વફાદારી
વફાદારી
કુકર વ્હીસલ વગાડી-વગાડીને ક્યારનું શાંત થઈ ગયું હતું. "સાસુમાને કહીને ગઈ હતી. ગેસ બંધ કરી દેજો. નાનકાને નવડાવીને આવું છું. પણ સાસુમા તો.."
"એ તો સારું થયું કે ગેસ ધીમો હતો.નહિ તો..બબડીને ગેસ બંધ કર્યો.."
પાછળ-પાછળ રોકી પૂંછડી પટપટાવતો આવ્યો. ફટાફટ રોટલી વણી, એટલામાં તો રોટલીની સુગંધથી શેરુ પણ આવી ગયો. રોજનાં ક્રમ પ્રમાણે બંનેને ગરમ રોટલી ખવડાવી ને ગળા પર હાથ ફેરવ્યો. જ્યારે-જ્યારે એ આમ કરતી ત્યારે-ત્યારે એ પૂંછડી પટપટાવીને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરતાં. ત્યારે થતું, "શું આવાં નિ:સ્વાર્થ પ્રેમની અણમોલ ભેટ મનુષ્ય પાસે છે ખરી ?"
"કેવી અજીબ વાત છે નહિ ? થોડાક વર્ષો પહેલાં હું આ ઘરમાં પહેલી વખત આવી, ત્યારે આ ઘર અને શેરુ બંને મારા અને રોકી માટે સાવ અજાણ્યાં હતાં. એથી ઉલ્ટું, આ ઘર અને શેરુ માટે હું અને રોકી પણ તો સાવ અજાણ્યાં જ હતાં ને ? હું મારા રોકીને સાથે લઈને આવી હતી, ત્યારે શેરુએ મને તો સ્વીકારી જ લીધી હશે. કેમ કે, એ તો ફક્ત રોકીને જોઈને જ ભસતો હતો. રોકી પણ કંઈ ઓછો નહોતો. તે પણ સામે એવો જ પ્રત્યુત્તર આપતો હતો. હું બંનેને વહાલ કરતી ને એ અબોલ પ્રાણી મારા પ્રેમને પામી જતાં હોય એમ શાંત થઈ જતાં."
"વહુરાણી, જમવાનું બન્યું કે નહિ, કે ખાલી આ કૂતરાંઓનાં જ પેટ ભરવાનાં છે ? તમને પ્રાણીઓ પ્રત્યે બહુ પ્રેમ ઉભરાઈ આવે છે, તો તમારો જરાક પ્રેમ આ મનુષ્ય ઉપર પણ ઢોળજો. હે, ભગવાન ! સૂરજ માથે આવી ગયો ને હજુ કશાં ઠેકાણાં નથી." બાનો બબડાટ ચાલુ જ હતો. કૂતરાં શબ્દ જરાક ખૂંચ્યો. પણ સાસુમાનું તો આ રોજનું છે એમ સમજીને કામે વળગી.
"પોતે પારકાંને પોતાના બનાવવા માટે શું નથી કર્યું, છત્તાં કોઈ સંતોષ જ નહિ. ગમે તેટલું કરો, પણ જો એક જ કામ જરાક આડું-આવળું થયું એટલે આગળ-ઉપર કરેલાં બધાં કામ પર પાણી ફરી વળે."
ધીરે-ધીરે એને અહેસાસ થવા માંડ્યો. "ગમે તે હોય. અબોલ પ્રાણી બિન શરતી પ્રેમ કરી શકે. એક જ વખત ખાધેલો રોટલીનો ટુકડો પણ વફાદારી નિભાવી જાય. જ્યારે, મનુષ્યમાં ઠાંસી-ઠાંસીને ભરેલો નિતરતો સ્વાર્થ.."
"વહુરાણી.."
ફરીથી સાસુમાનું લેકચર શરુ થઈ જાય તે પહેલાં થાળી પીરસીને સાસુમા સામે ધરી દીધી ને જિંદગીમાંથી વધુ એક ફરજ પૂરી થયાંનો સંતોષ માણ્યો.
બે અબોલ પ્રાણીને સાથે રમતાં જોઈને થયું. "એક સમયે એકબીજાથી સાવ અજાણ્યાં પ્રાણી. આજે એ બંનેને એકબીજાં વગર ચાલતું નથી. બે અલગ-અલગ જાતિનાં કૂતરાં પણ એકબીજાં સાથે કેવાં ભળી ગયાં ?" તે જોઈને મમ્મીનાં શબ્દો યાદ આવ્યાં. " ગમે ત્યાં જઈએ દૂધમાં સાકર ભળે ને એમ ભળી જાય તેનું નામ માણસ."
આજે મમ્મીને પૂછવાનું મન થયું "શું ખરેખર દૂધમાં ભળવા માટે એકલી સાકરે જ પ્રયત્ન કરવાનો કે દૂધનો પણ કોઈ રોલ હોય ?"