Manoj Joshi

Tragedy

3  

Manoj Joshi

Tragedy

વિખરાયેલો માળો

વિખરાયેલો માળો

7 mins
427


રોજની જેમ જ પૂર્વ આકાશમાં સૂરજ પ્રગટ્યો, એ પહેલાં જ આકાશમાં ઉષા રાણીએ જાણે રક્તિમ પુષ્પોની સૌગાત બિછાવી દીધી હતી. કુમાર સાહેબ રોજની જેમ જ પરોઢિયાનો પ્રાણવાયુ ફેફસામાં ભરતા, લાંબી ફર્લાંગે, ઝડપભેર પોતાનું રૂટીન વોક લઈ રહ્યા હતા. રસ્તાની બન્ને બાજુએ, સૂરજના આગમનને વધાવવા, સ્ટેન્ડબાય પોઝિશનમાં હોય, એમ વૃક્ષો સ્તબ્ધ થઈને ઊભાં હતાં ! અને એનાં પર અજવાળાનાં આગમનની છડી પોકારતાં પંખીઓ મધુર સુરાવલી છેડી રહ્યાં હતાં.


કુમારના જીવનમાં પણ સૂર્યોદય જ હતો-બલ્કે સુખનો સૂરજ- મધ્યાન્હે તપતો હતો. પ્રથમ વર્ગના અધિકારી તરીકેની મોભાદાર નોકરી, વિશાળ કંપાઉન્ડ સાથેનો, પોતાને મનપસંદ પુષ્પોથી સજાવેલા બગીચાવાળો સુવિધાયુક્ત બંગલો,સુંદર-સુશીલ- સમર્પિત ગૃહલક્ષ્મી રશ્મિના અને શ્રવણ જેવો દિકરો અશ્વિન. અશ્વિન પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરીને, અભ્યાસ સમયે જ પ્રાપ્ત થયેલી, અતિ સુંદર,શાલીન અને સરળ સ્વભાવની ઐશ્વર્યા સાથે પ્રેમલગ્ન કરીને મુંબઈમાં વ્યવસાયિક રીતે સ્થિર થયો હતો. તેમના પ્રેમના પરિપાકરૂપે તેના પરિવારમાં પણ બે પૂષ્પ પાંગર્યા હતા- પૌત્રી રાધા અને પૌત્ર ધ્યેય.


        કુમાર અને રશ્મિનાની જીવનયાત્રામાં અનેક ચઢાવ-ઉતાર આવ્યા પછી, હવે ઢળતી ઉંમરે, નિવૃત્તિનાં બે જ વર્ષ બાકી હતાં ત્યારે, પૂરા સુખ-સંતોષ સાથે, હવે પછીની જીંદગી પુત્રના પરિવાર સાથે વિતાવવા ઇચ્છતા હતા. મહાનગર મુંબઈથી સાવ નજીક પડે, એવા ઇલાકામાં પાંચ બેડરૂમનો સુંદર બંગલો તેમણે બનાવડાવ્યો હતો. જીવનનો ઉત્તરાર્ધ હવે શાંતિથી, કશી જ અન્ય જવાબદારી વિના, ઈશ્વરના વરદાન સમાન પૌત્ર-પૌત્રીને ઉછેરવામાં વીતશે, એ આશાએ બન્ને પ્રસન્ન હતાં.


પુત્રવધુ ઐશ્વર્યા પણ સંસ્કારી, શાલીન અને ખાનદાન હતી. કુમાર સાહેબના પરિવારમાં એ આવી ત્યારથી તેમની દીકરીની ખોટ પૂરી દીધી હતી. પરિવારમાં સુખ હતું, શાંતિ હતી, આનંદ હતો. પુત્રનો વ્યવસાય પણ સારો ચાલતો હતો. આર્થિક સંપન્નતાને લીધે સંતાનો સુખમાં જીવતાં હતાં તેનો કુમાર દંપતિને સંતોષ અને આનંદ હતો. હવે નજીકના ભવિષ્યમાં જ, સંયુક્ત પરિવારમાં બધા સાથે રહેશે- એવા સુખના સ્વપ્ન જોતા કુમાર સાહેબ મનોમન મુસ્કુરાઈ રહ્યા હતા. એ જ વખતે મોબાઈલની રીંગ વાગી. કુમાર સાહેબે મોબાઇલની સ્ક્રીન પર નામ વાંચ્યું "ઐશ્વર્યા". કુમાર સાહેબ રાજી થયા.


