પ્રેમનું મૃગજળ
પ્રેમનું મૃગજળ


શ્યામલી અને સૌરભની આજે સગાઈ હતી. ખૂબ ધૂમધામથી વિવાહ સંપન્ન થયો. છેલ્લા લગભગ બે વર્ષથી વાતો ચાલતી હતી. પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા અને માતપિતાનો પણ વિરોધ ન હતો. સૌરભ સોહામણો અને વળી ડોક્ટર એટલે પછી પૂછવાનું શું? શ્યામલીએ માઇક્રોબાયોલોજી કર્યું હતું. બન્નેનાં વ્યવસાય પણ એકમેકને અનુરૂપ હતા. શ્યામલી પણ દેખાવડી અને સંસ્કારી અને વળી કલાકાર પણ હતી. વિવાહમાં સગાવહાલા ને મિત્રમંડલે ખૂબ મજા કરી. સંગીતનૃત્યનો કાર્યક્રમ પણ બધાએ માણ્યો. બંને પ્રેમી પંખીડાને મુક્ત ગગન વિહાર કરવા મળી ગયું.
થોડા દિવસ જ હજુ ગયા હશે ને શ્યામલીને એક પેથોલોજી લેબમાં કામ મળી ગયું. એણે બધાની મંજુરીથી સ્વીકારી લીધું. લગ્નને હજુ વાર હતી કારણકે સૌરભને પોસ્ટગ્રેજ્યુએશન કરવું હતું. કહેવાય છે કે જીંદગીમાં પ્રેમ એકજ વાર થાય છે પણ શ્યામલીનાં જીવનમાં કાંઇક જુદું થઈ ગયું. જેમ જેમ દિવસ જતા ગયા તે સૌરભ પ્રત્યે થોડી નિરસ થવા માંડી. એ રોજ રોજ લેબમાં એનાં સહ કાર્યકર અભિજીત પ્રત્યે ખેંચાવા લાગી હતી. અભિજીત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. એનાં વાળ ખૂબજ સુંદર હતા. ચહેરો પણ ગૌર વર્ણ હતો. આંખો પણ ગજબની હતી જેમાં ખુબજ શાંતિ દેખાતી એની સૌમ્યતા અને સ્વસ્થતા શ્યામલીનું ધ્યાન એની તરફ ખેંચતી હતી. રોજ સવારે અગીયાર વાગે બરોબર આવતો અને શ્યામલીનાં ટેબલથી થોડેક્જ દૂર એનાં ટેબલ પર બેસતો. સાંજે સાત વાગે એ નીકળી જતો. એનું કામ ફક્ત બધા રિપોર્ટ ટાઇપ કરવાનું હતું . એથી એની નજર હમેશા નીચે ટાઈપરાઇટર પર રહેતી અને આંગળીઓ એની પર કૂદાકૂદ કરતી. આ બધું કામ એ કોમ્પ્યુટર પર જ કરતો. શ્યામલીનું કામ દૂરથી એને નિરખવાનું રહેતું એને જરાક કામમાંથી ફુરસદ મળે એટલે એ અભિજીતને જ જોયા કરતી. એની બેનપણી વિદ્યાને ખ્યાલ આવી ગયો, એણે એક બે વાર શ્યામલીને ટોકી પણ ખરી,’શ્યામલી આ બરાબર નથી તું શા માટે અભિજીતની પાછળ પડી છે! તને એની ઉપર પ્રેમ થઈ ગયો લાગે છે !શ્યામલી હસીને વાત ઉડાવી દેતી. પણ ધીરે ધીરે એને પણ લાગ્યું કે એ અભિજિતને ચાહવા લાગી છે. સૌરભને તો જાણે ભૂલવા માંડી છે. સૌરભ કામમાં બહુ વ્યસ્ત રહેતો હોવાથી મળવાનું ઓછું થઈ ગયું હતું. પહેલા જેટલા ફોન પણ કરતો નહોતો. કારણ કદાચ શ્યામલી પણ એનાં પ્રત્યે ઉદાસ વર્તન દાખવતી હતી. વિદ્યાથી આ જોવાતું ન હતું. એ શ્યામલીને સમજાવતી કે એની સગાઈ થઈ ગઈ છે,સૌરભ જેવો સુંદર કોઈ નથી. ’તારા જીવનમાં આવેલો આટલો સરસ યુવક અને તને આ શું સુજયું છે ! શા માટે અભિજીતની પાસે જવા કોશિષ કરે છે! પાછી વળ! તું ખોટા રસ્તે જઇ રહી છે!’પણ શ્યામલી માને તો ને?એ તો હવે જાણે અભિજીતને મેળવવા માટે ખૂબજ ઉતાવળી થવા માંડી હતી. એ એનાં પ્રેમને ઝંખતી હતી.
કાંઇ ને કાંઇ બહાનું શોધતી કે જેથી એની પાસે જઇ શકે. એક વાર એની કોઈક મિત્રનો રિપોર્ટ જોઈએ છે એમ કહી વાત કરવાની કોશિષ કરી. તો અભિજીતે તરતજ એની આંગળીઓનો જાદુ ચલાવ્યો ને એ રિપોર્ટની પ્રીન્ટ કાઢીને આપી દીધી. શ્યામલી એની શાંત અને નિશ્ચેત આંખોને જોઈ રહી. એનાં પાતળા હોઠ પર નહિ જેવું સ્મિત દેખાયું. એનાં આવા વર્તનથી શ્યામલી વધુ ઉત્સુક થતી જતી હતી. કે એ કેમ આવો નિર્લેપ છે! એની ખામોશીનું રહસ્ય શું છે! આજુબાજુ કે ઓફિસનાં કોઈ સાથે વધુ વાત કરતો પણ દેખાતો નહિ. ફકત હઁ હઁ કે ડોકું ધૂણાવીને વાત કરતો.
આખરે એક દિવસ શ્યામલીને થયું કે એ એનાં પ્રેમનો એકરાર એની સામે જઈને કરી જ લે ! અને તે પહોંચી ગઈ. વિદ્યા સમજી ગઈ. એને વાળવાની કોશિષ પણ કરી પણ વ્યર્થ !એણે તો બેધડક જઈને કહી દીધું !પહેલી વાર એને નામથી બોલાવ્યો અને કહયું,’અભિજીત હું તને પ્રેમ કરું છું !’ અભિજીત એની સામે અનિમેષ નજરે જોઈ રહ્યો. અને એણે એક પેપર પર ટાઈપ કરીને શ્યામલીનાં હાથમાં આપી દીધો. શ્યામલીનાં પગ નીચેથી જમીન સરકી ગઈ! એની ઇચ્છાઓ ઘેલછાઓ અને સ્વપ્નાઓ રોળાઇ ગયા. એ પત્રમાં લખ્યું હતું ,’હું જન્મથી જ કાંઇ બોલી શકતો નથી. હું મૂંગો છુ! એ રાત્રે જ શ્યામલી ઉપરાઉપરી સૌરભને મેસેજ પર મેસેજ કરવા લાગી અને મળવા માટે તલપાપડ થઈ ગઈ. પ્રેમનાં મૃગજળનો એને અનુભવ થઈ ગયો.