Nisha Shah

Abstract Others

3  

Nisha Shah

Abstract Others

વોલપેપર

વોલપેપર

3 mins
7.7K


આ વખતે સૌમિલ આવવાનો છે જાણીને પ્રમીલાની ખુશીનો પાર નહોતો. વર્ષો જૂનું ઘર એણે સાફસૂફી કરીને સુંદર બનાવવાની કોશિષ કરી. દીકરો અમેરિકાથી આવે એટલે બાથરૂમ વગેરે તો આપટુડેટ જોઈએ જ ! એ તો એણે કરાવી લીધા હતા. સૌમિલ જે થોડુંઘણું મોકલાવે દર મહિને,એમાંથી બચાવીને એણે આ વર્ષે કલર પણ કરાવી લીધો હતો. એનાં સ્વાગતની તૈયારીમાં એની ભાવતી વસ્તુઓ પણ-શરબત, ચીકી,ચકરી વગેરે નાસ્તા બનાવીને ડબ્બા ભરી દીધા હતા. પણ દીકરો ક્યારે આવી ગયો એને ખબર ન પડી. એનાં કાકાને ત્યાં, જેમની નાનપણથી માયા હતી ત્યાં પહેલા પહોંચી ગયો અને એમને સરપ્રાઇઝનો આનંદ આપ્યો. અને પછી સીધો સસરાના ઘરે પહોંચી ગયો. સવારના ફોન પર હલો હલો કરીને હું રાત્રે આવીશ એમ કહી દીધું. રાત્રે પણ આવીને થાકી ગયો છું કહીને સૂઈ ગયો. પ્રમીલા તો બિચારી સૂનમૂન જ થઈ ગઈ.

એને થયું કે એ કેમ ભૂલી ગઈ કે આ હવે પ્રમીલાનો દીકરો સૌમિલ નથી રહ્યો. આ તો શિલ્પાનો વર સૌમિલ છે ! એને પટ્ટી પઢાવીને મોકલ્યો છે, ’માની સાથે બહુ વાતો કરવાની જરૂર નથી, અને જો ! આ વખતે ઘર તારા નામે લખાવ્યા વગર આવ્યો તો આ ઘરમાં આવવા નહીં દઉં’ સૌમિલ કદાચ એટલે જ કેમ કહેવું એની વિમાસણમાં છાનોમાનો સૂઈ ગયો. મા ને કહી દીધું સવારે વાત કરશું !

પ્રમીલા સવારે ઉઠીને બધું સૌમિલ માટે તૈયાર કરવા લાગી. ગરમ ગરમ ખીચુ બનાવી દીધું. દીકરા માટે જ્યુસ તૈયાર કરી દીધો, ચા અને ટોસ્ટ તો ખરા જ. સૌમિલે ઉઠીને મા સાથે બધું શેર કર્યું, પ્રેમથી ખાધું ને મીઠી મીઠી વાતો કરી. અને કહયું પણ ખરૂ,’મમ્મી તમે ત્યાં બહુ યાદ આવો છો હં !પણ શું કરું. તમે આ શિલ્પા સાથે એડ્જેસ્ટ નથી કરી લેતાને !’ પ્રમીલા હસી પડી. એને યાદ આવી ગયું ત્યાં તો માનાં હાથનો નાસ્તો ખાવા જ નહોતી દેત .શિલ્પા કહેતી, ’આ ઘરમાં મારું રાજ છે, હું જે કહું તેજ બધાએ ખાવાનું, કોઈ માટે સ્પેસિયલ નહિ ! અને પ્રમીલાને તો રાતની પડેલી રોટલીનું શાક બનાવીને ખાઇ લેવાનું. ક્યારેક એમને બહાર જવાનું હોય તો શું ચલાવી ન લેવાય ?' એનાં દીલ પર પડેલા ઘા હજુ રૂઝાયા નહોતા. છતાં જેમ ઘરને રંગ માર્યો તેમ એણે એનાં મન પર પણ રંગ મારી લીધો હતો. યાદ હતું રાત્રે બાર વાગે ઝગડો કરીને એને ગેટઆઉટ કરી દીધી હતી. શિલ્પાએ બારણું બતાવી દીધું હતું ! પ્રમીલા બહાર નીકળી ફૂટપાથ પર બેસી ગઈ હતી. દીકરો કાંઇ બોલી શક્યો નહોતો.

પછી એણે દીકરી ઈશાને ફોન કર્યો અનેપ્રશાંતભાઈ જમાઈ એમનાં અડધી રાત્રે ત્યાં આવ્યા ને એમનાં ઘરે લઈ ગયા. દીકરીને ત્યાં રહેવું પડ્યું. વળી એ લોકો કહે. ’હવે તમે દીકરાને ત્યાં કદી ન જતા, એ મનાવે તો પણ નહિ, નહીં તો અમે સબંધ તમારી સાથે નહિ રાખીએ.’ અને દીકરાએ કહી દીધું, ’તમે બેનને ત્યાં ચાલી ગયા તો હવે અમે તમને નહીં રાખીએ.’ છેવટે થોડા મહિના રહીને પ્રમીલા ઈન્ડિયા પાછી આવી ગઈ. દીકરી અને જમાઈએ એર ટિકિટ કરાવી આપી.એટલે એમની તો રૂણી થઈ જ ગઈ.

હવે સૌમિલે બપોરે વાત માંડી, ’આપણે મમ્મી આજેજ ઘરધણી પાસે જઈશું અને નૉમિનીની વાત કરશું. તમે મારા નામે ફ્લૅટ કરી દેજો. પ્રમીલા ગૂંચવાઇ ગઈ ! ઇશાને શું ?કેમ એણે પણ મને અડધી રાત્રે આશરો આપ્યો ! કેટલા મહિના રાખી અને એર ટિકિટ પણ કરાવી આપી. સૌમિલના પપ્પા નથી તો મારે તો આ ભાઈ કે બેનનો જ સહારો લેવાનો ને. પિયરમાં કોઈ પણ રહયું ન હતું. ત્યાં તો અચાનક સૌમિલની નજર દીવાલ પર પડી. કલર કરાવ્યા છતાં એ દીવાલ પર ખૂબ ધાબા ને ઘસરકા દેખાતા હતા. ’મમ્મી આ વોલને તો વોલપેપર લગડાવી દો. જે પૈસા થશે હું આપી દઇશ તમે ચિંતા ન કરતા. જેમ દર મહિને આપું છું તે આપતો રહીશ. અને હાં થોડા ઓછા આપીશ જો બહુ થઈ જશે તો-પણ વોલ પેપર લગાવી દો હઁ ! મને આ જરાયે ગમતું નથી !’ પ્રમીલા જોતી જ રહી. દીકરાને વોલ પર ડાઘા ને ઘસરકા દેખાય છે માનાં દીલ અને મનનાં ઉપર પડેલા પેલા ચીરા, ઘસરકા દેખાતા નથી. મનમાં જ બોલી, "હા બેટા તને ડાઘા ચીરા ગમતા નથી મને ખબર છે એટલેજ મેં મારી દીલની દિવાલ પર પણ વોલપેપર લગાડી દીધું છે. કાં તો કહું શિલ્પાએ લગડાવી દીધું છે, જેથી તને કાંઇ ખબર ન પડે, તને દુ;ખ ન થાય.

ખરેખર આવી કેટલીયે માતાઓની મૂંગી વેદના દીકરાની ખુશી માટે આમ વોલપેપરની પાછળ સંતાઈ હોય છે ! 


Rate this content
Log in

Similar gujarati story from Abstract