Nisha Shah

Inspirational Classics Drama

3.7  

Nisha Shah

Inspirational Classics Drama

હકારાત્મક ક્રાંતિ

હકારાત્મક ક્રાંતિ

3 mins
21.4K


વાત માનવામાં આવે એવી તો નથી પણ સાવ સાચી છે સ્વઅનુભવની છે ને મારું મન ખરેખર ખૂબજ હકારાત્મક વિચારવાળું છે. મારા પોતાના ઘરમાં આ અનુભવ થયો હતો. લગભગ પંદર વર્ષ પહેલાની વાત છે. દિવાળી પાસે આવતી હતી ઘરમાં સૌ પોતપોતાની રીતે તૈયારીમાં પડ્યા હતા. ત્યાં અચાનક મારા સાસુમાએ ઉપાડો લીધો. હાય હાય હવે શું કરું? ક્યાં શોધુ? મારી વીંટીમાંથી હીરો પડી ગયો ! એ અહીં આવ આખા ઘરમાં ઝાડુ કાઢ ! સૌથી પહેલા અમારા નોકરને કામે લગાડ્યો પછી પોતે બધે શોધવા લાગ્યા. બધા રૂમમાં ફરી વળ્યા પણ એમ મળી જાય તો હીરો શાનો? પલંગ પરની ચાદરો કાઢી બધા રૂમની –અને બધા ઓશિકાનાં કવર કાઢીને ઝાટકીને જોયું પણ હીરો ના મળ્યો. થોડી વારમાં તો ઘરમાં બધાને ખબર પડી ગઈ અને બધાજ કમળાબાનો હીરો શોધવામાં લાગી ગયા વાંકા વળી વળીને પલંગ નીચે કબાટ નીચે હીરો ક્યાં હીરો ક્યાં આખું ઘર જાણે ઉથલપાથલ થઈ ગયું.

બા કહે, "જરૂર કોઈકને કદાચ મળી પણ ગયો હશે પણ શેનો આપે! મારી સાહિઠ્મી વરસગાંઠે તમારા બાપાજી મને આ વીંટી આપી હતી જેમાં મારા ચાર દીકરા એટલે ચાર હીરા જડાવીને આપી હતી કહીને રડવા માંડ્યા."

મેં કીધું, "બા ફીકર ના કરો મળી જશે." હું બહાર જઈને કચરાની બાસ્કેટ લઇ આવી અને એને ઊંધી કરીને કચરામાં હીરો વીણવા બેઠી પણ ના મળ્યો. મેં પૂછ્યું, "બા જરા યાદ કરો તો કે આજે સવારે તમે ક્યાં ક્યાં ગયાં હતાં અને શું શું કામ કર્યું હતું ! બોલો તો..."

શું કામ કર્યું? તો એમને યાદ આવ્યું. હા ! દસ વાગે તો મેં માળા ફેરવી ત્યારે તો વીંટી બરોબર હતી પણ પછી મેં...! પછી, હા, ફાફડાની કણેક બાંધી ! હાય હાય કાંતો કણેકમાં હીરો પડી ગયો કાંતો કણેકવાળા હાથ ધોતા હીરો બેસિનમાં પડી ગયો હશે. મારા ઘરમાં તો હવે મોટો ચર્ચાનો વિષય થઈ ગયો.

મોટાભાભી કહે, "હવે શોધવાનું રહેવા દો બેસિનમાંથી કાંઇ ના મળે."

મેં કીધું, "અરે ના ભાઈ શુભ શુભ વિચારો, કણેકમાં ગયો હશે તો મળવાનાં ચાન્સ ખરા !" તો બા કહે, "અરે નિશા ગાંડી થઈ છે? ચોળાફળી થઈ ગઇ તળાઈને પેકેટ પણ થઈ ગયા આડોશ પાડોશ અને બેનોને ઘરે મોકલવાની તૈયારી થઈ ગઈ. હવે શું?" મારાથી ચૂપ ના રહેવાયું મેં કહયું, "મારું મન કહે છે બા, તમારો હીરો જરૂર મળશે. આશાતો રાખવી જોઈએ એમ નિરાશ ન થવાય. આપણાં બધાજ લોકો જાણે છે ને એમને ખબર છે તો ધ્યાન તો રાખશે જને ! બા તમને ભગવાનમાં

વિશ્વાસ છેને ? તો આશા કેમ છોડવાની ? ભગવાનમાં શ્રદ્ધા રાખોને ! હું તો કહું છું હીરો મળવો જ જોઈએ સાચી કમાણીનો અને વળી પ્રેમથી આપેલો તો જાયજ નહીં . બા તમે છોડી દો ચિંતા થોડાદિવસ જવાદો મળી જશે મળી જશે મારું માનો."

વળી બે દિવસ નીકળી ગયા બા હવે શાંત થઈ ગયા. ચાર દિવસ ગયા તો મને પૂછવા લાગ્યાં, "કોઈ સમાચાર છે ? કોઈનાં ફોન બોન આવ્યા ? બાની બેનપણીઓ પણ પૂછે કે કાંઇ ખબર ?" પણ બા તો બિચારા ડોકું ધૂણાવે. મેં એમના સામેજ બધાને ફોન કરી કરીને પુછ્યું પણ બધેથી નકારાત્મક જવાબ આવ્યો. બધાં મશ્કરી કરે; "હવે ભૂલી જાઓ" "નાહી નાખો હીરાના નામનું" "એ હવે ના મળે" બાને હું એકલી જ હિંમ્મત આપ્યા કરું, "બા મળશે હીરો હંમમ, મળી જશે, ધીરજ રાખો." આજે અમારા ઘરનો ચોળાફળીનો ડબ્બો ખાલી કર્યો, છેલ્લા સાત આઠ ફાફડા બાકી હતાં તે બપોરની ચાહ સાથે મેં એક ડીશમાં લીધા. એ દિવસ ભાઇબીજ હતી. ઘરે બધા ભાઈઓ અને બહેનો આવ્યા હતા. બધા ટેબલ પર ગોઠવાયા. ત્યાંતો મેં ચાહ સાથે ચોળાફળી મોંમાં મૂકી હજુ બે ચાર ખાધી નથીને મારાં મોંમાં મને કાંકરી જેવું લાગ્યું અને મેં મોમાંથી

આંગળીથી બહાર કાઢીને ! મેં જરા સાફ કરીને જોયું તો ? બાનો હીરો! મારી આંખો નાચી ઊઠી અને મારાં હોઠ

ખુશીથી મરકી ઉઠ્યા, હું તો હરણ ફાળે દોડીને બા પાસે પહોંચી, "બા બા તમારો હીરો મળી ગયો !" બાને ભેટીને

ગોળ ગોળ ફરી બા પણ અવાચક બની ગયાં. પણ ખુશ થઈ ગયાં "લે તને જ જડયો? તું એકજ કહેતી હતી કે હીરો મળશે અને જો ભગવાને તારી પાસેજ પહોંચાડ્યો." બધા ખુશ થઈ ગયાં. મને તો જાણે પાંખો લાગી આજુબાજુ બધાને કહી આવી ધડાધડ બધાને ફોન કર્યા બાનો હીરો મળી ગયો. એ સાંજે બધાએ મારી હકારાત્મક્તાનાં વખાણ કર્યા.

મેં કીધું, "હા ભાઈ આશા તો ના જ છોડાય શ્રદ્ધા તો રાખવી જ જોઈએ અને પરિશ્રમ પણ કરવો તો જોઈએ ને !"

કહેવાની જરૂર નથી પણ બાએ મને ઈનામ તરીકે સરસ સાડી ભેટ આપી જે મેં આનાકાની કરી આશીર્વાદ રૂપે સ્વીકાર કરી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational