગોઠવતા. 

અમ્મી પણ પોતાના મકાનની નબળી છત અને બારીબારણાંની અશક્ત પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવા માંડતા. ગયા વર્ષે ટપકેલું અને ભેગું થયેલું વરસાદનું પાણી ફરી એમની સ્મૃતિ ઉપર જીવંત થઈ ઉઠતું. જો એનાથી પણ ભારે વરસાદ આવ્યો તો.......

એ 'તો ' એમના ચહેરા ઉપરનું હાસ્ય શોષી લેતું. આબેદાચાચીના શોહર એટલેકે મારા અબ્બુના ભાઈ તો આર્થિક રીતે ઘણા સધ્ધર હતાં. એમના જોડાની દુકાન સારી એવી ચાલતી હતી. મારા બિચારા અબ્બા તો લાંબી માંદગી પછી દુનિયા છોડી ગયા. હું ત્યારે ફક્ત ચાર વર્ષનો હતો. ના, આ વાત હું કોઈની દયા કે રહેમ મેળવવા માટે નથી કહી રહ્યો. થાય, જીવન છે ચાલ્યા કરે. ઈશ્વરે દુનિયા બનાવવા પહેલા ફક્ત સુખ જ આપવાનો વાયદો થોડી કર્યો હતો ? અમ્મી કહેતા કે એમણે આપણી પરીક્ષા લેવાનો વાયદો જરૂર કર્યો છે. ને પાછી પરીક્ષા પણ જબરદસ્ત. બધાની એકસરખી નહીં. બધાનાજ જુદા પેપર. એટલે ચીટિંગનો પણ કોઈ ચાન્સ નહીં. કોઈને ઘણું બધું આપીને તો કોઈની પાસે બધુંજ છીનવીને. જોઈએ તો ખરા. કિસમે કિતના હે દમ !

અમ્મી પોતાની પરીક્ષા પ્રામાણિક પણે આપી રહ્યા હતાં. અબ્બુના ગયા પછી પોતાના સીવણના શોખને જ એણે વ્યવસાયમાં ફેરવી નાખ્યો. બધા ઘરે આવીને કપડાં સીવવા આપી જતા. અને એમાંથી એ ઘરખર્ચ, લાઈટનું બિલ અને મારો ઉછેર સંભાળી લેતા. વુમન એમ્પાવરમેન્ટ પુરુષો સામે બંદૂક તાક્યા વિનાજ એક સાધારણ સીવણના મશીનથી પણ સિદ્ધ થઈ શકે એ અમ્મીએ સાબિત કર્યું. 

પણ આ બધી વાતો આબેદાચાચીના સમજશક્તિની બહારની વાત હતી. એટલેજ તો અમ્મીની મદદ કરવાની જગ્યાએ એ શિયાળાની ઋતુથીજ એમને ચોમાસા વિષેની ચિંતાઓ આપી જતા રહેતા. 

અમ્મી આખી આખી રાત મકાનના રીનોવેશન માટે ચિંતિત રહેતા. એમની ઊંઘ ઉડી જતી. ક્યારેક હું વાતો કરતો હોવ તો મને અનુભવાતું એ ત્યાં હાજર જ ન હોય. એમનું મન ભવિષ્યના વિચારોમાં ભમતું રહેતું. અને એના માટે જવાબદાર કોઈ હતું તો એ વન એન્ડ ઓન્લી અમારા આબેદાચાચી. 

હા, ચોમાસું આવતું. એ તો આવેજ ને. ધોધમાર આવતું. પણ જતું પણ તો રહેતું. પાણી ઘરમાં ભરાતું, છત ટપકતી. હું અને અમ્મી સાથે મળી પાણી કાઢી નાખતા. અમ્મી થઈ શકે એટલા નાનામોટા કેટલાક રીપેર પણ કરાવી લેતા. દિવસો નીકળી જતા. પણ એ દિવસો આવવા પહેલા જ જે તાણ અને ફિકર એના હૈયામાં બેસાડી દેવામાં આવતી એ એના સ્વાસ્થ્ય ઉપર અસર ચોક્કસ કરતી. 

મૃત્યુ આવવાનુંજ છે ને આપણે બધાએ જતા રહેવાનું છે. પણ વિચારો. કોઈ રોજ રોજ તમારા ઘરમાં આવી યાદ અપાવ્યા કરે કે, તને ખબર ? તું તો મરી જવાનો છે. તો એ વ્યક્તિ પ્રત્યે તમારા મનમાં કેવા ભાવો જન્મે ? એવાજ ભાવો મને આબેદાચાચીના ગોળમટોળ ચહેરાને જોઈ અનુભવાતા. એમને મારા કે અમ્મીના જીવન અંગે કોઈ હૃદયથી ચિંતા ન હતી. પરંતુ અમે સદા ચિંતિત અવસ્થામાં રહીએ એ અંગે એ અત્યંત તકેદારી રાખતા.

હું ને અમ્મી તો ઈશ્વરનો આભાર માની દિવસ પસાર કરતા હોઈએ કે આબેદાચાચી પોતાના મિશન ઉપર આવી ચઢે. એ યાદ અપાવવા કે અમે ગરીબ છીએ, અમારું ભાડાનું મકાન કેટલું ખખડધજ છે, અમ્મી સિલાય કામ કરી મારો ઉછેર ન કરી શકશે. મોંઘવારી કેટલી વધી ગઈ છે ! અમને ખુશ રહેવાનો, સંતુષ્ટ રહેવાનો, તાણ વિના દિવસો પસાર કરવાનો કે ઈશ્વરનો આભાર માનવાનો કોઈ અધિકાર જ નથી. એમને ભયંકર ગલતફહેમી હતી. એમને લાગતું કે ઈશ્વર માનવી જેવો છે. જે વર્ગ,જાતિ કે આર્થિક પરિસ્થતિ પ્રમાણે પ્રેમ અને કાળજી અર્પે છે.

લોલ !

મેરે અપને ફલક હે 

મેરે અપને સિતારે હે 

મેં અપને રબકા બંદા હું....

પણ આબેદાચાચીના સંકુચિત મગજમાં એ વાત કોણ ઉતારે ? 

જયારે પણ મારા ચાચા એમના માટે કોઈ સોનાનું આભૂષણ ખરીદી લાવે ત્યારે એ ઘરેણાંમાં લદાઈ એ અમારા મકાનનો એક ચક્કર કાપવા જરૂર આવે. એ દિવસે ભલે અમારી જોડે કોઈ કામ ન હોય કે અમ્મી પોતાના સીવણ અને ઘરકામમા ગળાડૂબ વ્યસ્ત કેમ ન હોય. વાત કરતા કરતા એ ઘરેણાં તરફ ઈશારા દર્શાવે. જો બંગડી હોય તો વાત કરતા કરતા નકામો હાથ હલાવ્યા કરે. જો બુટ્ટી પહેરી હોય તો નકામો કાન ખજવાળ્યા કરે. વીંટી પહેરીને આવ્યા હોય તો અન્ય હાથની આંગળી વડે એની જોડે રમત કર્યા કરે. ગળાનો હાર હોય તો એમાં આંગળી ભેરવી એને ઉપર નીચે કર્યા કરે. પોતાના જીવન સંઘર્ષ ઉપર સંપૂર્ણ લક્ષયબઘ્ધ મારી અમ્મીની નજર ત્યાં ન પડે તો પણ જબરદસ્તી એની વાત માંડી બેસે. 

" શું જુએ છે રસીદા ? "

" આ વીંટી ? "

" આ હાર ? "

" આ બંગડી ? " 

" આ બુટ્ટી ? " 

અને પછી બે કલાક સુધી એ ઘરેણાંનો ટુકડો કયા જવેલરીના શો રૂમમાંથી ખરીદ્યો, કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું, સોનાનો ભાવ બજારમાં કેટલો છે, ભવિષ્યમાં કેટલો ઊંચો જવાનો છે, પોતાના દીકરાના લગ્ન માટે કયા કયા ઘરેણાંઓ વસાવવાની યોજના છે એ અંગે જે સ્ત્રી ગમે તેમ ઘર ચલાવી રહી હોય, આર્થિક સંકણામણમાં ભીંસાઈ રહી હોય એની આગળ અવિરત એમનું ભાષણ ચાલતું. એમના ગયા પછી અમ્મીના ચહેરા ઉપર પોતાના જીવનની હાડમારીનો થાક ઉપસી આવતો જે એમના આગમન પહેલા પ્રથમ સ્થાને હાજર જ ન રહેતો. મારા લગ્ન કઈ રીતે થશે એ અંગેની પૂર્વ ચિંતા એમને અંદરથી કોતરવા માંડતી. 

