Kishor R. Tandel

Romance Tragedy

4  

Kishor R. Tandel

Romance Tragedy

વસંતની પાનખર

વસંતની પાનખર

3 mins
242


રંગબેરંગી પુષ્પો પર પતંગિયાઓ અને ભમરા ઊડાઊડ કરે પણ નાયક વસંતની બાબતે કંઈક અનોખું હતું. વસંતઋતુમાં આંબાવાડિયામાં આમ્રમંજરીની માદક સુગંધ પ્રસરે અને તેનાથી ઉત્તેજિત થઈને કોયલો ટહુકા કરતી જોવા મળે એમ બને. શાંત ધરતી જ નહીં પણ કોલેજની તમામ સુંદર યુવતીઓને વસંતની હાજરીની ચુંબકીય અસર થતી હતી. દરેક યુવતીઓ મનોમન વિચારતી કે વસંત જેવો પતિ પરમેશ્વર મળી જાય તો જીવન ધન્ય!

વસંતનો દેખાવ એવો આકર્ષક હતો કે સૌને ગમી જાય. સૌ તેની મિત્રતા ઝંખતાં. ધીરે.. ધીરે.. વસંત પણ કોલેજની સુંદર યુવતીઓની મોહપાશમાં બંધાતો ગયો અને તેણે ભ્રમરાનું મોહકરરૂપ ધારણ કરી લીધું હતું.

ધરતીની વાત સૌથી જુદી હતી. તે સુંદર પણ સાદગીમાં માનતી. સુંદરતાનો દેખાડો કરવાનું તેના સંસ્કારમાં નહોતું. જો કે વસંતને તે પસંદ કરતી હતી પણ તેનાથી દૂર જ રહેતી. 

'તું ખાદીના વસ્ત્રો કેમ પહેરે છે?'

'મારા પપ્પાની અને ઘરના સૌની પસંદ ખાદી છે.'

'એમ તો મારા પપ્પા શિક્ષક છે, તેઓ પણ ખાદી પહેરે છે પણ હું નથી પહેરતો.'

'મારા પપ્પા પણ શિક્ષક છે.'

 આમ ક્યારેક વસંત-ધરતીની વાતચીત ચાલતી. આજે કોલેજમાં છેલ્લા વર્ષની પરીક્ષાનો અંતિમ દિવસ હતો.

 'ધરતી, હું તને પ્રેમ કરું છું.'

'હું પણ તને પસંદ કરું છું, પણ એમ.એ., બી.એડ.પૂર્ણ કરીને નોકરી મળી જાય ત્યારે આ અંગે વિચારીશ.'

વસંતના એકરારનો ધરતીએ જવાબ આપ્યો હતો. એ વસંતની ભ્રમરવૃત્તિને પણ જાણતી હતી. ત્યારબાદ ધરતીએ વસંતને રૂબરૂમાં મળવાનો એકેય મોકો આપ્યો નહોતો. માત્ર ફોનથી વાતો થતી. ધરતી અભ્યાસ પૂર્ણ કરી સુરત જિલ્લામાં શિક્ષિકા તરીકે અને વસંતને ડાંગની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી મળી હતી. 

'બેટા, હવે તારા લગ્ન માટે પૂછપરછ આવે છે, તને કોઈ છોકરી ગમતી હોય તો કહેજે.'

'પપ્પા, બારડોલીના નજીકના ગામડામાં નોકરી કરતી ધરતી મને ગમે છે.'

વસંતે પપ્પાને ધરતીની માહિતી આપી હતી. બધાજ શિક્ષણના વ્યવસાયમાં હોય સરળતાથી સગાઈ થતાં જ લગ્નના શુભ પસંગથી ધરતી-વસંત એક થઈ ગયા હતા. લગ્નની રજાઓ પૂર્ણ થઈ હતી પણ પ્રશ્ન નોકરીના સ્થળ અંગેનો હતો. સમાધાન નક્કી થયું કે શનિ-રવિવારે વારાફરતી સુરત કે ડાંગ આવજા કરવું.

લગ્નના છ માસ પૂર્ણ થતાં પહેલાં, એક સખી કાજલ જે ડાંગમાં નોકરીમાં હતી તેણે વસંતની ભ્રમરવૃત્તિની વાતોની જાણ કરી ત્યારે ધરતીના માથે જાણે આભ ફાટયું હતું.

'આજે એક મહિના પછી તું આવ્યો છે.'

'શાળામાં યુવકમહોત્સવની તૈયારી ચાલે છે.'

'ખોટું બોલવાની કોઈ જરૂર નથી, મને બધા જ વાવર મળે છે.'

'શંકા કરવી એ સ્ત્રીઓની આદત છે. તારે જે સમજવું હોય તે સમજ. મારે આ બાબતે કોઈ ચર્ચા કરવી નથી.'

શનિ-રવિવારે મળતાં પણ માત્ર ઝગડો ચાલતો, અંતે કામચલાઉ સમાધાન થઈ જતું. આમ જ બે વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. દીકરી મહેકના જન્મ થયો ત્યારે બધું સુધરી જશે એમ માની ધરતી મનને મનાવતી.

ડાંગમાં વસંતે પોતાની કુટેવ ચાલુ જ રાખી હતી. જે ઘરમાં ભાડે રહેતો તેમની દીકરી મોહજાળમાં ફસાઈ હતી. પકૃતિને વસંતના લગ્નની જાણ હતી, પણ વસંતના ચુંબકીય આકર્ષણને કારણે તે નજીક આવી હતી. ડાંગમાં ઓછું ભણેલી યુવતીઓ આવી જાળમાં સળતાથી ફસાતી. ચાલક વસંત પોતાના શિક્ષકના વ્યવસાયમાં તેની અસર ન આવે તે માટે જાગૃત રહેતો. શિક્ષણકાર્ય સારી રીતે નિભાવતો પણ આદતથી મજબૂર હતો.

પરિણામ એ આવ્યું કે પાંચ વર્ષના લગ્નજીવન પછી મહેકને લઈને ધરતીએ છૂટા થવાનું પસંદ કર્યું હતું. વસંતને મોકળું મેદાન મળ્યું હતું પણ ધરતી અને મહેકની યાદો સતાવતી હતી. 

વધુ સાત વર્ષ પછી વસંતના પપ્પાએ કહ્યું,

'બેટા, લગ્ન માટે એક શિક્ષિકા છે તેની વાત આવી છે. તેની સગાઈ થઈ હતી પણ લગ્ન પહેલાં અકસ્માતમાં તે યુવકનું નિધન થયું હતું.'

'હા,પપ્પા, મળીએ પછી વાત.' વસંતે કહ્યું.

મંજરીને જોતા જ વસંતે હા કહી અને સામે મંજરીએ પણ હકારમાં ઉત્તર આપતાં સાદગીપૂર્ણ લગ્ન થયા હતા. બીજા લગ્ન પછી થોડો સમય થયો ત્યાં મંજરીને ડાંગના સમાચાર મળવાની શરૂઆત થઈ હતી.

'તમે ડાંગથી બદલી કરાવી અહીં ' આવી જાવ.' મંજરીએ કહ્યું.

'તારી મરજી મુજબ બદલી ન થાય. જિલ્લા ફેરબદલી માટે અરજી આપી છે, વાર લાગશે. અને હા, તું શંકા કરવાનું છોડી દેજે.'

દર વખતે આ વાર્તાલાપ ચાલતો રહ્યો પણ પરિણામ શૂન્ય.. મતમતાંતર, મતભેદ અને પછી મનભેદ ઊભો થયો અને અંતે મંજરી-વસંત છૂટા થઈને પોતાની રીતે જીવન પસાર કરી રહ્યા હતા.

આજે વસંતના માતા-પિતા હયાત નથી. વસંતની બદલી ડાંગથી નવસારી જિલ્લામાં થઈ હવે તે એકાકી જીવન જીવી રહ્યો હતો. બધી જ કુટેવ છૂટી ગઈ હતી. બે લગ્ન પછી હવે એકલું રહેવું અસહ્ય લાગતું. નોકરીમાં પણ મન લાગતું નહોતું. શાંતિ ગમતી.

વસંતને હવે પાનખર આવી હતી. તેનામાં કઈ પણ આકર્ષણ નહોતું. તે વિદ્યાર્થીઓને પણ અપ્રિય હતો. સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને વસંત કોઈ જંગલમાં ચાલી ગયો હતો. ઊડાઊડ કરે એવા કોઈ ભમરા નહોતા કારણ જંગલમાં પાનખર આવી ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance