STORYMIRROR

Kishor R. Tandel

Inspirational

4  

Kishor R. Tandel

Inspirational

રંગોત્સવ

રંગોત્સવ

2 mins
300

ફાગણના રંગો માનવજીવનને આનંદ બક્ષે છે. યુવાવર્ગ હોળી, ધૂળેટીના અવસરે એકબીજાને રંગો છાંટી મન-લાગણીના રંગો વ્યક્ત કરે છે. મસ્તીના રંગમાં છલકાતું પર્વ ધૂળેટી આવે ત્યારે પલક બધું ભૂલીને આનંદ અને ઉલ્લાસમાં તરબોળ બની જતી.

ઘરમાં સૌથી વધુ બોલકણી, આનંદી પલકની આજુબાજુ નાના-મોટાની ભીડ જમા રહેટી. ધૂળેટીને બે દિવસ બાકી, પણ પલક સાવ શાંત હતી.

"બેટા પલક, કેમ શાંત છે ? બે દિવસ પછી રંગોત્સવ છે."

"હા પપ્પા." પલકે ધીમેથી પ્રતિઉત્તર આપ્યો.

નરેશભાઈ- માલતીબેનના ઘરે બે જોડિયા પુત્રી પલ્લવી અને પલક. સોસાયટીમાં મોજ-મસ્તીથી રંગેચંગે ધૂળેટીની ઉજવણીમાં અબીલ-ગુલાલ અને કેસૂડાના આયુર્વેદિક રંગો ઊડે. આજે પલક વેદનાગ્રસ્ત હતી.

હજુ બે વર્ષ પહેલાંની વાત. બંન્ને શાળામાં શિક્ષિકા. પલક એકદમ ઉછળતી-કૂદતી અને પલ્લવી શાંત -સૌમ્ય. અંગ્રેજીના શિક્ષક પરેશને પલ્લવી સાથે પ્રેમ થયો. મુલાકાત ગોઠવીને પલકે પ્રેમરંગ પાકો કરી આપ્યો.

"પપ્પા, પરેશ શિક્ષક છે. અને હા, પલ્લવીદીદીને ગમે છે."

"સારું બેટા."

સૌની સંમતિ પછી પરેશ-પલ્લવીના લગ્ન થઈ ગયા. ધૂળેટીમાં સૌએ ભેગા મળી મજાક- મસ્તીથી ઉજવણી કરી. થોડા સમય પછી પલ્લવીને પ્રસૂતિમાં પ્રશ્નો ઊભા થયા. દીકરીને જન્મી પણ પલ્લવીએ વિદાય લીધી. પલક સાવ સ્તબ્ધ બની ગઈ. પલ્લવીની સાસુની નાદુરસ્ત તબીયત અને નાની દીકરીની સાર-સંભાળનો પ્રશ્ન. પરેશ તો સાવ ભાંગી પડ્યો.

સૌ કોઈ એવું ઈચ્છતાં કે પરેશ અને પલક એક થઈ જાય અને કૃતિને સાચવે. 

પલકે તો બે વર્ષ પહેલાં જ મયંક સાથે રંગોત્સવમાં પ્રેમનો એકરાર કર્યો હતો. હવે જો પરેશ અંગે નિર્ણય કરે તો મયંક સાથેના પ્રેમનો વિશ્વાસઘાત કહેવાય.

 આ હોળી-ધૂળેટીમાં સોસાયટીમાં હોળી-ધૂળેટી અબીલ-ગુલાલ અને કેસૂડાના રંગથી રમવાનું નક્કી થયું હતું. 

કૃતિ એક વર્ષની થઈ પણ તેની નજર ચારેકોર પલકને શોધતી. મમ્મી-પપ્પાએ પલકને પરેશ અંગે વિચારવા કહ્યું હતું. કૃતિને સાચવવી એ પોતાની ફરજ છે. પલકે મનોમંથનને આધારે તેણે એક નિર્ણય કર્યો હતો.

 સૌ રંગોત્સવમાં રંગાઈને આનંદ માણી રહ્યાં હતાં, પરેશ ઘરના ઓટલે કૃતિને ખોળામાં લઈને બેઠો હતો.

 માતલીબેન-નરેશભાઈ બન્ને પરેશના ઘરે હાજર હતા.

 પલક ઘરેથી દોડી. સૌની નજર આ દ્ર્શ્ય જોતી હતી. કૃતિ કૂદીને પલકને વળગી ગઈ. પછી પલકે પરેશના ગાલે અબીલ-ગુલાલનો છંટકાવ કરી ભેટી પડી..બન્ને એકબીજાના રંગે રંગાઈ ગયા. 

 મમ્મી-પપ્પા અને સોસાયટીવાસીઓ આશીર્વાદ વરસાવી રહ્યા હતા. પલ્લવીની તસ્વીર પર સંતોષ દેખાતો હતો. ચારેકોર અને ઘરમંદિરમાં ખુશીનો રંગ ફેલાયો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational