mariyam dhupli

Inspirational

4.2  

mariyam dhupli

Inspirational

વજન

વજન

7 mins
470


હું પાછળ પાછળ અનુસરાઈ રહ્યો હતો. મારો ગાઈડ મારી આગળ આગળ ચાલતો મને દોરી રહ્યો હતો. આ શહેરની મારી પહેલી મુલાકાત હતી. અને આ ઐતિહાસિક સ્થળની પણ. ઘણું વાંચ્યું હતું, ઘણું સાંભળ્યું હતું. આ સ્થળ વિશે. પરંતુ અનુભૂતિનું જગત તો જુદુંજ વળી. એમાં શંકાને કોઈ સ્થાન નહીં. 

હું ખુબજ પ્રભાવિત હતો. મારા ગાઇડનો અનુભવી લ્હેકો, વાત કરવાની અને માહિતી પૂરી પાડવાની કલા ખરેખર પ્રશંસનીય હતી. એણે મારી આગળ વર્ષો પહેલાનો સમય ધબકતો સજીવન કરી મૂક્યો હતો. હું જાણે ઇસ ૨૦૨૨માંથી જાણે વર્ષો પાછળ આવી ઉભો રહી ગયો હતો.  પરંતુ આ મન ઘણું લુચ્ચું હોય છે. સાધનાને કઈ રીતે ભંગ કરાઈ એની પી એચ ડી કરીને બેઠેલું મારું મન મને વારેઘડીએ ફરી ફરી ઇસ ૨૦૨૨ની વાસ્તવિક સૃષ્ટિ ઉપર ખેંચી લાવી રહ્યું હતું. બિચારા મહેનતુ ગાઈડના ઉત્સાહિત શબ્દો ઉપરછલ્લી રીતે મગજને સ્પર્શી પલાયન થઇ જતા હતા અને વર્તમાનની ચિંતા અને શંકાઓ ચાલાકીથી પોતાનું સ્થળ જમાવી રહી હતી. 

હું કોઈ સંત કે મહાત્મા તો હતો નહીં. હતો એક સામાન્ય માનવી. અને મારું સામાન્ય મન મને આવનારી સાંજ અંગે ઢંઢોળી રહ્યું હતું. 

' હવે શું કરીશ ? સાંજે શું પહેરીશ ? '

હા, સમસ્યા હતી તો મોટી. અને એનું મૂળ મેં જાતેજ રોપ્યું હતું. એટલે પોતાના ઉપર ગાઢ રીસ છૂટી રહી હતી. 

મમ્મી સાચુજ કહેતા હતા. સ્ત્રીઓ કેટલી સ્વનિર્ભર હોય છે ! મમ્મી ને જોઈ લો કે પછી મારી પત્ની અંજુને. એ લોકો નોકરી કરે, ઘર સંભાળે, બાળકો સંભાળે, ને પોતાની જાત પણ જાતે જ સાચવે. એમના માટે સવારે નાસ્તો તૈયાર કરવા કોઈ ન આવે. જાતેજ તૈયાર કરે, સાથે સાથે પરિવાર માટે પણ. એમનું ટિફિન રેડીમેડ હાથમાં ન આવે. જાતેજ બનાવે. સાથે સાથે પતિનું પણ બનાવી આપે. કપડાં જાતે ઈસ્ત્રી કરવાના. સાથે સાથે બાળકોના યુનિફોર્મ ને પતિના ઓફિસના વસ્ત્રો પણ કરી નાખે. ઘરે કોઈ માંદગીમાં સપડાઈ તો સેવા ચાકરી કરવામાં કોઈ કચાસ બાકી રાખે નહીં. પણ જાતે બીમાર પડે તો દવા ગટગટાવી કેવી ફરજો પાછળ ધસી પડે ! 

મમ્મી જયારે પણ ઘરે રહેવા આવે ત્યારે મારી બરાબર કલાસ લઇ નાખે. 

"હું પણ નોકરી કરતી હતી. પણ એ સમય જુદો હતો. મારી સાસુ તારા પપ્પાને ઘરનું એક પણ કામ કરવાની છૂટ આપતા નહીં. બધે મારે જ ઘસાવું પડતું. પણ હવે સમય બદલાયો છે. અંજુ જોડે તારે પણ ઘરમાં હાથપગ ચલાવવા જોઈએ. પોતાના કર્યો જાતે કરતા શીખ. આ શું ? એક ગ્લાસ પાણી પણ ઉભા થઇ જાતે ન લેવાઈ ? તારા પોતાના મોજા ક્યાં હોય એનું ધ્યાન પણ અંજુએ રાખવાનું ? ને મેચ હોય તો અંજુએ તારા મિત્રોની પણ રસોઈ બનાવવાની ? બધોજ મી ટાઈમ તારો ? ને અંજુનો મી ટાઈમ તું અને બાળકો પડાવી લે ? આ તો ભારોભાર અન્યાય. એક દિવસ અંજુ ઘરથી દૂર થશે ત્યારે તારી હાલત જોજે..."

મમ્મી એ ચેતવણી આપી હતી કે અભિશ્રાપ ? દર વખતે શહેર છોડવાનું હોય તો અંજુ જ મારી બેગ પેક કરી આપે. એનું કામ ૧૦૦ ટકા કરતા પણ વધુ વ્યવસ્થિત. બીજા શહેરમાં પહોંચી એ બેગ ખુલે કે મારા હાથમાં બધુજ આપોઆપ મળી રહે. દરેક વસ્તુ એના સ્થળે. કદી કોઈ વસ્તુ પાછળ છૂટી ન જાય. બસ મારે તો ઘરે એક કોલ કરી નાખવાનો. 

"અંજુ. કાલે નીકળવાનું છે. જરા બેગ પૅક કરી રાખજે. "


ને એ બિચારી કામ પરથી પરત થઇ, ઘરના કામકાજ પતાવી, બાળકોની બધી જવાબદારી પાર પાડ્યા પછી મારી બૅગ પણ પૅક કરે. એ પણ કાળજી અને જતનથી.  પરંતુ આ વખતે અંજુ ઘરે ન હતી. બાળકોને લઇ એ પિયર ગઈ હતી. એનો ભાઈ પહેલીવાર પિતા બન્યો હતો. બાળકોનું પણ વેકેશન હતું. હું મારા કામને બહાને ઘરે જ રોકાયો હતો. અચાનકથી આમંત્રણ મળ્યું હતું. આ શહેરમાં કદી વક્તવ્ય આપ્યું ન હતું. આવી તક કઈ રીતે ગુમાવાય ? એક વક્તા તરીકે આટલી મોટી જનમેદની મળે એ પ્રારબ્ધની વાત. મેં તરત જ હા પાડી દીધી. ઘરે પરત થયો ત્યારે યાદ આવ્યું. બૅગ તો જાતેજ પૅક કરવી પડશે. 

મમ્મીની ચેતવણી કાનમાં જોરશોર પડઘા પાડી રહી. સ્વનિર્ભરતાશૂન્ય હું શૂન્યમનસ્ક બની ઘરમાં આમથી તેમ રખડવા માંડ્યો. બૅગ શોધવામાંજ ત્રીસ મિનિટ નીકળી ગઈ. અંજુને કોલ કે મેસેજ કરી આ ક્યાં છે ? પેલું ક્યાં છે ? એવું પૂછી લેવામાં મારો મેલ ઈગો ભીંત બની ઉભો રહી ગયો. જો સાસરે પક્ષે એવી જાણ થાય કે આવો છ ફૂટનો માણસ પત્ની વિના બાઘો બાઘો ફરે તો કેવું લાગે ? 

જેમ તેમ સામાન ભેગો કરી મેં બેગમાં ઠુંસવા માંડ્યો. ક્રમ અને વ્યવસ્થિતપણું તેલ લેવા જાય. બસ બેગ ગમે તેમ કરી ભરાઈ જાય. અંજુ જેમ યાદી તૈયાર કરી એકેક વસ્તુના નામ પર ટીક કરતા જવું મારાં આળસી જીવને જરાયે ન પોષાય. અંતિમ ઘડીએ જે વસ્તુ જ્યાંથી હાથ લાગી ત્યાંથી ઊંચકી બૅગમાં પટકી મારી. ફ્લાઇટના સમય પહેલા બૅગ ભરાઈ ગઈ એટલે એવરેસ્ટ સર કરવા જેટલો હરખ મગજમાં ફરી વળ્યો. 

પણ હોટેલ આવી જયારે બૅગ ખોલી ત્યારે કઈ વસ્તુ ક્યાં મૂકી હતી એની મૂંઝવણમાંજ પહેલો કલાક વેડફાયો. સાચું કહું તો મૌન ડૂસકું ચઢી ગયું. એક તરફ મમ્મીનો ચહેરો મારા પર હસી રહ્યો હોય અને બીજી તરફ અંજુ મને દયાભાવથી નિહાળી રહી હોય એવો આભાસ થતાંજ એ નવા શહેરની અજાણ હોટેલમાં મારો ઉદાસ ચહેરો બૅગ પર પછડાઈ ગયો. 

એક જ દિવસ રોકાવાનું હતું. બીજે દિવસે રિટર્ન ફલાઇટ હતી. મનને જાતેજ સાંત્વના આપી. સાંજે શહેરના પ્રસિદ્ધ હોલમાં હજારોની મેદની સામે વક્તવ્ય આપવાનું હતું. અર્ધો દિવસ હતો મારી પાસે. નવા શહેરનું દર્શન કરવા ટ્રાવેલ કંપનીને કોલ કરી એક વ્યક્તિગત ગાઈડ અને ગાડી બુક કરાવી લીધી હતી. સ્નાન કરીને જયારે શહેરનું દર્શન કરવા તૈયાર થવા માંડ્યો ત્યારે વસ્ત્રોની વચ્ચે ફંફોસા માર્યા. આખી બૅગ ઉપરથી નીચે કરી નાખી. ત્યારે જાણ થઇ કે વક્તવ્ય માટે જે શૂટ લાવવાનો હતો એ મારા ઘરના શયનખંડમાં જ એક ખૂણા પરની ખુરશી પર પાછળ છોડી આવ્યો હતો. એ સિવાય ફક્ત થોડા સાધારણ શર્ટ અને પેન્ટ જ લાવ્યો હતો. 

'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન.' મારી જીવનફિલોસોફી મને ધમકાવા માંડી. આ નવા શહેરમાં લોકો મને પહેલીવાર પ્રત્યક્ષ જોવા અને સાંભળવા આવવાના હતા. તમારું વ્યક્તિત્વ વસ્ત્રોથી ઝળહળે. તમારા પગનાં જોડાથી લઇ તમારી શુટની ટાઈ તમારો પરિચય લોકોને કરાવે. મારો પહેલો પરિચય જો સારો ન થાય તો શું ફરી કદી આ શહેરમાંથી આમંત્રણ મળે ખરું ?

શહેરનાં રસ્તાઓ અને મહત્વનાં દરેક સ્થળો ઉપરની મારી મુલાકાત વખતે આજ પ્રશ્ન મનમાં ગૂંજી રહ્યો હતો. મારું સક્રિય મગજ શહેરનો ઇતિહાસ સાંભળવામાં અને અવનવી તસવીરો ખેંચવામાં વ્યસ્ત હતું. પણ નિષ્ક્રિય મગજ તો ઘરમાં છોડી આવેલા મારા જાજરમાન સૂટ અને સાંજે ભેગી મળવાની હજારોની જનમેદની ઉપર જ અટકી પડ્યું હતું.  મારી પર્યટન યાત્રા એના આખરી મુકામ પર આવી પહોંચી હતી. મારા ગાઇડનો ઉત્સાહ પણ પરાકાષ્ઠાએ હતો. એના હવામાં અહીંથી ત્યાં ઉછળી રહેલા હાથ, વાણીનો ઉંચકાયેલો આરોહ અવરોહ અને શરીરનાં જોશભેર હાવભાવો થકી એક વ્યવસાયિક વક્તા તરીકે એટલું તો કળી ગયો કે આ એના વક્તવ્યનો અંતિમ મુદ્દો હતો. 

મારા નિષ્ક્રિય મનમાં એજ ક્ષણે યુક્તિનો ઝબકાર થયો. એક ગાઈડ કરતા વધારે શહેરથી વધુ પરિચિત કોણ હોઈ શકે ? આ અંતિમ સ્થળની મુલાકાત પૂરી થતાંજ એની જોડે કોઈ બ્રાન્ડેડ શો રૂમમાં જઈ ઓવરકોટ ખરીદી નાખીશ. એક વક્તા તરીકે એક સારા શ્રોતાના ગુણથી હું પરિચિત હતો. વચ્ચે વિઘ્ન પાડવાથી લય, ગતિ ભાંગી પડે. એકધારી માહિતીની લય, ગતિને માન આપવા હું ધીરજ ધરી ગાઇડનો અંતિમ ફકરો ધ્યાન દઈ સાંભળવા મથ્યો. 

અંતિમ દસ મિનિટથી સતત ચાલી રહેલા એના ડગલાં થંભી ગયા. એ પીઠ ફેરવી મારી દિશામાં પાછળ વળ્યો. એના ચહેરા ઉપર એક સંતોષભર્યું સ્મિત છલકાઈ ઉઠ્યું. હમણાં સુધી ઉચ્ચારેલા અસંખ્ય શબ્દોને એણે એક અંતિમ પ્રશ્નમાં ઢાળી સમેટી લીધા. જે વક્તવ્યનો અંત પ્રશ્ન થકી થાય એ કદી પૂર્ણ ન થાય. એ હજારો પ્રશ્ન લઇ શ્રોતાઓના મનમાં હંમેશ માટે પડઘાતું રહે એવી મારી માન્યતાને એણે પોતાના પ્રશ્ન થકી સાર્થક કરી મૂકી. 

"તમે વિશ્વાસ કરી શકો ? એક ધોતીવાળું અર્ધનગ્ન શરીર આવો મોટો ઇતિહાસ રચી શકે ? એક હાડકા ચામડા જેવું શરીર આખા રાષ્ટ્રને જ નહીં વિદેશીઓને પણ પ્રભાવિત કરી શકે ? એક પણ હથિયાર વિના ફક્ત શબ્દો અને વાણી થકી પરિવર્તનની જ્વાળા સળગાવી શકે ? એક સામાન્ય માનવી આવો મહાત્મા બની શકે ? બાહ્ય દેખાવ, મોંઘા વસ્ત્રો ફક્ત આંખોને આંજી શકે સાહેબ. ભીતરનાં ઊંડાણોમાં ઉતરવા તો શબ્દોમાં જ વજન હોવું જોઈએ. નહીં ? "

એ પ્રશ્ન થકી હજારો પ્રશ્ન મનને ઘેરી વળ્યાં. મારું સક્રિય અને નિષ્ક્રિય મગજ એકાકાર થઇ ઉઠ્યું. હું સ્તબ્ધ થઇ ગાઈડ દ્વારા આંગળી ચિંધાયેલા પૂતળાને હેરતથી તાકી રહ્યો. ધોતી પહેરેલું એ અર્ધનગ્ન શરીર મને નિહાળી સ્મિત વેરી રહ્યું હતું. 

"શું થયું સાહેબ ? સૌ ઠીક ?"

મારા અચંભાભર્યા હાવભાવોને નિહાળી ગાઈડ મુંઝવણમાં મૂકાયો.  મારી તંદ્રા તૂટી. મેં ગર્વસભર હાથ એના ખભે ગોઠવી માનપૂર્વક એટલુંજ કહ્યું,

"આપનો ખૂબ ખૂબ આભાર."

મહેનત ફળવાથી ઝળહળી ઉઠેલું નૂર એના ચહેરાને દીપાવી ગયું. અમારા ડગલાં ધીરે ધીરે ગાંધીઆશ્રમની બહાર તરફ ઉપડ્યા. મેં સીધાજ હોટેલ પહોંચવાની ઈચ્છા જાહેર કરી. શોરૂમ જવા વિશે કે ઓવરકોટ ખરીદવા વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહીં.  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational