સાવકી મા
સાવકી મા
"કાશીબા, તમારો દીકરો આવશે. હવે ઘરે જઈને આરામ કરો." મંદિરના પૂજારીએ કહ્યું.
"સારું, મહાદેવને કહી રાખજો, હું કાલે પાછી આવીશ."
ભાડભૂત ગામે દર સોળ વર્ષે યોજાતા મેળામાં દીકરા જીગરને કોઈ ઉપાડી ગયું હતું. બસ ત્યારથી મહાદેવના મંદિરે રોજ કાશીબા હાજરી આપે. વિધવા માની અરજ મહાદેવે સ્વીકારી.
એક સવારે સાત માસનું બાળક મંદિરના ઓટલે છોડીને કોઈ જતું રહ્યું. મંદિરના સેવકે કાશીબાને કહ્યું, "બા, આ રહ્યો તમારો જીગર."
તે દિવસે કાશીબા સીધા બસમાં બેસીને સુરત પહોંચી ગયાં. જાણે જૂની યાદો તાજી થઈ ગઈ. સુરતમાં એક ઘરે પાણી માંગવા ઊભાં રહ્યાં ત્યાં એકલા રહેતાં મણીબા મળ્યાં અને મા-દીકરાને આશરો મળી ગયો. એકના એક પુત્ર જીગરના ઉછેર અને અભ્યાસ માટે વિધવા કાશીબાએ કાળી મજૂરી કરી. બહેનપણી મણીને લીધે વૃદ્ધાઆશ્રમમાં રોટલી વણવાનું કાયમી કામ મળતાં થોડી નિરાંત થઈ. દીકરો હોશિયાર, હંમેશ પ્રથમ ક્રમાંક મેળવે.
એકવાર એક મહાજન વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા. દરેક સદસ્ય સાથે વાતો કરી. કાશીબાએ પોતાના જીગરની વાતો કરી તો મહાજન ખુશીથી બોલ્યા, "તમારો દીકરો હવે વધુ અભ્યાસ માટે વિદેશ જશે." સૌએ આનંદ વ્યક્ત કરી આભાર માન્યો. આશ્રમની ભૌતિક સુવિધાઓ માટેનું દાન પણ મળ્યું હતું.
જીગર વિદેશ ગયો તે ગયો. ક્યારેક પત્ર આવતો. અભ્યાસ પૂર્ણ થયે ત્યાં જ નોકરી અને છોકરી શોધીને સેટ થઈ ગયો. અહીં કાશીબા અપસેટ થઈ જાય તો સૌ સાચવીને કહે, "જો જો કાશીબા, તમે કહો છો તેમ- જીગર ચોક્કસ આવશે." કાશીબાના ચહેરા પર હાસ્ય દેખાતું. કાશીબા હવે વૃદ્ધાશ્રમમાં જ રહેતાં. વાર્ષિક ખર્ચ પેટે રકમ નિયમિત જમા થઈ જતી. ઉંમરને કારણે કાશીબાને દેખાતું બંધ થયું ત્યારબાદ બધે ઝાંખો પ્રકાશ દેખાતો. દરેકમાં સરખાપણાનો આભાસ થતો. ચારેકોર પડછાયાનો ભ્રમ થયા કરે. તેમને એમ કે દીકરો પાસે છે એટલે વાતો કર્યા કરે. સર્વત્ર આભાસનું આવરણ!
માંદગીને કારણે કાશીબાએ ખાટલો પકડી લીધો. રામનું રટણ અને "મારો જીગર આવ્યો, મારો દીકરો આવ્યો.."એમ કહી લવારો કરે. ડૉક્ટરે કહ્યું, "હવે અંતિમ સમય છે." પણ..બાનો જીવ દીકરામાં અટકી ગયેલો. વિદેશમાં જીગરને જાણ કરી તો સંદેશ આવ્યો, "બાની અંતિમક્રિયા કરી દેજો, હું આવી શકું તેમ નથી. આ સાથે ખર્ચ પેટે રકમ મોકલી છે."
બીજા દિવસે સવારે આશ્રમમાં મોટી ગાડી આવી. તેમાંથી એક દીકરો બહાર આવ્યો અને કહે ,"બા, ઓ બા..હું આવી ગયો." કહી બાના ચરણસ્પર્શ કર્યા. સૌની હાજરી વચ્ચે કાશીબા કહે, "જુઓ, હું નહોતી કહેતી.. કે મારો જીગર કદી મને ના ભૂલે." મા-દીકરાના મિલન સમયે હાજર સૌની આંખોમાં અશ્રુધારા વહેવા લાગી. કાશીબા અને મણીબાની આંખોમાં હર્ષના આંસુ હતાં. કાશીબા માત્ર ધીમેથી બોલી શકે. કહે, "બેટા, ચાલ આપણાં ઘરે એકવાર જઈ આવીએ, ત્યારબાદ અહીં જ આવીશું."
દીકરો કહે, "હા બા, ચાલ ત્યારે આપણી મોટી ગાડીમાં બેસીને જઈએ. બાને ખાટલા સાથે ગાડીમાં અને પછી..ઘરે.. પછી આશ્રમમાં પરત લાવ્યાં. બેટા.. પાણી..અને ગંગાજળથી તૃપ્ત કાશીબાએ વિદાય લીધી ત્યારે વાતાવરણ ગંભીર બની ગયું.
સાંજે પ્રાર્થના સભામાં સૌ મળ્યા ત્યારે સંચાલકે કહ્યું, "મારા દીકરો ભાવેશ કાશીબાનો પુત્ર જીગર બન્યો. સરકારી એબ્યુલન્સમાં બાને આશ્રમમાં જ ફેરવીને બાના આભાસને વિશ્વાસમાં ફેરવ્યો. આપ સૌ મણીબાના આભાસને સાચું રૂપ આપવામાં સહભાગી બન્યાં તે સમયની માંગ હતી. આભાર."
કાશીબાની મમતાને સલામ.કાશીબાના આત્માને શાંતિ મળે તે માટે શાંતિ પ્રાર્થના થઈ હતી.
