kiranben sharma

Inspirational Children

4.0  

kiranben sharma

Inspirational Children

વૃક્ષથી રળિયામણું બીજું શું

વૃક્ષથી રળિયામણું બીજું શું

3 mins
230


રતન શેઠ : "અલ્યા રામલા ! આ બધા ઝાડ હજુ કેમ ઊભા છે ? હજુ કાપવાની શરૂઆત કેમ નથી કરી ? તારો બાપ હમણાં ગાડી લઈને માલ લેવા આવશે, કોણ જવાબ આપશે ? ચાલ હાથ હલાવ.

રામલો: (મનમાં બબડે છે)" શેઠ ! થોડો હાહ ખાવા દ્યો ને ? હમણાં કાપું છું. આ એક એક કરીને જંગલનો અડધો ભાગ તો કપાવી નાંખ્યો, આ બધા ઝાડ હતાં, તો કેટલું સારું લાગતું હતું ! અને હવે આ કેવું ઉજ્જડ લાગે".

 રતન શેઠ એના મનના શબ્દો સાંભળી ગયા હોય તેમ," એ રામલા ! આમ, મનમાં બોલવાનું બંધ કર અને ઝાડ કાપ, આ ઝાડ તો આપણી રોજીરોટી છે, અલ્યા ! પૈસા હશે તો બધું જ છે. એય ! આરામથી એસીમાં બેસીને જિંદગી જીવાશે".

 રામલો:( ફરી મનમાં ) તમારે એસી ! અમારે ક્યાં એટલા પૈસા મળવાના ? એ ભગવાન ! તું પણ મારા પરિવારના પાપી પેટ માટે આવું ઝાડ કાપવાનું કામ કરાવે છે ? બાકી મને ઝાડ કાપવું જરાય ગમતું નથી.ભગવાન ! આ તારી કુદરતી પ્રકૃતિને છિન્નભિન્ન કરવી મને ગમતી નથી. પણ શું કરું ? હું કઠિયારો ! એટલે મારે તો કામ કરવું જ પડે ને ?"

  રામલો ફરી કામે વળગે છે. અને એક પછી એક ઝાડને કાપીને નીચે પાડે છે, આવો નિત્યક્રમ બની ગયો. રામલો ઝાડ કાપે, લાકડા પાડે અને રતનશેઠ તેને મોંઘી કિંમતે વેચીને પૈસા કમાય.

 એક દિવસ રતન શેઠનો દીકરો વિદેશથી આવ્યો, ત્યાં બધે કોરોના ફેલાઈ ગયો હતો. જેવો આવ્યો એવો જ કોરોન્ટાઇન થયો. આમ તો ઘરમાં તેને શાંતિ લાગી, પણ પછી બે-ત્રણ દિવસમાં જ તેની તબિયત બગડવા લાગી અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.

     રતન શેઠે તેને તાત્કાલિક દવાખાનામાં ખસેડ્યો, રતન શેઠે બધી તપાસ કરી પણ દવાખાનાં બધે જ ભરાયેલાં હતાં, કોઈ બેડ મળે તેમ હતું નહીં. ઓક્સિજનના બાટલાની પણ તંગી હતી. ફેમિલી ડોકટરની મદદથી કોરોનાની દવા શરૂ કરી. ઓક્સિજન માટે બધે જ ફાફા મારવા પડ્યા. કાળાબજારિયા કરીને ઓક્સિજન મેળવવા પ્રયત્ન કરી જોયો. જેટલા પૈસા જોઈએ તેટલા પૈસા ખર્ચવાની તૈયારી બતાવી.

    રતન શેઠને આજે ખુલ્લી જગ્યાનાં ઝાડની કિંમત સમજાઈ. વૃક્ષો કેટલા ઉપયોગી છે, પરોપકારી છે, મનુષ્ય જીવનનો મોટો આધારસ્તંભ છે. એ વાત સમજાઈ. પોતે કેટલા બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું. સહુથી વધુ મફતમાં ઓક્સિજન આપનાર વૃક્ષોને કાપીને તેને મોટું પાપ કર્યું છે. આજે ઓક્સિજનના બાટલા શોધવા માટે કેટલી તકલીફ પડે છે ? સાચો આનંદ પ્રકૃતિની ગોદમાં છે. તેને બદલે પૈસાથી ખરીદેલ એસીમાં આનંદ શોધતાં હતા.

   શેઠ પોતાના દીકરાને લઈને તેમના જંગલવાળી ખુલ્લી જગ્યામાં આવ્યા. ત્યાં મુક્ત વાતાવરણ અને અડધા વૃક્ષો બાકી હતાં, તે પ્રાકૃતિક ચોખ્ખાં વાતાવરણમાં તેમને સારું લાગ્યું. ધીમેધીમે તેમના દીકરાની તબિયતમાં પણ સુધારો થવા લાગ્યો.

રતન શેઠે કુદરતનો આભાર માન્યો.તે દિવસ એમણે રામલાલને ઝાડ કાપવાની ના કહી, અને ફરી નવા ઝાડવા વાવવાં જણાવ્યું, અને તેના માટે જરૂરી છોડ તથા ખાતર પાણી વગેરે લાવીને કામ કરવા જણાવ્યું.

 રામલો તો પહેલેથી વૃક્ષપ્રેમી હતો તેને આ કામ કરવાની મજા પડી. હવે તો તે શેઠનું કામ બમણાં જુસ્સાથી કરવા લાગ્યો. રતન શેઠની મદદથી રામલા એ ઘણા બધાં વૃક્ષો વાવ્યાં,અને તેની માવજત કરી, ફરી જંગલને હર્યુભર્યું બનાવવા પ્રયત્ન કર્યો.

રામલાએ પોતાના અનુભવથી રતન શેઠને સમજાવ્યું કે," શેઠ ! ઝાડ કાપીને નહીં પણ ઝાડ વાવીને તેની વિવિધ પેદાશોમાંથી પણ પૈસો મેળવી શકાય છે. ઝાડનાં તો પાન,છાલ, મૂળ, તેના ફળ, ફૂલ, બીયા, રસ બધાનો વિવિધ ઉપયોગ કરી, રોટલો રળી શકાય છે".  

    રતન શેઠ અભણ રામલાની વાતથી સહમત થયા, અને તેમણે ઝાડ કાપ્યા વિનાનો વેપાર શરૂ કર્યો. આજે રતનશેઠ અને એમનો દીકરો, એમનો પરિવાર અને રામલો અને એમનો પરિવાર પણ વૃક્ષ પ્રેમી બનીને ખૂબ સારા એવા પૈસા પણ કમાયા અને આનંદથી રહ્યાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational