Nisha Shah

4  

Nisha Shah

સલામ સૈનિક

સલામ સૈનિક

7 mins
446


ભારતની પૂર્વની સીમાની નજદીકનાં એક ગામની આ વાત છે,જ્યારે હિન્દુસ્તાન ને પાકિસ્તાન વચ્ચે યુધ્ધનાં એંધાણ શરૂ થઈ ગયા હતા. બંને દેશની ફોજ નફરતનાં લોહીથી દેશની ધરતીને લાલ કરી રહી હતી. બંદુકો, તોપો અને બોમ્બવર્ષા કરતા વિમાનો ગર્જના કરતા હતા. ત્યારે આવા સમયમાં એક પ્રેમનું વાવાઝોડું પણ આવી ગયું આ નાનકડા ગામમાં ! ગામમાં લશ્કરી ફોજનાં ડેરા લાગી ગયા હતા. મિલિટરીના તંબુ ઠેર ઠેર દેખાતા હતા. હથિયાર ભર્યા ટ્રક અને જીપ ગાડીઓ ફરતી હતી. લશ્કરી એલાન થઈ ગયું કે ગામ ખાલી કરી દો ,જેને સુરક્ષિત જગ્યાએ જવું હોય ચાલી જાય, તો પણ કેટલાક પરિવાર –કેટલાક ઘરો ખાલી નહોતા થયા.

એવું એક ઘર હતું વિક્રમસિંહ રાણાવતનું ! એમનો પરિવાર વર્ષોથી અહીં જ રહેતો હતો.વિક્રમસિંહ એક રીટાયર આર્મી ઓફિસર હતા. અઠાવન વર્ષનાં, વિશાળ છાતી ધરાવતા, કદાવર શરીરનાં, શ્યામ વર્ણનાં ભવ્ય વ્યક્તિત્વવાળા પુરુષ હતા. એમનાં પત્ની નાની વયમાં જ મૃત્યુ પામ્યા હતા. એમનાં પરિવારમાં બે બહાદુર દીકરા અને એક સુંદર રૂપાળી દીકરી હતી. વિક્રમસિંહે બંને દીકરાને ફોજમાં ભરતી કર્યા હતા, પરંતુ

ચીન સાથેનાં યુધ્ધમાં બંને શહીદ થયા હતા.

એ પછી એમનું હ્રદય ભાંગી પડ્યું હતું.એમની આંખોમાં એક ચૂપકીદી છવાઈ ગઈ હતી. અને મુખમાંથી અવારનવાર નિ:સાસા નીકળી જતા. એમનો સહારો એમની દીકરી જ હવે હતી. દીકરી પણ કેવી ? પહાડી કન્યાઓ જેવી કાયા અને મુખડું ઝરણા જેવું નિર્મળ, રૂપમાં ચાંદા જેવી સોહામણી, આંખો હરણી જેવી અને પરવાળા જેવા નાજુક હોઠ ! એનાં મધુર હાસ્ય ઉપર તો વિક્રમસિંહ જીવી રહયા હતા. નામ રાખ્યુ હતું ‘ચાંદની’. ચાંદની જ એમનું સર્વસ્વ હતી. એની એમને ખૂબ ચિંતા રહેતી. મનમાં ને મનમાં મુંઝાયા કરતા, વળી દેશપ્રેમી એટલે ગામ તો છોડવું નહોતું !

એક ખુશનુમા સવારે ચાંદનીએ બારી ખોલી તો બહાર ઘરની સામે જ તંબુ તાણેલા જોયા. કેટલાક ફોજી કસરત કરતા હતા. કેટલાક કવાયત કરતા હતા. કેટલાક રાઇફલ ખભા પર મૂકીને દૂરનાં એક ઝાડ પર નિશાન તાકતા હતા. એમાં એક ખૂબસૂરત યુવાન પર ચાંદનીની નજર પડી,અને ત્યાં જ ત્યાંથી ખસવાનું નામ ન્હોતી લેતી.એ એકીટશે એને નિહાળી રહી. એ યુવાને પણ એને જોઈ અને એની નજર પણ ચાંદની પરથી ખસવાનું નામ જ ન્હોતી લેતી. નજર સાથે નજર મળી, આંખો સાથે આંખો મળતા એ યુવાન ચાંદનીનાં દીલમાં ઉતરી ગયો. પહેલી નજરનો પ્રેમ થઇ ગયો. એણે મીઠું હસીને બારી બંધ કરી દીધી.વળી પાછી ખોલી તો એની નજર પણ બારી તરફ જ હજુ હતી. અને નિશાનેબાજીમાં એ એની ગોળીનાં નિશાન ચૂકવા લાગ્યો. ચાંદની ખડખડાટ હસી પડી અને ઝટથી બારી બંધ કરી દીધી. પછી તો રોજની આ પ્રેમલીલા થઈ ગઈ.

ચારપાંચ દિવસ પછી બંને એક મંદિરમાં મળ્યા. ફોજી એનાં ગણવેશમાં આવ્યો, ખાખી ડ્રેસ માથાપર હેટ અને કાળા બુટ અને ખભા પર રાઇફલ ! ચાંદની એને જોઇનેજ ખુશ થઈ ગઈ ને વળગીપડી. ફોજીએ પણ એને એની બાથમાં વ્હાલથી ઉંચકી લીધી. પછી મંદિરની પાછળ પાળી પર બેસી વાતે વળગ્યા. બંને પ્રેમીપંખીડા ભવિષ્યનાં સ્વપ્ના જોવા માંડ્યા. ચાંદની એની નિશાનેબાજી પર મીઠી મશ્કરી કરવા લાગી કે, એ એને જોવામાં નિશાન કેવો ચૂકી જતો હતો. અદિત્ય એનું નામ ! કહેવા લાગ્યો કે એનું બીજું નિશાન તો બરાબર લાગી ગયું ને ? અને ચાંદની ખડખડાટ હસી પડી. પણ એકાએક ચૂપ થઈ ગઈ, અને કહેવા લાગી,

‘આદિત્ય ! આ યુધ્ધ મારા જીવનમાં પ્રેમનો પવન લઈને આવ્યું, પણ યુધ્ધ પૂરું થશે કે તારી બદલી થશે તો તું પાછો ચાલી જશે !'

આદિત્યએ કહ્યું , 'ના ના આપણે લગ્ન કરી લઈએ ને ?’

ચાંદની કહેવા લાગી ‘એ બહુ મુશ્કેલભર્યું છે. મારા પિતા સંમત થશે કે નહિ. મને! મારા બંને ભાઈ યુધ્ધમાં શહીદ થઈ ગયા. અને હવે દીકરીને પણ ફોજી સાથે પરણાવવા એ તૈયાર થશે ? જમાઈ પણ ફોજી ! આદિત્ય ! અશક્ય લાગે છે મને તો !’

આદિત્ય કહે,એક જ રસ્તો છે આપણે બંને ભાગીને લગ્ન કરી લઈએ !’ પહેલા તો ચાંદની એ કહયું ‘મારા પિતાને બહુ દુખ થશે એ સહન નહિ કરી શકે.’

આદિત્ય કહે, ‘તો શું કરીશું ? આપણે પણ વિવશ છીએ અને હા એક વાર લગ્ન કરી લઈએ પછી એમને મનાવી લેશું હું બહુ પ્રેમ તને પણ આપીશ અને એમને પણ આપીશ. તું મારામાં વિશ્વાસ રાખ.’ અને છેવટે ચાંદની ભાગી જવા તૈયાર થઈ. બંનેએ નક્કી કર્યું. બીજે જ દિવસે સાંજે પાંચ વાગે મંદિરમાં મળશુ, અને બંને એકબીજાને પ્રેમાલિંગન આપી છૂટા પડ્યા.

બીજે દિવસે સવારે ચાંદનીએ બારી ખોલી તો આશ્ચર્યમાં પડી ગઈ. સામેથી તંબુઓ ઉપડી ગયા હતા. જેમાંના એકમાં આદિત્ય રહેતો હતો ! એ દોડીને ઘરની બહાર ગઈ ,જોયું તો આદિત્ય એક ટ્રકમાં બીજા યુવાનો સાથે જઇ રહ્યો હતો. એને એવું લાગ્યું કે એની આંખોમાં ખામોશી અને ઉદાસી વ્યકત થઈ રહ્યા હતા. એણે કોઈ ઈશારો પણ ન કર્યો. ચાંદની એને જતાં જોઈજ રહી.

એજ રાત્રે ભારત પાકિસ્તાન યુધ્ધ શરૂ થયું. સાયરન વાગવા લાગી. બ્લેક આઉટ થઈ ગયું. વિક્રમસિંહ અને ચાંદની પણ બધાની જેમ ઘરમાં બારીઓ પર લાઇટ બહાર ન જાય એ માટે કાળા કાગળ ચીટકાવવા મંડી ગયા. ઘરની લાઇટ બંધ કરી,બધે અંધારપટ છવાઈ ગયો અંદર અને બહાર પણ. આખી રાત ગોળીઓ, બોમ્બ અને આકાશમાં ફાઇટર વિમાનોની ઘરેરાટી સંભળાતી હતી. ચાંદની મનમાં ભગવાનને પ્રાર્થના કરતી રહી. ‘આદિત્ય જ્યાં હોય ત્યાં સલામત રહે.’

સવાર સુધી આ બધુ ચાલતું રહ્યુ , ચાંદનીને સાંજની ફીકર લાગી ગઈ હતી. સાંજે પાંચ વાગે આદિત્ય આવી સ્થિતિમાં મંદિરે મળવા આવી શકશે ? એનું દીલ હા પાડતું હતું અને મન ના પાડતું હતું. એ ભયંકર દ્વિધામાં ફસાઈ હતી. સાડાચાર વાગતા એ છૂપાઈને વિક્રમસિંહને ખબર ન પડે એમ ઘરની બહાર નીકળી અને મંદિર તરફ દોડી ગઈ. ગામનું વાતાવરણ બહુજ ખરાબ હતું. આકાશમાં દારૂગોળાથી ધુમાડો છવાયો હતો. જાણે ગામ આખામાં કાળી ચાદર પથરાયેલી હતી. આકાશમાં કયારેક તેજનાં લીસોટા દેખાતા. ચાંદની મંદિર પાસે પહોંચી ગઇ જેમ તેમ કરીને-અને આદિત્યની રાહ જોવા લાગી.

માણસોની ચીસો ને ગોળીબાર બોમ્બનાં ધડાકા સંભળાતા હતા.એવામાં એને અંધારામાં એક માણસનો પડછાયો દેખાયો જે મંદિર તરફ આવતો હતો. ખભા પર રાઇફલ હતી, ફોજીનો ડ્રેસ હતો અને એ બહુજ ઘવાયેલો હતો ને ધીરે ધીરે મંદિર તરફ આવતો હતો. ચાંદની એની તરફ દોડી ને વળગી જ પડી. અંધારામાં – અને લોહીમાં લથપથ ચહેરો !

‘આદિત્ય’! કહીને એ ખૂબ રડી પડી. ‘આ શું થઈ ગયું તને ? મારી તરફ જો, આપણે લગ્ન કરવાનાં વાયદા કર્યા છે, હું ઘર છોડીને આવી છું મારા પિતાને છોડીને આવી છું.‘

પણ હજુ એ કઇ બોલે એ પહેલા ઢળી પડ્યો.અને ચાંદની ચીસ પાડી ઉઠી. અને ગભરાઈને ઘર તરફ દોડી કે કોઈકને બોલાવી લાવે. ત્યાં જ રસ્તામાં એ કોઈક સાથે અથડાઈ.એ વિક્રમસિંહ જ હતા જે ચિંતામાં એને શોધવા નીકળ્યા હતા.

’અરે દીકરી ! તું ક્યાં ચાલી ગઈ હતી ? હું તને જ શોધતો હતો.’

ચાંદની એમને બાઝી પડી અને રડવા લાગી. રડતાં રડતાં એણે એમને બધુ જ એનાં પ્રેમ વિષે અને આદિત્ય વિષે વિગતવાર કહયું અને તરતજ બંને જણ મંદિર તરફ પાછા આવ્યા. પણ જોયું તો ત્યાં કોઈ નહોતું ! કોઈ સૈનિક નહીં કોઈ લાશ નહીં ! બીજા ફોજીઓ કે કોઈ એને કદાચ હોસ્પિટલમાં લઈ ગયા હશે ,વિક્રમસિંહ પણ ડઘાઈ ગયા,એમને થયું જે એમની સાથે થયું એવુંજ દુ;ખ એમની દીકરીએ ભોગવવું પડશે ? ચાંદની આખી રાત રડતી રહી, અને એ પણ રડતાં રહ્યા. એમણે એને ચૂપ કરવાની કોશિષ ન કરી.

સવારે ચાંદનીએ ઉઠતાની વારમાં બારી ખોલી અને અનિમેષ નજરે સામે જ્યાં પહેલા તંબુ હતા ત્યાં જોતી રહી. એ બહાર આવી ને જોયું, તો જ્યાં એને પ્રેમ થયો હતો, જ્યાં એનાં જીવનની વસંત આવી હતી ત્યાં બધું અત્યારે વેરાન અને ઉજ્જડ લાગતું હતું. ત્યાં તો અચાનક એની આંખો ચમકી ઉઠી.એને થયું, એ જાગતી હતી કે સ્વપ્ન જોતી હતી ! એણે જોયું , આદિત્ય એની સામે હતો, એને બોલાવી રહ્યો હતો ! તરતજ એ આદિત્યની પાસે દોડી અને એણે એનાં વિશાળ હાથોમાં એને સમાવી લીધી, અને બોલ્યો, ‘ચાંદની મને માફ કર કાલે હું વાયદા પ્રમાણે મંદિર પાસે ન આવી શક્યો. ’ચાંદની ચમકી ગઈ,

‘તો એ તું નહોતો ? તો કોણ હતું ?’

આદિત્ય –‘તું કોની વાત કરે છે ?’

ચાંદની – ‘એની જ જે ગઇકાલે મંદિર પાસે આવ્યો હતો !’ અને પછી ચાંદનીએ એકી શ્વાસે આગલે દિવસે બનેલી બધી વાત આદિત્યને કહી સંભળાવી.

આદિત્ય – ‘ઓહ ! જરૂર અમારી કંપનીના હવાલદાર શિવરામ હશે એને મોરચા પર ઘણી ગોળીઓ વાગી હતી અને બહુ જ ઘાયલ થયા હતા. આજે સવારે જ એમનાં મૃત્યુનો સંદેશ હોસ્પિટલમાંથી આવ્યો હતો.’

હવે ચાંદનીનાં ચહેરા ઉપરથી ઉદાસીનાં વાદળ દૂર થયા . બીજી જ પળે જોરથી આદિત્યને વળગી પડી. બંને પ્રેમી પંખીડા સ્વપ્ન નગરીમાં સરી પડ્યા. અને અચાનક ભાન આવતા આદિત્યે એને અળગી કરી.

આદિત્ય – ‘ બસ, હવે બસ ! ચાંદની હું વધુ રાહ નહીં જોઈ શકું, ચાલ તું ચાલ મારી સાથે ! આપણે હવે ભાગવાનું છે ! ત્યાં તો વિક્રમસિંહ જે ચાંદનીની પાછળ આવી ચૂક્યા હતા તે એમની સામે આવ્યા ને કહેવા લાગ્યા ,

‘ના બેટા ના હવે ભાગવાની જરૂર નથી. મને તમારા લગ્ન કરાવવામાં વાંધો છે જ નહિ. મને તો મંજુર છે. આદિત્ય ખુશ થઈ ગયો. તરતજ એમને પગે પડ્યો અને એમનાં ચરણસ્પર્શ કરી કહેવા લાગ્યો,

‘પિતાજી ! હું ચાંદની માટે ફોજની નોકરી છોડવા પણ તૈયાર છું !’

વિક્રમસિંહ – 'ના ! જરા પણ નહિ ! તું નોકરી નહીં છોડે, મને મારી દીકરીનાં પ્રેમમાં વિશ્વાસ છે, તમારો પ્રેમ આ યુધ્ધની ભેટ છે ! એ તો મારું ભાગ્ય એવું કે મારા દીકરા ગુમાવી બેઠો જોકે એ લોકોએ શહીદ થઈને મારું મસ્તક ગર્વથી ઊંચું કર્યું ! મેં મારા દીકરાઓ દેશને સમર્પિત કર્યા છે . અને તું જોજે મારી દીકરી તારી ફરજમાંથી તને કદી હટાવશે નહીં પરંતુ તને પ્રેમનું બળ આપશે !

હજારો સૈનિકો યુધ્ધમાં વિજયી થઈને પાછા ઘરે આવે છે. મારી દીકરી તને પ્રેમની બેડીમાં કેદ પણ નહીં કરે માટે બેટા ! તું હજુ પણ યુધ્ધમાં જા અને ફતેહ કરીને પાછો આવ. તારી થાપણ ‘મારી દીકરી ચાંદની’ મારી પાસે રહેશે, તારી પ્રતિક્ષા કરશે. એનું ભાગ્ય મારા જેવું નહીં હોય. કારણકે મારા આશીર્વાદ અને એનો પ્રેમ તને પાછો લાવશે જ !' ચાંદની એનાં પિતાને પ્રેમ અને ગર્વથી જોઈ રહી. લગ્ન તો એજ વખતે ત્યાં ને ત્યાં મંદિરમાં થઈ પણ ગયા.

આવા પિતાને લાખો વંદન બે દીકરા અને હવે જમાઈને એ કેટલા ગર્વ અને વિશ્વાસથી દેશને અર્પણ કરે છે ! ભારત દેશની માતાઓ અને બહેનો ને દીકરીઓ પણ ખરેખર વંદનીય છે, અને કોટિ વંદન છે આ ફોજીઓને !

જય હો ! આ અમૂલ્ય સમર્પણની જય હો !


Rate this content
Log in