ને ભૂલે ચુકે અમારા જમણના સમયે જો એ ચઢી આવે તો ગયા કામમાંથી. જોકે પોતાની જોડે કદી કોઈ જમણ એ સાથે લાવતા નહીં. ન કદી ઘરે જમવાનું આમંત્રણ આપતા. પણ અમે શું જમીએ છીએ એમાં ખુબજ રસ દાખવતા. 

" આજે શું બનાવ્યું ? " 

મોટેભાગે અમારે ત્યાં રોટી અને શાક હોય કે દાળ અને ભાત. એમાં દરેક વખતે પૂછવાનું શું હોય ? 

પરંતુ જો એ પૂછે નહીં તો દર વખતે અમને જણાવી કઈ રીતે શકે કે એમના ઘરે તો સાદું ભોજન ચાલેજ નહીં ને. એમના પતિ ને દીકરાને તો ભાતભાતનું ને જાતજાતનું જમણ જોઈએ. 

" બિરયાની દમ ઉપર મૂકીને આવી છું. " 

ઈશ્વરે તમને આપ્યું તો જમો ને ભાઈ. પણ જે વારતહેવારે કે વિશિષ્ટ દિવસે જ ખાસ જમણ ખાવા ટેવાયેલા હોય એમને યાદ અપાવીને મોઢામાં પાણીના રેલા છોડવા જરૂરી ? 

અમ્મી એકવાર હોસ્પિટલ ભરતી થયેલા. ત્યારે તેઓ આવી શક્યા ન હતાં. મારા ચાચાના એક ગાઢ ધનાઢ્ય મિત્રને ત્યાં લગ્નપ્રસંગ હતો. લગ્ન મંડપમાંથી જ એમણે ફોન લગાવ્યો હતો. અમ્મીની તબિયત પૂછવા. તબિયત કેમ છે, ડોકટરે શું કહ્યું, હોસ્પિટલનું બિલ ભરવા માટે અમારી પાસે પૈસા છે કે નહીં એ અંગે તો પૂછ્યું ન હતું. પણ એ આવી શક્યા નહીં કારણકે શહેરના એક મોટા લગ્ન સમારંભમાં હાજરી આપી રહ્યા હતાં.એ જણાવવાને બહાને લગ્નમાં કેટલા લોકો હાજરી આપી રહ્યા હતાં, દુલહનનો ઘાઘરો કેટલો મોંઘો હતો, જમણમાં કેવા છપ્પન ભોગ હતાં, બન્ને પરિવારોએ કેટલી મોંઘી ભેટની અદલાબદલી કરી એ માહિતી પુરવાર કરીને બીમાર અમ્મીના મનમાં લગુતાગ્રન્થિ બાંધવાનો જોરદાર પ્રયાસ જરૂર કર્યો હતો. 

પોતાના દીકરાની મોંઘી કોલેજ અંગે એ વારંવાર ચર્ચા છેડતા ખાસ કરીને મારી હાજરીમાં. એ જાણતા હતાં કે ભણવામાં મને કોઈ જાજો રસ હતો નહીં. એમણે મનોમન નક્કી કરી નાખ્યું હતું કે જીવને મને પ્રગતિ માટે કોઈ તક કે મંચ પૂરું પાડ્યું ન હતું. એટલે હું જીવનમાં કઈ જાજુ ઉખાડી શકીશ નહીં. 

" સંભાળજે રસીદા. આજકાલ સિગારેટ કરતા તો વધુ ડ્રગ્ઝમાં યુવાનો સપડાઈ રહ્યા છે. " 

મારી અમ્મીના કાન ભમ્ભેર્તા અને એ પણ મારી સામેજ. હા, મારો ચહેરો બહુ આકર્ષક ન હતો. પણ એનો અર્થ એ નથી કે મારા અંગે એવી ધારણાઓ બાંધી લેવી. ભણવામાં રસ ન હોય એટલે એ વ્યક્તિમાં કોઈ ગુણ જ ન હોય ? મારા રસ અંગે, મારી રુચિ અંગે કે મને જે ક્ષેત્ર ગમતું હોય એમાં આગળ ધપવા કોઈ આર્થિક મદદ અંગે એમણે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. હા, એકવાર અમ્મીને પૂછ્યું જરૂર હતું. 

" તારા ભાઈની દુકાન પર કામ કરવા કેમ નથી મોકલાવતી ? એમ પણ બહાર વાળાને પૈસા આપીએ છીએ. તે ભલે એને મળતા. " 

ખબર નહીં અમ્મીએ એવા કેટલા કડવા ઘૂંટડા ગળે સંયમથી ઉતારી દીધા હતાં !

અમ્મી રસોડામાંથી બહાર નીકળ્યા અને હું ભૂતકાળની યાદોમાંથી. અમ્મી એના નવા પોશાકમાં સુંદર લાગી રહ્યા હતાં. એમના શરીર ઉપર સજ્જ સોનાના ઘરેણાંને લીધે એ નહીં, પણ એમના લીધે એ ઘરેણાઓ દીપી ઉઠ્યા હતાં. તેથીજ કદાચ એ ઘરેણાઓ તરફ એમને કોઈ છુપા ઈશારા કે સંકેત કરવાની જરૂર જ ન પડતી. એમણે આબેદાચાચીનું અમારા પોતાના નવા ખરીદેલા ફ્લેટમાં એટલાજ માનસન્માનથી સ્વાગત કર્યું જેટલા માનસન્માનથી અમારા પેલા જુના ભાડેના મકાનમાં કરતા હતાં. અમ્મીએ મારી થાળીમાં પીરસેલી લજ્જતદાર બિરયાની હું સમાપ્ત કરી ચુક્યો હતો. મારો જવાનો સમય થઈ ગયો હતો. એટલે હું અંદરના ઓરડામાં તૈયાર થવા જતો રહ્યો. જયારે તૈયાર થઈ બહાર નીકળ્યો ત્યારે અમ્મીએ મને આજીજી કરી. 

" સાંભળ ઝાકીર. સોહેલ અને એના મિત્રોને શોની ટિકિટ ન મળી. એમને પાસ......" 

અમ્મી આગળ બોલે એ પહેલાજ મારા મોઢામાંથી તરતજ એ આજીજી માટેનો અસ્વીકાર બહાર નીકળી આવ્યો. 

" પાસ તો નથી. બધાજ સમાપ્ત. " 

હવે સમજાયું. આબેદાચાચીને દીકરા અને એના મિત્રો માટે શોના પાસ જોઈતા હતાં. એટલે આજે આ તરફનો રસ્તો ભૂલાયો હતો. 

અમ્મીએ મારી આંખોમાં જોયું. એ આંખો મને કહી રહી હતી કે આપણે પણ જો એવું જ કરીએ તો પછી એમનામાં અને આપણામાં શો ફેર ? 

" જોને બેટા. પાસની વ્યવસ્થા કરી આપને. " આંખોના એ ઈશારાને એમણે શબ્દોથી ઢાંકવાનો પ્રયાસ કર્યો. 

હું એ ઈશારો ટાળી ન શક્યો. મેં થોડાક મેસેજ કર્યા અને કામ થઈ ગયું. પણ એ આબેદાચાચી માટે તો નહીં જ અમ્મીની ખુશી માટે કર્યું. 

" હોલ ઉપર પહોંચી મેનેજરને મળશે તો એન્ટ્રી કરાવી આપશે. " 

આટલું કહી હું શીઘ્ર ફ્લેટની બહારની દિશામાં આગળ વધ્યો. આબેદાચાચીના પ્રત્યાઘાત માટે રોકાવાનું મન ન થયું. અમ્મીનો અવાજ દરવાજા સુધી પહોંચી રહ્યો હતો. 

" ના, તમે હજી બેસો. પહેલીવાર અહીં આવ્યા છો. જમીને જ જવાનું છે. "

હું ઝડપથી દાદર ઉતરી ગયો. સમય ન હતો. સાંજ માટે હજી રિહર્સલ કરવાનું હતું. આજે હોલમાં હજારો લોકો દેશના પ્રખ્યાત યુ ટ્યુબર અને ખુબજ જાણીતા અને સફળ સ્ટેન્ડપ કોમેડીયન ઝાકીરનો લાઈવ પરફોર્મન્સ નિહાળવા ભેગા થવાના હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational