વિશ્વ
વિશ્વ


રાતનો સાડા નવ દસ નો સમય હતો. બધા રાતની પ્રાર્થના કરી સૂવાની તૈયારી કરી રહ્યા હતાં. ત્યાં મેઇન ગેટ પર રાખેલી બેલ વાગી. અત્યારે કોણ હશે? વિચારતાં ગૃહમાતા એ મકાનનો ઓટલા પર પડતો દરવાજો ખોલ્યો. . એ સાથે જ સાવ નાનાં બચ્ચાનો ધીમો-ધીમો રડવાનો અવાજ મકાન આખામાં ફરી વળ્યો ને ખલ્લાસ પંદર-વીસ બાળકોનું જૂથ આ નવા આવેલ પોતાના સાથી ને જોવા ટોળે વળી ગયું. ત્રણ-ચાર મહીનાનો તેજસ્વી મુખ અને સ્વસ્થ શરીર વાળો કોઇ છોકરો મોટી મોટી આંખોથી ચારેબાજુ જોતાં કોઇને શોધી રહ્યો હતો. પોતાની એકલતાના અહેસાસથી એ રડી રહ્યો હતો. ગૃહમાતાએ એને તરત પોતાની ગોદમાં ઉઠાવી લીધો. . . . કોણ હશે આ? એનું ઘર ક્યાં હશે? એનું નામ શું હશે? બધા બાળકો આવું કંઇ પૂછવા માંડ્યા. . . ગૃહમાતાએ કહ્યું " વિશ્વ જ એનું ઘર ને નામ પણ વિશ્વ. . . " હેઇ. . . વિશ્વ. . . કહેતાં આ અનાથ બાળકોએ પોતાના જેવા જ અનાથ આ બાળકને પોતાનું કરી લીધું. .
નાના શહેરના આ અનાથ આશ્રમમાં સગવડ તો ખૂબ સારી હતી. ખાવા-પીવાનું -મેડીકલ ફેસીલીટી-નજીકની જ પાલિકાની સ્કૂલમાં ભણવાની વ્યવસ્થા. . . . દાતાઓની દયાથી વાર-તહેવાર પણ અહીં ઉજવાતાં. કેટલાય દયાળુ મા-બાપ અહીં આવી પોતાના બાળકોનો જન્મદિવસ ઉજવતા. કેક કાપી-ગીતો ગાઇ-મીઠાઇ ખાઇને. . . આને જ પોતાનો જન્મદિવસ માની આ અનાથ બચ્ચાંઓ ખુશ રહેતાં. . . . એક વિશ્વ સિવાય. . . હવે છ વરસનો થવા આવેલ વિશ્વ પહેલેથી જ ખૂબ સમજદાર ને બધાથી જુદો. . ઉપરથી શાંત લાગતાં વિશ્વ ની અંદર જાણે સતત એક અજંપો ભરેલો રહેતો. પોતે આ બધાથી જુદો છે ખૂબ એકલો છે. . . એવું એ સતત અનુભવતો. આમ જ બીજાં થોડા મહીના વીત્યા ને એક ખૂબ સરસ વાત બની. મુંબઈ થી આવેલા એક ધનિક દંપતીને બાળક દત્તક લેવું હતું. બાળકને પસંદ કરવા એ લોકો આશ્રમમાં આવ્યાં. એમની ઇચ્છા કોઇ એક-બે વર્ષ ના અણસમજુ બાળકને દત્તક લેવાની હતી જેથી એ નવા વાતાવરણમાં જલ્દીથી ગોઠવાઇ શકે. આશ્રમમાં ફરતા એમની નજર -બારી પાસે બેઠેલા વિશ્વ પર પડી. . સર્વ થી અલિપ્ત, બારી બહાર ઉગેલા ફૂલોને જોતો એ બેઠો હતો. એને જોતાં જ એ દંપતી ને એક સ્વાભાવિક ઉમળકો અનુભવાયો. એમને લાગ્યું કે આજ એમનું સંતાન હોઇ શકે . . . ને વિશ્વ ની દુનિયા બદલાઈ ગઈ. શરૂશરૂમાં એ થોડો વધારે ગમગીન રહ્યો. પણ પછી માતા-પિતા ના રુપમાં મળેલા એ દંપતિના સાચા પ્રેમે એની ગમગીની તો હટાવી દીધી પણ ક્યાંક ઉંડે ઉંડે પડેલાં એકલતાના ઉઝરડા ચચર્યાં કરતાં.
નવી દુનિયામાં સુખ-પ્રેમ
અને અનેક તક હતી. એણે અનેક મિત્રો બનાવ્યા -ઉચ્ચ ડીગ્રીઓ લીધી ને મલ્ટીનેશનલ કંપનીમાં ખૂબ સારી જોબ લઇ માતા-પિતાને ખૂબ સંતોષ આપ્યો. એમની ઇચ્છા હતી કે વિશ્વ હવે લગ્ન કરે. પણ ખબર નહીં કેમ આ વાતથી જ વિશ્વનાં પેલાં ઉઝરડા તાજા થઇ જતાં. એ અજંપ થઇ એકલતાના ટાપુમાં જ ઘેરાઇ જતો. એમ તો એની અનેક સ્ત્રી મિત્રો હતી. મિતાલીતો એની ખૂબ નજીક પણ હતી. એ વિશ્વની સઘળી હકીકતથી વાકેફ હતી. એનો પોતાનાં મૂળને ઓળખવાનો અજંપો -ઇશ્વર ની અતરંગી ચાલ સમજવાની મથામણ ને પોતાના જીવનનાં ઉદ્દેશને પામવાની એની તાલાવેલીની એ જ તો સાક્ષી હતી ને સાથી પણ હતી-- કારણ એ પણ મા-બાપ વગર મામાને ત્યાં -એક પરાયાપણાની પીડા સાથે ઉછરી હતી.
પંદરેક વરસની કોર્પોરેટ કરિયરમાં ખૂબ કમાઇ લીધું હતું. માતા-પિતાનું મૃત્યુ થતાં એમનો વારસો પણ વિશ્વને જ મળ્યો હતો. મીતાલી પણ એની જેમ જ કેરિયરમાં વ્યસ્ત હતી. વિશ્વની પોતાની જાત તરફની યાત્રા અવિરત પણે ચાલુ હતી.
કંપનીનાં સેમીનારમાં વિશ્વ ગોવા આવ્યો હતો. સાંજે ત્યાંના બીચ પર ફરતાં એનું ધ્યાન ભીખ માંગતા બે બાળકો પર પડ્યું. એમનો ભોળો ચહેરો જોતાં ખબર નહીં કેમ એને એમાં પોતાની ઝલક દેખાણી. પૂછપરછ કરતાં ખબર પડી કે બંને અનાથ છે અને અહીં જ એકમેકની ઓળખાણ થતાં હવે સાથે જ ક્યાંક પડી રહે છે. વિશ્વ એમને પોતાની સાથે હોટલ પર લાવ્યો. બીજે દિવસે તો એને પાછા મુંબઈ જવાનું હતું. એ આખી રાત પેલો અજંપો એની ચરમ સપાટી એ હતો, પણ હવે એને ઇશ્વરનો સંકેત એની ચાલ સમજાતાં હતાં. અત્યાર સુધી કુદરતની ચાલ સમજી એ જેમાં પીડાતો રહ્યો એ એને મળેલી એકલતાં -તો ઇશ્વર ની અદ્ભુત ચાલ છે!! હવે પોતે એણે ચાલેલી બાજીને સંભાળી લેવાની છે. . . . ઓફિસમાં થોડાં દિવસની રજા મૂકી ગોવાના દૂરનાં એરિયામાં એણે એક મોટાં ઘરની શોધ આદરી. એ મળતાં જ પેલા બે અનાથ બાળકોને ત્યાં રાખી પાછો ફર્યો. ઓફિસમાં રાજીનામું આપી કાયમ ગોવા જવાનો પોતાનો નિર્ણય એણે જાહેર કર્યો. એના જવાથી સૌથી વધારે મિતાલીને ફર્ક પડતો હતો. પણ એ જાણતી હતી કે આ જ, વિશ્વનું જીવન કાર્ય છે. એની જાત ભણીની યાત્રાનો અંત છે. . . . . એ એને કેવી રીતે રોકે?
એક વર્ષ પછી. . . . . . . .
પેલા ગોવાના મકાનની બહાર પાટીયું ઝૂલે છે 'ડીવાઇન્સ પ્લાન' ને એમાં અનેક અનાથ બાળકો ઉછરી રહ્યાં છે. વિશ્વ હજી પણ એકલો જ છે પણ તેની એકલતા -અજંપો ગાયબ છે કારણ . . . એને હવે ખબર છે કે આ અસંખ્ય અનાથ બાળકોનું વિશ્વ એ પોતે છે.