અંતરની વેદના
અંતરની વેદના
"હું પ્રગતિ, સૌને વિનમ્ર વંદન કરું છું. ગણમાન્ય વડીલો, ભાઈ-બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ મારા પુસ્તકના વિમોચન અને મને 'નારી ગૌરવ' પુરસ્કાર આપવાના કાર્યક્રમમાં હાજર છો, તેનો આનંદ વ્યક્ત કરું છું. પુરસ્કાર માટેનું મોટું કારણ: બળાત્કારની પીડિતાઓને કાનૂની રક્ષણ માટે મહિલા વકીલ તરીકેની મારી કામગીરી. આજે હું કાનૂની રક્ષણ આપનાર દેશની સુપ્રિમ કોર્ટને સલામ કરું છું. બીજું કારણ, મારું પુસ્તક 'અંતરની વેદના'"
પ્રગતિએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું, "સ્ત્રીઓ પર હિંસા સ્થૂળ રીતે જ નથી થતી, સૂક્ષ્મ રીતે પણ થાય છે. શારીરિક જખ્મો તો દેખાઈ શકે છે, પરંતુ શબ્દબાણોથી જે માનસિક ઉઝરડા પડે છે તે દેખાતા કે રૂઝાતા નથી. સ્ત્રીઓને થતી મારપીટ, બળાત્કાર, શારીરિક શોષણ, અપમાન, અવહેલના પણ હિંસા જ છે. તેનું સચિત્ર એટલે- 'અંતરની વેદના'.
"અરે, છોકરીના કાનમાં છેદ કરવો જ પડે, થોડી પીડા થાય. અને હા, તમને ખબર છે કે, પારકી મા જ કાન વીંધે. આપ ગુજરાતીના શિક્ષક છો, એટલે વધુ કહેવું નથી."
લક્ષ્મીએ પતિની વાત માની નહોતી. સાંજે આવીને પ્રેમલે વાત જાણી તો ગુસ્સો આવ્યો, પણ કંચન દોડતી આવીને વળગી, એટલે હાશ થઈ. કંચનને કારણે ઘરમાં જીવંતતા-કોમળતા અને ઋજુતા છલકાતી કારણ, દીકરી વ્હાલની વેલ અને પપ્પાનો કાળજાનો કટકો હતી. મીઠા મલકાટથી ઘર ભર્યું ભર્યું રહેતું. દીકરીની નાની-નાની વાતોની કાળજી અને ચીવટ રાખતા.
"કેમ બેટા, શાળામાંથી વહેલી આવી ?"
"મમ્મી, મને પેડુમાં ભારેપણું અને મનમાં બેચેની લાગે છે અને પગ અને માથામાં દુખાવો થાય છે. ઉબકા, અશક્તિ જેવું લાગે છે."
"બેટા, ચિંતા ન કર. હવે તું માસિકમાં આવી છે. સ્ત્રાવ ૪ થી ૫ દિવસ ચાલશે, બસ."
દરેક માની ફરજ છે કે, દીકરીને આ બાબતનું સાચું જ્ઞાન આપે. માસિક આવે એ પુખ્તતાની નિશાની.
કંચન કોલેજના છેલ્લા વર્ષમાં આવી ગઈ તેની વાર ન લાગી. મમ્મી-પપ્પાના લાડને કારણે કંચન બિન્દાસ બની અને પોતાની સુંદરતાને સર્વસ્વ માની બેઠી. રૂપના ગર્વને લીધે તે સૌને આંજી નાંખતી. કોલેજના મોટે ભાગના યુવાનો પાગલ થયા પણ નિર્મલ સાથે પ્રણયના અંકુરો પાંગળીને પ્રેમ પ્રગાઢ બન્યો.
કોલેજના વાર્ષિક મહોત્સવમાં મોડું થયું એટલે ઘરે આવવા કંચન રીક્ષામાં નીકળી પણ પૂર્વયોજના મુજબ કોલેજના યુવાનોએ તેનું અપહરણ કરી, એકાંત જગ્યાએ લઈ જઈ સામૂહિક બળાત્કાર કર્યો. 'પીડિતા' કંચન બેહોશ દશામાં પડી રહી. રાત પસાર થઈ, દીકરી ઘરે ન આવી એટલે પ્રેમલે પોલીસ ફરિયાદ નોંધાવી. બીજા દિવસે કંચન મળી પણ બળાત્કારની વાતો પ્રસરી. પિતા પ્રેમલને એવો આઘાત લાગ્યો કે તેણે અંતિમ શ્વાસ લીધા. મા-દીકરીને જીવવું વસમું લાગ્યું. તે દૂર ગામડે ગયા, જ્યાં કોઈ પરિચિત નહોતું. ચિંતામાં મમ્મી પણ કંચનને એકલી મૂકી મૃત્યુને ભેટી. કંચને સરકારી દવાખાનામાં પુત્રીને જન્મ આપ્યો.
રહેવા ભાડે ઘર આપનાર સરપંચ કાંતિલાલની નજર કંચન પર હતી. નાની પ્રગતિના ભરણ-પોષણનો પણ પ્રશ્ન હતો. સરપંચે ગ્રામપંચાયતમાં રોજિંદા કામદાર તરીકે રાખી.
"કંચન, આજે સાંજે સરકારી અધિકારી તપાસ માટે આવવાના છે, એટલે મોડું થશે."
"હા, સાહેબ." કંચન પાસે બીજો માર્ગ નહોતો. અને એ દિવસે બીજીવાર કંચનનું શોષણ થયું. પછી ક્રમ ચાલતો જ રહ્યો. પાડોશીઓ શંકાની નજરે જોઈ વાતો કરતા. કંચનની અંતરની વેદના વધી હતી. હતાશા, એકલતા, અસલામતી અને અનાદરથી આપઘાતના વિચારો આવે પણ પ્રગતિ માટે જીવવાનું હતું.
"પટાવાળા કેશવ સાથે ઘર માંડી આપું અને સાથે આ ઘર પણ આપું, બોલ."
કંચને સરપંચનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે સરપંચના હાસ્યમાં કટાક્ષ દેખાતો હતો.
કેશવ સાવ છેલબટાઉ. આવારા મિત્રોને પોતાના ઘરે દારૂની મહેફિલમાં બોલાવે અને કંચન વિરોધ કરે તો મારતો. કંચન હેબતાઈ ગઈ જ્યારે કેશવે તેના મિત્રો સાથે સંબંધ બાંધવા ઓર્ડર કર્યા. કેશવ જેવો રાક્ષસ પતિ મળવાથી કંચનની જિંદગી ધૂળધાણી થઈ ગઈ. પૈસા આપીને બધા જબરજસ્તી કરીને મોં ચૂપ રાખવા ધમકી આપીને જતા. આ પરિસ્થિતિમાં ચાર વર્ષ વીતી ગયા.
પ્રગતિને શાળામાં દાખલ કરી. કેશવે રીતસર ધંધો શરૂ કર્યો. કંચન ના કહે તો પ્રગતિને મારવાની ધમકી આપતો. માતા પોતાની દીકરી માટે ખોટા વ્યવસાયમાં પૂરેપૂરી પડી હતી. આ જાણી ગામલોકોએ બદચલન, કુલટા, હરામજાદી અને વેશ્યા કહી, ગામ નિકાલ કરી દીધો ત્યારે કેશવ અને સરપંચ દૂર રહી જોતા રહ્યા. દીકરીને લઈ કંચન દૂર શહેરમાં આવી મજૂરી કામ શરૂ કરીને ગુજરાન ચલાવતી પણ પુરુષ નજર બધે સરખી !
શહેરમાં ગરીબ લોકોને સહાય કરવા સંસ્થા હતી, તેનો સંપર્ક કર્યો. સંસ્થાએ પ્રગતિના અભ્યાસ માટે સહાય કરી સાથે સરકારી યોજનાનો લાભ પણ અપાવ્યો. કંચને શહેરમાં આવી ત્યારે એચ.આઈ.વી.નો ટેસ્ટ કરીને જાણી લીધું હતું કે ચેપ લાગ્યો નથી. મહિલા સંગઠન સાથેના જોડાણથી કંચન સ્વમાનભેર કેમ જીવી શકાય તે જાણીને અન્યોને શીખ આપતી. ગૃહઉધોગ શરૂ કર્યો, બીજી મહિલાઓને પગભર કરી. દીકરીને સહાયરૂપ બની,પરિણામે પ્રગતિ શહેરની નામાંકિત વકીલ બની સૌને ન્યાય અપાવતી.
"કંચને જે પ્રગતિને મોટી વકીલ બનાવી એ બીજું કોઈ નહિ પણ હું જ છું. નારી ગૌરવ મને નહીં પણ મારી માતાને મળે તેવી મારી ઈચ્છા છે."
સમગ્ર સભાખંડમાં સૌએ ઊભા રહી તાળીઓના ગડગડાટથી નારી ગૌરવના મહિમાને ઉજાગર કર્યો હતો.
