Prashant Subhashchandra Salunke

Inspirational Thriller

5.0  

Prashant Subhashchandra Salunke

Inspirational Thriller

વરદાન

વરદાન

3 mins
554


જીંદગીના અણધાર્યા વળાંકો અને ઉતારચઢાવથી કંટાળીને વ્રજેશે ઈશ્વરને ફરિયાદ કરતા કહ્યું કે, “હે ઈશ્વર!, તું કેમ મને સતત દુઃખ અને પીડા આપતો રહે છે. અભિશાપ જેવી આ જીંદગી જીવવા કરતા તું મને મૃત્યુનું વરદાન આપે તો સારું.” વ્રજેશના આમ કહેતાની સાથે આકાશમાં વાદળો ગરજ્યા અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. વરસાદનું પાણી બારીમાંથી ઘરની અંદર પ્રવેશતું હોવાથી વ્રજેશ બારી બંધ કરવા ખુરશી પરથી ઊભો થયો. બારી બંધ કરતા કરતા અનાયાસે તેની દ્રષ્ટિ બહાર સડક પર ઉભેલી એક યુવતી પર ગઈ. ખાનદાન ઘરની એ યુવતી પોતાના બે હાથ આકાશ તરફ લંબાવી જાણે વરસાદને આવકારી રહી હતી. આમ અડધી રાતે સડક પર ઉભેલી તે યુવતીને જોઇને વ્રજેશને આશ્ચર્ય થયું. યુવતી સાથે કોઈ અમંગળ બનાવ બનશે તો? મનમાં આવી શંકા કુશંકાઓ આવતા વ્રજેશ ઘરમાંથી બહાર નીકળીને એ યુવતી પાસે ગયો અને બોલ્યો, “એ છોકરી... આમ અડધી રાતે સડક પર ફરવું જોખમી છે. જો વરસાદ પણ શરૂ થઇ ગયો છે... જા તારે ઘરે પાછી જા...”

યુવતીએ વ્રજેશ તરફ ધ્યાન સુદ્ધાં આપ્યું નહીં અને વરસાદમાં પલળવાનો આનંદ લુંટવાનું ચાલુ જ રાખ્યું. આ જોઈ વ્રજેશને અકળામણ થઇ તે થોડાક રોષભેર સ્વરે બોલ્યો, “આમ વરસાદમાં પલળવાથી તને શરદી થઇ જશે.”


યુવતીએ મીઠો રણકાર કરતા કહ્યું, “રીઅલી?” અને ફરી પાછી બે હાથ ફેલાવી વર્ષાના અમી છાંટણાને વધાવતી તે ત્યાંથી આગળ નીકળી ગઈ. વ્રજેશ તેની પાછળ પાછળ જઈ જ રહ્યો હતો ત્યાં એક સશક્ત પુરૂષે તેના ખભા પર હાથ મૂકી તેને રોકતા કહ્યું, “એ ભાઈ, ક્યાં જાઓ છો?”

વ્રજેશે થોથવાતા સ્વરે કહ્યું, “પેલી છોકરી... આમ એકલી સડક પર...”

એ વ્યક્તિ બોલ્યો, “છોટી માલકિન એકલા નથી પરંતુ પુરા પાંચ બોડીગાર્ડની ટીમની નિગરાની હેઠળ છે.”

વ્રજેશે મૂંઝાઈને પૂછ્યું, “આખરે એ છોકરી... મતલબ તમારી છોટી માલકિન છે કોણ?”

બોડીગાર્ડે કહ્યું, “મિ. જીન્દાલનું નામ તો તમે સાંભળ્યું જ હશે.”

વ્રજેશે કહ્યું, “કોણ પેલા ઉધોગપતિ મિ. જીન્દાલ?”

બોડીગાર્ડ, “હા... છોટી માલકિન તેમની એકની એક દીકરી છે.”

વ્રજેશે પૂછ્યું, “તો તેઓ આમ સડક પર ઉભા રહીને વરસાદમાં કેમ પલળી રહ્યા છે?”

બોડીગાર્ડે કહ્યું, “ભાઈ મોટા લોકોની મોટી વાતો... તમને જાણીને નવાઈ લાગશે કે કાલે અમારા આ છોટી માલકીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો!!!”

વ્રજેશે કહ્યું, “કેમ એમને વળી કઈ વાતનું દુઃખ પડ્યું?”

બોડીગાર્ડે કહ્યું, “છોટી માલિકીનને એ જ વાતનું તો દુઃખ છે કે તેમને કોઈ દુઃખ નથી !”

વ્રજેશે આશ્ચર્યચક્તિ થઈને પૂછ્યું, “હું કંઈ સમજ્યો નહીં.”

બોડીગાર્ડ, “ભાઈ તને કઈ મીઠાઈ વધારે ગમે છે?”

વ્રજેશે વિચારીને કહ્યું, “કાજુ કતરી...”

બોડીગાર્ડ, “જો એ જ કાજુ કતરી તને રોજ ખાવા મળે તો?”

વ્રજેશ બોલ્યો, “તો... તો... કદાચ એટલો આનંદ નહીં આવે જેટલો અનાયાસે તે ખાવા મળી જતા આવે છે.”


બોડીગાર્ડ, “બસ... એમ જ છોટી માલકિન રોજેરોજ મળતા સુખથી ત્રાસી ગયા. તેમને જીંદગીમાં બદલાવ જોઈતો હતો... દુઃખ ન હોવાને કારણે સુખ એટલે શું તેની અનુભૂતિ જ તેમને થતી નહોતી!!! બસ એટલે જ તેઓએ અભિશાપ જેવી એ જીંદગી જીવવા કરતા મૃત્યુને ગળે લગાડવાનું નક્કી કર્યું હતું ! જીન્દાલ સાહેબને જયારે આ વાતની ખબર પડી ત્યારે તેઓને પોતાની ભૂલ સમજાઈ! તેઓને એ સમજાઈ ગયું કે સુખની અસલી કિંમત ત્યારે જ સમજાય છે કે જયારે વ્યક્તિએ દુઃખનો અનુભવ કર્યો હોય છે! બસ એટલે જ આજે તેમણે તેમની દીકરીને દુનિયાને જાણવા અને સમજવા માટે પહેલીવાર ઘરની બહાર મોકલી છે. છોટી માલકિનને એ વાતની ખબર નથી કે તેઓ અમારી ચાંપતી નજર હેઠળ છે... સમજ્યા?”


અચાનક એ યુવતી સડક પાર કરીને બીજી તરફ ગઈ. આ જોઈ વ્રજેશ સાથે વાતો કરી રહેલો બોડીગાર્ડ ચમક્યો અને તેની પાછળ પાછળ દોટ લગાવી. આકાશમાં ફરી એકવાર વાદળો ગરજી ઉઠ્યા એ સાથે વ્રજેશના મસ્તિષ્કમાં ઝબકારો થયો. બે હાથ જોડીને વ્રજેશે આસમાન તરફ જોયું અને કહ્યું, “ઈશ્વર, તારી લીલા અપરંપાર છે... ખરેખર આજે મને દુઃખ અને પીડાનું મહત્વ સમજાઈ ગયું. જીવનમાં દુઃખ છે એટલે જ સુખની સાચી અનુભૂતિ થાય છે અને તેના અસ્તિત્વને કારણે જ કંઇક અનોખી અને અનેરી બને છે આ જિંદગી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational