દીપપ્રકાશ
દીપપ્રકાશ
ભરતકામના દોરા બનાવતી કેડસમ રેયોન કંપનીમાં બાર-બાર કલાક નોકરી કરીને ઘરે આવતાં દીપકનું શરીર જવાબ દઈ દેતું. જરૂર પૂરતી જ વાત કરતો.
"બેટા, હવે તો લગ્ન કરી લે. ઘરમાં એકલું ગમતું નથી અને હવે મારાથી ઘરકામ પણ બરાબર થતું નથી."
"હા, બા કરી લઈશ." દીપક મમ્મીને બા કહેતો.
"પણ, બેટા ક્યારે?"
"બા, ઘરનું થોડું સમારકામ થઈ જાય, થોડી બચત જમા થઈ જાય પછી."
બા-દીકરા વચ્ચે સમયાંતરે આ પ્રકારની વાતચીત થયા કરતી.
ગરીબી વારસામાં ચાલી આવી હતી. કંચનબાને પણ ગરીબાઈ સાથે જૂનો નાતો. કંચન, પિતાનું પાંચમુ સંતાન. બે-પાંચ ચોપડી સુધી શાળામાં ગઈ પછી કંચને મજૂરીકામે લાગી જવું પડ્યું હતું. સાત માણસો હોય ભરણપોષણની પણ તકલીફ રહેતી. પિતાએ કંચનના લગ્ન રેયોન કંપનીમાં કામ કરતા વિજય સાથે કરીને હાશ અનુભવી હતી.
કંચન-વિજયના લગ્નજીવનને એક વર્ષ પછી દીપકનો જન્મ થતાં ઘરમાં પહેલીવાર લાપસી બની હતી. હજુ દીપક ત્રણ મહિનાઓ થયો ત્યાં અચાનક વિજય તાવમાં સપડાયો અને યોગ્ય સારવારને અભાવે મૃત્યુને ભેટતાં મા-દીકરો એકાકી બની ગયા હતા. ઘરમાં બચતના નામે મીંડું હતું. કંચનબા હાર્યા વિના ચાર-પાંચ ઘરમાં કામ કરીને દીકરાને મોટો કર્યો, ભણાવ્યો પણ દીપકનું ભણવામાં મન લાગતું નહોતું. ધોરણ સાત પછી શાળા છોડી ભરતકામના દોરા બનાવતી ફેક્ટરીમાં કામે લાગી ગયો હતો. બાર કલાક કામ કરીને ભવિષ્ય માટે બચત કરતો.
જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં ચાર-પાંચ છોકરીઓ રેલીંગ મશીન પર કામ કરવા આવતી, તેમાં કવિતા ટ્વીસ્ટિંગ મશીન પર દિપક સાથે કામ કરતી. બન્ને વચ્ચે કામસર વાતો થતી રહેતી. ક્યારેક એક-બીજાનું કામ પણ સંભાળી લેતાં. આમ ધીરે-ધીરે ક્યારે વધુ નજીક આવી ગયાં, તેની ખબર ન પડી.
બંનેના પરિવારની આર્થિક સ્થિતિ સરખી. કંચનબાની સંમતિ સાથે કવિતા-દીપક મંદિરમાં હારતોરા કરી એક થઈ જતાં કંચનબાને સથવારો મળ્યો હતો. કવિતા-દીપકના લગ્નના સાત વર્ષના લાંબાગાળા પછી ઘરમાં પ્રકાશનો જન્મ થયો ત્યારે કંચનબાએ લાપસી બનાવી હતી પણ...દીપકના ચહેરા પર આનંદ દેખાતો નહોતો. બાળક પ્રકાશનો જન્મ શારીરિક ખોડખાંપણ સાથે થયો હતો, તે વિકલાંગ હતો. સામાન્ય બાળકોથી તેના બન્ને પગ નાનાં હતા.
કહેવાય છે કે, બાળ જન્મ પહેલાં સંપૂર્ણ સાવચેતી-દેખરેખ રાખવામાં આવી હોવાં છતાં બાળકમાં ૬૦ ટકા જન્મ ખોડખાંપણ અગમ્ય કારણોસર આવતી હોય છે, જેના માટે તબીબી વિજ્ઞાન પાસે કોઈ ઉત્તર નથી.
પતિ-પત્ની અને બાએ પ્રકાશને વિશેષ લાગણી અને હૂંફ આપી ઉછેર કર્યો એટલે પ્રકાશના પગ ટૂંકા પણ શરીરમાં અજીબ તાકાત દેખાતી હતી. પ્રકાશ સારી રીતે ચાલી શકતો. શાળામાં અને ફળિયામાં પગને કારણે અન્ય બાળકો તેને મજાકનું પાત્ર બનાવી વાતો કરી આનંદ લેતાં. શરૂઆતમાં અસહ્ય લાગતું પછી સૌએ તેની નિખાલસતા જોઈને સ્વીકાર કરી લીધો ત્યારે આનંદની લાગણી થતી. પ્રકાશ અભ્યાસમાં પણ મહેનત કરતો, તે જાણતો હતો કે વિકલાંગ માટે દિવ્યાંગ શબ્દ આવ્યો છે અને ગૌરવ પણ જળવાય તેવું વાતાવરણ ઊભું થયું છે, પણ તે અન્યોથી કંઈક વિશેષ કરવું હતું. સંઘર્ષ કરી સિદ્ધિ મેળવવી હતી. જન્મથી પગથી દિવ્યાંગ પરંતુ દિલથી ખૂબ મજબૂત હતો. પગ નાનાં પણ નવી ઊંચાઈ સર કરવી હતી. ઘરમાં નાનું ટી.વી.હતું એમાં ડાન્સ કાર્યક્રમો જોતાં મનોમન ડાન્સર બનવાનું નક્કી કરી લીધું હતું. શાળામાં અભ્યાસ ચાલુ હતો. ઘરમાં ૬ વર્ષ જાતે મહેનત કરીને આજે ડાન્સર બનવા મનોજ સરના કલાસ પર પહોંચીને પોતાની ઈચ્છા જણાવી હતી.
"મનોજ સર, મારે ટી.વી.ના ડાન્સ શોમાં જવું છે, ડાન્સર બનવા આપના કલાસમાં પ્રવેશ આપશો ?"
દિવ્યાંગ પ્રકાશની હિંમત જોતાં મનોજ સરે કહ્યું, "ચોક્કસ"
ગુરુ-શિષ્ય વચ્ચે અનન્ય પ્રેમ અને આત્મીય સંબંધનું કારણ પ્રકાશની ધગશ. પ્રકાશે દિવ્યાંગ બની ઘરમાં બેસી રહેવાને બદલે આજે ડાન્સકલાને પચાવી લીધી હતી. નાનાં પગને કારણે સંઘર્ષમય જીવન જીવી રહેલા પ્રકાશે ઊંચા સપનાઓ જોઈ તેને પૂર્ણ કરવા દિવસ-રાત મહેનત કરી હતી. અથાક મહેનત પછી ડાન્સ શીખ્યો હતો, તે પણ કઈંક અનોખો ડાન્સ. તેણે ટી.વી.શોમાં પહોંચવાનું મન બનાવી લીધું હતું. આજે એ મંગલ ઘડી આવી- પ્રકાશે દેશના સૌથી મોટા ટી.વી.શો ઈન્ડિયા ગોટ ટેલેન્ટમાં જઈ ડાન્સ કરી નિર્ણાયકોનું મન મોહી લીધું હતું. પ્રકાશની ટેલેન્ટ જોઈ નિર્યાણકોએ કહ્યું હતું, અવર્ણનીય, જાનદાર, શાનદાર, દમદાર.
પ્રશંસા સાંભળીને પ્રકાશની આંખોમાં હર્ષના આંસુ હતા. મહેનત રંગ લાવી હતી. દર્શકોએ પણ ડાન્સને વખાણ્યો હતો. દીકરાનું ટેલેન્ટનું પ્રસારણ જોવા માતા-પિતા અને પાડોશીઓ સાથે ફળિયું ટી.વી.સામે બેસી ગયું હતું, અને પ્રકાશ પ્રગતિ કરે તેવા આશિષ પણ આપ્યા હતા.
જે દિવ્યાંગ લોકો મનથી હારી જાય તેમને માટે પ્રકાશ આદર્શ બન્યો હતો. દિવ્યાંગ લોકો જેઓ કંઈ કરી શકે તેમ નહીં હોય તેવા લોકો માટે રોલમોડેલ બન્યો હતો. અખબારોએ તેની નોંધ લીધી હતી. પ્રકાશે નાનાં પગે નવી ઊંચાઈ સર કરી હતી. ટી.વી શોમાં ચમકી દીપ-પ્રકાશ ફેલાયો હતો. કહેવાયું છે કે, ક્યારેય દીવાની જ્યોત અંધકારને કારણે બુઝાઈ ગઈ હોય એવું બન્યું નથી. આજે માતા-પિતા અને ગુરુ-શિષ્ય સંબંધની જીત થઈ હતી.
