સંગ તેવો રંગ
સંગ તેવો રંગ
ફાગણના રંગો માનવજીવનને અનેરો આનંદ બક્ષે છે. યુવાવર્ગ હોળી, ધૂળેટીના અવસરે એકબીજાને રંગો છાંટી મન-લાગણીના રંગો વ્યક્ત કરે છે. આ એવો સમય છે કે, અબીલ-ગુલાલ અને કેસૂડાના રંગથી એકબીજાને રંગીને તન-મનને તાજગી આપી શકાય. મસ્તીના રંગમાં છલકાતું પર્વ ધૂળેટી આવે ત્યારે પલક બધું ભૂલીને આનંદ અને ઉલ્લાસમાં તરબોળ બની જતી.
ઘરમાં સૌથી વધુ બોલકણી, આનંદી, હસમુખી અને સૌને હસાવતી પલકની આજુબાજુ નાના-મોટાની ભીડ જમા રહેતી. તેના જોક્સ સાંભળીને સૌના પેટમાં દુઃખાવો ઉપડતો. ધૂળેટીને બે જ દિવસ બાકી હતા, પણ સદા હસતી રમતી પલક સાવ શાંત દેખાતી. નાનાં બાળકો તો એકબીજાને પાણીથી ભરેલા ફુગ્ગા મારવાનું શરૂ કરી દીધું હતું. મોટાએ કુદરતી રંગના મિશ્રણનું કામ ઉપાડી લીધું હતું.
"બેટા પલક, કેમ કંઈ બોલતી નથી. પપ્પા સાથે કે મમ્મી સાથે કટ્ટી છે."
"ના પપ્પા, બસ એમજ.."
"તું મારો એવો દીકરો છે, જે સૌની ચિંતાનો રામબાણ ઈલાજ શોધીને વાતાવરણને ઉત્સાહિત કરી દે. બેટા, તારી ચિંતાની વાત પપ્પાને તો જણાવ."
"ના પપ્પા,બસ એમ જ."
"જો બેટા, કોઈએ કંઈ કહ્યું હોય અથવા અન્ય કોઈ કારણ હોય તો મને નહિ તો મમ્મીને જણાવ. અમારાથી તારું મૌન સહન થતું નથી. વળી બે દિવસ પછી રંગોત્સવ છે..સોસાયટીમાં વ્યવસ્થા કરવામાં તારે જ આગળ રહેવું પડશે."
"હા પપ્પા."
નરેશભાઈ અને માલતીબેનના ઘરે લગ્નની પ્રથમ વર્ષગાંઠે બે જોડિયા પુત્રી અવતરી. એક પલ્લવી અને બીજી પલક.બન્નેને ઓળખવામાં શાળાના શિક્ષકોને પણ તકલીફ રહેતી. અભ્યાસમાં બન્ને સૌથી આગળ. બોલવાનું શરૂ કરે ત્યારે જ ખબર પડે કે આ પલક.
પલકને ધૂળેટીમાં રંગાવું એટલું ગમે કે વાત ન પૂછો. ધૂળેટીમાં પાગલ બની જતી પલક આજે વેદનાગ્રસ્ત હતી. તે આજે પોતાની બહેન પલ્લવીને યાદ કરીને ચિંતામાં હતી. પોતાની જોડિયા બેન પલ્લવી અને સોસાયટીના બાળકો, યુવાનો અને વડીલો મોજ-મસ્તીથી રંગેચંગે ધૂળેટીની ઉજવણી કરી આનંદ મેળવતા. મજાક- મસ્તી પણ ચાલતી. સૌ અબીલ-ગુલાલ અને કેસૂડાના આયુર્વેદિક રંગોથી જ રમતાં. તે વખતે એકબીજાના ચહેરા પણ ઓળખવામાં મુશ્કેલીઓ થતી. પણ આજે પલક પ્રિય પપ્પાના પ્રશ્નનો યોગ્ય ઉત્તર આપવાનો વિવેક પણ ભૂલી ગઈ હતી.
હજુ બે વર્ષ પહેલાંની જ વાત હતી. બંન્ને એક જ શાળામાં શિક્ષિકા બની. પલ્લવીનો વિષય હિન્દી અને પલકનો ગુજરાતી. આમ પણ સ્વભાવમાં બે વચ્ચે આભ-જમીનનું અંતર. પલક એકદમ ઉછળતી-કૂદતી નદી જેવી અને પલ્લવી શાંત અને સૌમ્ય. બાજુની શાળાના અંગ્રેજીના શિક્ષક પરેશને પહેલી નજરે પલ્લવી સાથે પ્રેમ થઈ ગયો. પણ પલ્લવી સાથે એકરાર કરવામાં તેના પિતા નરેશભાઈનો ડર લાગતો. તાલુકા કક્ષાએ એક કાર્યક્રમમાં સૌ શિક્ષકો ભેગા મળ્યા ત્યારે પલક, પરેશને મળી. પલ્લવી સાથે મુલાકાત ગોઠવીને સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો.
"પપ્પા, પલ્લવીને લગ્ન કોઈ શિક્ષક સાથે થાય તો તમને ગમે ?"
"બેટા, તું બે મિનિટ પલ્લવીથી નાની કહેવાય. આ વાતો પલ્લવી મને કરશે."
"અરે પપ્પા, બાજુની શાળામાં એક શિક્ષક છે, વિષય અંગ્રેજી છે. બાજુની સોસાયટીમાં રહે છે. અને હા, દીદીને પણ ગમે છે."
"સારું બેટા, પલ્લવીને અને તારી મમ્મીને બોલાવ."
"મમ્મી... દીદી...પપ્પા બોલાવે છે."
સૌની સંમતિ પછી પરેશ-પલ્લવીના લગ્ન થઈ ગયા. લગ્નમાં પલક સૌને ખૂબ મદદરૂપ થઈ. શાળામાં જતાં-આવતા એકવાર તો પલક બેનના ત્યાં જતી જ. ધૂળેટીમાં સૌએ ભેગા મળી મજાક- મસ્તીથી ઉજવણી કરી. એક વર્ષ પૂરું થયું ત્યાં પલ્લવી મા બનવાની હોય, ઘરમાં મદદ માટે પલક હાજર રહેતી. પલ્લવીને સાસરે પણ સૌ પલકને પસંદ કરતાં કારણ પલકની અસ્ખલિત મીઠી વાણી. પલ્લવીને દવાખાને દાખલ કરી પણ પ્રસૂતિમાં પ્રશ્નો ઊભા થયા. પતિનું બ્લડગ્રુપ બી પોઝિટિવ અને પત્નીનું બી નેગેટિવ. પુત્રી જન્મી તેનું ગ્રુપ બી નેગેટિવ. ડૉક્ટરના પ્રયત્નો છતાં પલ્લવીએ દીકરીને મૂકી વિદાય લીધી. સૌના માથે જાણે આભ તૂટી પડ્યું. પલક સાવ સ્તબ્ધ બની ગઈ. એક તો પલ્લવીની સાસુની નાદુરસ્ત તબીયત અને નાની દીકરીની સાર-સંભાળનો પ્રશ્ન. પરેશ તો સાવ ભાંગી પડ્યો. નરેશભાઈ-માલતીબેન અને પલકનો સાથ ન હોત તો પરેશને સાચવવો ભારે પડી જાત.
પરેશ-પલ્લવીની જોડી કોઈને પણ ઈર્ષા આવે તેવી હતી. પલ્લવી દીકરીને જોઈને ખુશી અનુભવે તે પહેલાં પરલોક ચાલી ગઈ. સાસુમા હાર્ટની અને સુગરની તકલીફને કારણે કોઈપણ કામ કરી શકે તેમ નહોતી. નાની કૃતિને સાચવવા અને રસોઈ માટે એક બેન શોધી કાઢ્યા પણ મા તે મા ! પલક, પરેશ નોકરીને કારણે કૃતિને ખાસ સમય ફાળવી શકાતાં ન હોવાથી વારંવાર પ્રશ્નો ઊભા થતાં. આયાબેન રજા હોય ત્યારે પરેશ અથવા પલકે ફરજિયાત રજા લેવી પડતી. આમ પણ પલક અચૂકપણે કૃતિ પાસે જતી. કૃતિ પણ પલકને વધુ પસંદ કરતી તે સૌને જાણ હતી.
પલ્લવીની અચાનક વિદાય પછી પરેશ પણ સાવ શાંત બની ગયો. પલ્લવીને ભૂલવાનું અશકય લાગતું અને કૃતિને પ્રેમ આપવામાં કસર પડતી.
નરેશભાઈ અને માલતીબેન સાથે સોસાયટીના સૌ કોઈ એવું ઇચ્છતાં કે પરેશ અને પલક એક થઈ જાય અને કૃતિને સાચવે. આ વાત પલકને કોણ કહે ? મસમોટો પ્રશ્ન હતો.
પલકે તો બે વર્ષ પહેલાં જ પોતાના કોલેજકાળના મિત્ર મયંક સાથે હોળી-ધૂળેટીના રંગોત્સવમાં એકબીજાને પ્રેમનો એકરાર કરી લીધો હતો. મયંક પણ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતો. હવે જો પરેશ સાથે જોડાવાનો નિર્ણય કરે તો મયંક સાથેના પ્રેમનો વિશ્વાસઘાત કહેવાય. વળી પોતાના ઉજ્જવળ ભવિષ્યનું શું? મયંક માટે અનેક માંગા આવ્યા પણ તેને ઘરમાં જાહેર કરી દીધું હતું કે જીવનસાથી તરીકે તેની પસંદ પલક છે. પલ્લવીની ઓચિંતી વિદાયને કારણે સગાઈની વાત અધૂરી રહી ગઈ.
નાની કૃતિ અને પરેશની હાલતને કારણે પલક સાવ શાંત રહેવા લાગી. બે દિવસ પછી હોળી-ધૂળેટીમાં સોસાયટીમાં સમૂહ હોળી પ્રગટાવીને બીજા દિવસે અબીલ-ગુલાલ અને કેસૂડાના રંગથી ધૂળેટીમાં રમવાનું નક્કી થયું હતું. જેમાં પલક અને પરેશને સામેલ કરવાનું આયોજન થઈ ગયું હતું. પરેશને સૌએ રૂબરૂ જઈ આમંત્રણ આપ્યું પણ તેને સ્પષ્ટ ના કહી દીધી. પલકને કહેવાની કોઈની હિંમત નહોતી. પલકને આ યોજનાનો અણસાર આવી ગયો હતો. પલક નિરાશ રહેતી એટલે મયંક પણ દૂર રહેતો હતો.
કૃતિ એક વર્ષની થઈ પણ તેની નજર ચારેકોર પલકને શોધતી. બધા જાણતા કે કૃતિનું રડવાનું કારણ શું છે ? આખો વિસ્તાર હોળી-ધૂળેટી માટે તલપાપડ હતો પણ બે પરિવાર સાવ અલિપ્ત હતા. યુવાનોએ એવું આયોજન ગોઠવ્યું હતું કે પરેશ-પલક એકબીજાને રંગ છાંટે.
આમ તો માનસિક રીતે અશાંત પલકે વિચાર કર્યો કે જીજાને ધૂળેટીનો રંગ લગાવું તો આઘાતમાંથી બહાર આવે અને પહેલાની જેમ જીવવાની શરૂઆત કરે જેથી કૃતિને પૂરતો પ્રેમ મળે. મમ્મી-પપ્પાએ પલકને પરેશ સાથે લગ્ન કરવા અંગે વિચારવા કહ્યું હતું. પલક પણ વિચારતી કે પલ્લવી મારી મોટી બહેન, આજે હયાત નથી ત્યારે તેનો અંશ કૃતિને સાચવવી એ પોતાની ફરજ છે. આજે મનોમંથનને આધારે તેણે એક નિર્ણય કર્યો હતો અને પ્રેમી મયંક સાથે પણ તે બાબતની સ્પષ્ટતા કરી હતી.
સૌ રંગોત્સવમાં રંગાઈને આનંદ માણી રહ્યાં હતાં, પરેશ ઘરના ઓટલે કૃતિને ખોળામાં લઈને બેઠો હતો. સૌ એકબીજાને ઈશારો કરી પરેશને રંગવાનો અણસાર આપતાં પણ કોઈ આગળ આવતું નહીં. માતલીબેન-નરેશભાઈ બન્ને પરેશના ઘરે હાજર હતા. આજે પલક ઘરે એકલી હતી એ સૌને ખબર હતી. પલકે ઘરને તાળું માર્યું અને બન્ને હાથમાં કશુંક લઈને દોડી કૃતિને મળવા. બધી નજરો આ દ્ર્શ્ય જોતી હતી.પલક દોડતી તો આવી પણ..હિંમત નહોતી ચાલતી. કૃતિ પપ્પાના ખોળામાંથી રીતસરની કૂદીને પલકને વળગી ગઈ. પાલકની મુઠ્ઠી હજી પણ બંધ હતી. હાંફતી પલકને જોઈને પરેશ ઊભો થઈને કંઈ વિચારે તે પહેલાં પલકે પરેશના ગાલે અબીલ-ગુલાલનો છંટકાવ કરી ભેટી પડી. પરેશ પણ ભેટી પડ્યો. બન્ને એકબીજાના રંગે રંગાઈ ગયા. કૃતિ પણ ખુશ.
દૂરથી આખી સોસાયટીના સ્નેહીજનો અને ઘરમાં મમ્મી-પપ્પા આશીર્વાદ વરસાવી રહ્યા હતા. ઘરમાં એક તસ્વીર કહી રહી હતી, ચાલો...મારી તસ્વીર પરથી આ સુખડનો હાર કાઢો તો તમારી ખુશીઓમાં હું પણ સામેલ થઈ શકું. જોડિયા બેનો એટલે સંગ તેવો રંગ છવાયો. ઘરમંદિરમાં ખુશીનો રંગ ફેલાયો હતો.
