STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

વણીક કળા - ૨

વણીક કળા - ૨

3 mins
413


બે ચાર દહાડા વીત્યા પછી એક દીવસે શાહ અને બીરબલ બાગમાં બેઠા હતા. તે સમે વાત ઉપરથી વાત નીકળતાં વાણીઆની વાત યાદ આવતા શાહે કહ્યું કે, 'બીરબલ ! તે દીવસે બીજા વાણીઆની કળા વિશે વાત કરવા કહ્યું હતું તે જો યાદ હોય તો કહી સંભળાવ.

બીરબલ - તે આપણા શહેરનોજ પણ જરા ગરીબ હાલતનો એક વાણીઓ હતો. તેણે પણ ચોરને મારી નાખી પોતાના માથેથી તોહોમત ઉતારી બીજા ઉપર નાંખ્યું હતું.

કપુરચંદ નામે વણીક પોતાના નાના સરખા ઘરમાં રહેતો હતો. એક રાતના તેના ઘરમાં ચોર દાખલ થયો. તે ચોર એક બાજુએ બેસી વાણીઆના કીમતી સામાનનો પોટલો બાંધતો હતો. એટલામાં વાણીઆની નજર તેની ઉપર ગ‌ઇ. તરત વાણીઆએ તરવાર ખેંચી ચોરનું માથું ઉરાડી મુક્યું.

પ્રભાત થવા આવી એટલે વાણીઓ ઓસરીમાં જ‌ઇ બેઠો. એટલામાં પડોસમાં રહેનાર એક સીપાઈ ત્યાંથી જતો હતો. તે સીપાઈને ઘરમાં બોલવીને તે ચોરના શબને બતાવીને કહ્યું કે, ' જમાદાર સાહેબ ! રાતે ચોરી કરવા આ ચોરને મેં ઠાર કરેલ છે, પણ હવે સરકારમાં મારે ફરીયાદ શી રીતે કરવી તે હું જાણતો નથી.' એટલું કહી એક નવું ધોતીઉં જમાદારને દીધું. તે લઈ જમાદારે કહ્યું કે, 'અરે એમાં તે શું ? આ ચોરને તો મેં માર્યો. આ તો જુનો ચોર હતો તેથી તેને જીવતો અથવા મુવેલો લાવનારને સરકારે ઇનામ આપવા ઠરાવ કરેલ છે. તેજ ચોર આજ માર્યો ગયો તેથી મને ઇનામ મળશે.'

એટલું કહેતાની વાર જમાદારે ચોરના શબને વાણીઆના ઘરમાંથી ઘસડી બહાર કાઢી અને મજૂરો પાસે ઉંચકાવી ચોકી ઉપર લઈ ગયો.

જમાદાર ગયા પછી વાણીઆણીએ કહ્યું કે, 'પ્રાણનાથ તમે ધોતીઉં મફતનું આપી દીધું. ચોરને તમે ઠાર કીધો. અને તેનું ઇનામતો જમાદાર લેશે ?

વાણીઓ - તું જોજે તો ખરી, એ ધોતીઆના ઢોલતો હવે વાગશે.'

આ સાંભળી વાણીઆણી ચુપ થ‌ઇ ગ‌ઇ.

જમાદારે ચોરને મારયો એવી વાત આખા ગામમાં પસર ગ‌ઇ.

આ વાત ચોરના ભાઈની જાણવામાં આવતાંજ તેણે તેજ રાતના જમાદારને મારી નાખવાનો ઠેરાવ કીધો. ચોર જમાદારની પુંઠે પડ્યો અને એક અંધારી ગલીમાં તપાસ કરવાને જતા જમાદારનું માથું ચોરના ભાઈએ ઉરાડી મુક્યું.

રોન ફરતા જમાદાર મરાયો એવી વાત થોડી વારમાં આખા શહેરમાં ફેલાઇ ગ‌ઇ. તેના શબને તેને ઘેર લ‌ઇ ગયા અને સવારના પહોરમાં તેને ઠેકાણે પાડવા લ‌ઇ ગયા. તેના શબને લ‌ઇ ગયા પછી તેના ઘરની અને સગાવહાલાઓની સ્ત્રીઓ એકઠી મળી ઘરની બહાર કુટવા લાગી. તેમને રડતી કુટતી સાંભળી વાણીઅણે વાણીઆને પૂછ્યું કે, કોણ મરી ગયું ?

વાણીઓ - અરે એ તો ધોતીઆના ઢોલ વાગે છે ? ગીત તો હવે ગવાશે !

વાણીઆણી બહાર આવીને જોયું તો જમાદારના માર્યા ગયાની વાત તેના સાંભળવામાં આવી.

પોતાના ધણીએ ચોરને ઠાર કીધો પણ જમાદારે એક કીર્તિ મેળવવાની લાલચે પોતાને માથે તે ચોરને મારી નાખવાનું કેટલું બધું જોખમ ઉંચકી લીધું, તે જોઇ પોતાના ધણીની કળાથી તે આનંદ પામી.

બીરબલ - જનાબે આલી ! વણીક કળાથી પોતાના માથા ઉપરનું જોખમ બીજા ઉપર નાખી પોતે છુટો થ‌ઇ ગયો. તેથી વાણીઆ ડાહી માના દીકરા કહેવાય છે એ વાત ખોટી નથી.

બીરબલની આ વાત સાંભળી શાહ ઘણો ખુશ થયો. અને બંને જણ ત્યાંથી છુટા પડ્યા.


Rate this content
Log in

Similar gujarati story from Classics