  પુત્રી સમાન પુત્રવધુ સાથે એકાદ અઠવાડિયાથી વાત થઇ શકી ન હતી. આજે ઐશ્વર્યા અને વ્હાલુડાં બાળકો સાથે વાત થશે, એના આનંદમાં કુમારે ફોન ઉપાડ્યો. સામેથી ઐશ્વર્યા નું છાતી ચીરી નાખતું રુદન સંભળાયું. 'પપ્પા....પપ્પા' કહીને રડતી ઐશ્વર્યાનું આક્રંદ સાંભળીને કુમારના હૈયામાં ધ્રાસ્કો પડ્યો. દીકરીનું રુદન સાંભળીને કુમારે ચિંતાતુર થઈને કહ્યું, "બેટા,શું થયું?"

ઐશ્વર્યાનું આક્રંદ વધ્યું. પાછળથી, રડતાં બંને માસુમ ફુલડાઓનાં રુદનના અવાજથી કુમારની પણ આંખો ભીંજાઇ અને ધ્રુજતા અવાજે તેમણે પૂછ્યું, "બેટા, કંઈક વાત તો કરો. શું થયું?"

અચાનક સામેથી ઐશ્વર્યાના ભાઈએ ફોન લીધો. ચિંતા અને આક્રોશ સાથે બોલ્યો "માસા, ક્યાં છો?"


કુમારે કહ્યું કે પોતે ચાલવા નીકળ્યો હતો, અને હવે ઘરે પહોંચ્યો છે. સામેથી બે મિનિટ મૌન પછી દુઃખ, નવાઈ અને ગુસ્સા મિશ્રિત અવાજે તે બોલ્યો, 'આ બધું શું છે?'

કુમાર પોતાના ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. તેમને આમ હાંફળાફાંફળા દોડી આવતા જોઈ, રશ્મિના પણ પોતાનું કામ છોડી, દોડી આવી. કુમારે મોબાઇલનું સ્પીકર ઓન કર્યું. તેમાંથી ઐશ્વર્યા અને બાળકોના મોટે મોટેથી રડવાના અવાજો આવતા હતા. ફરી ઐશ્વર્યાના ભાઈનો અવાજ સંભળાયો, "આ બધું શું છે?"


કુમાર કંઈ સમજ્યો નહીં. તેણે જરા શાંત થવાનો પ્રયત્ન કરતા, હિંચકા પર બેસતા, સામુ પૂછ્યું, "શું થયું છે, ભાઈ? કાંઈ વાત કરે તો સમજાય ને?"

 થોડા રૂંધાતા અવાજે ભાઇએ જવાબ આપ્યો-"અશ્વિન બંને બાળકો અને ઐશ્વર્યાને અહીં અમદાવાદ, મારા ઘરે મૂકીને મુંબઈની એક અઢાર વર્ષની છોકરી સાથે ક્યાંક ભાગી ગયો છે. !!"


'હેં.... ' કુમાર અને રશ્મિનાનો અવાજ ફાટી ગયો. એક તરફ મોબાઈલમાંથી ઐશ્વર્યા અને બાળકોના રૂદનનો અવાજ આવી રહ્યો હતો. અહીં રશ્મિનાની આંખમાંથી આંસુ વહેતા હતા. કુમારનાં મગજ સુધી હજી કંઈ વાત જ ન પહોંચી હોય, તેમ તે મૌન બનીને, સ્પષ્ટ શબ્દોમાં કહેવાયેલી આ વાતને સમજવાની કોશિશ કરી રહ્યો હતો.


    રશ્મિના અત્યંત ડાહી, સમજદાર અને સમતોલ વ્યક્તિત્વ ધરાવતી મેઘાવી સ્ત્રી હતી. તેણે રડતાં-રડતાં કુમારના હાથમાંથી મોબાઇલ લઇ લીધો. અને સંયત થવાનો પ્રયત્ન કરતાં બોલી, "બેટા, અમે અત્યારે જ બંને અમદાવાદ આવવા નીકળી જઈએ છીએ.અથવા તો તું અત્યારે જ ઐશ્વર્યા અને બંને બાળકોને સાથે લઈને અહીં આવી જા. આપણે સાથે મળીને રસ્તો વિચારીએ. પહેલા તું બાળકોને અહીં સુધી લઇ આવ એટલે અમે એકબીજાને સંભાળી શકીએ." એટલું બોલતા રશ્મિના સોફા પર ફસડાઈ પડી.


અશ્વિનના માતા-પિતા બંને અહીં બેહાલ થઈને રડી રહ્યાં હતાં, જ્યારે અમદાવાદમાં ઐશ્વર્યા અને તેના બન્ને બાળકો પણ ચોધાર આંસુએ રુદન કરી રહ્યા હતા.....! ન જાણે તેમને આ હાલતમાં તરછોડી જનાર અશ્વિન ક્યાં હતો, કઈ દુનિયામાં પહોંચી ગયો હતો ?

બંનેએ સમજી લીધું હતું કે શું બન્યું હશે? પોતાનો પાંત્રીસ વર્ષનો પુત્ર અશ્વિન, અઢાર વર્ષની એક યુવતીના મોહમાં આંધળો બનીને, પોતાનો પરિવાર અને પોતાના માતા-પિતાને છેહ દઈને ભાગી છૂટ્યો હતો. પ્રેમલગ્ન કરીને જેને પોતાના ઘરમાં લઈ આવ્યો હતો, એવી અતિ સુંદર, શાલીન અને સમજદાર પત્નીને છોડીને, અન્ય સ્ત્રી પાછળ આંધળો થઈને; ઘર, સંસાર, વ્યવસાય, કરિયર અને સંતાનોને તરછોડીને, માવતરના બુઢાપાનો, કે મા-બાપ વિનાની ઐશ્વર્યાના ભવિષ્યનો વિચાર કર્યા વિના જ, સહુના વિશ્વાસ અને પ્રેમને ઠોકરે મારીને, માત્ર પોતાની વાસનાનો ગુલામ બનીને, કોઈની સાથે ગુમ થઈ ગયો હતો !!


આખાએ પરિવાર ઉપર આભ તૂટી પડયું હતું. પ્રૌઢ વયના પતિ-પત્ની અહીં આંસુ સારી રહ્યા હતા, અને અમદાવાદમાં ઐશ્વર્યા પોતાના બે માસૂમ ફૂલડાંને બાથમાં લઇ વજ્રાઘાતને ખાળવાનો મિથ્યા પ્રયત્ન કરી રહી હતી. 

સાંજ પહેલાં જ ઐશ્વર્યા અને બંને બાળકોને લઈને તેનો ભાઈ કુમાર સાહેબના ઘરે આવી પહોંચ્યો.


કુમારે આવા કપરા પારિવારિક સંજોગોમાં શહેરમાં રહેતાં પોતાનાં ભાઈ, બહેન અને સાળાને ફોન કરી દીધો હતો. ઐશ્વર્યાના કાકા અને દાદાને પણ પોતે જ ફોન કરીને પોતાના ઘરે બોલાવી લીધેલા. બધા ભેગા મળીને આ ગંભીર સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો તેની વિચારણા કરી રહ્યા હતા. પણ કોઇને આ સ્થિતિમાં શું કરવું તેની સૂઝ પડતી ન હતી. રશ્મિના પોતાની વ્હાલી દિકરી સમી ઐશ્વર્યાને પોતાના ખોળામાં સુવડાવીને રડતી હતી. કુમાર બંને બાળકોને બાથમાં લઈને બેઠો હતો. પોતાના અંધકારભર્યા ભવિષ્યથી તદ્દન બેખબર નિર્દોષ માસુમ ભૂલકાંઓ દાદાના વાત્સલ્યની હુંફ માણી રહ્યા હતા. કુમાર તેમના ભવિષ્ય વિષે વિચારીને ચિંતિત થઈ રહ્યો હતો.


અશ્વિન અત્યારે ક્યાં હતો, તેની કોઈને ય કશી ખબર ન હતી. તેનો મોબાઈલ સ્વીચ ઓફ હતો. કોઈને કશી દિશા સૂઝતી નહોતી. અશ્વિનનાં માતા-પિતા, ઐશ્વર્યા અને તેના બંને બાળકો, ઐશ્વર્યાના ભાઈ-બહેન અને સગાં-સ્નેહીઓ, કુમાર સાહેબના અને રશ્મીનાના સ્નેહી-સંબંધીઓ અને હા...., જે નાદાન છોકરીને અશ્વિન ભગાડી ગયો હતો, તેનો પરિવાર અને તેના સગાં-સ્નેહીઓ... ઓ...હો ...હો..અરે...રે...,એકસાથે અનેક પરિવારો અશ્વિનની કામુકતા અને પારકી દીકરી તરફની તેની લાલસાને કારણે જીવતે જીવ નર્કની વેદના ભોગવી રહ્યા હતા.


 કુમાર બંને બાળકોના સહારે જીવવા પ્રયાસ કરતો હતો. પણ રાતદિવસ ની વ્યથાએ તેના મનને એટલું વિક્ષુબ્ધ બનાવી દીધું હતું કે તેને મનોચિકિત્સકની સારવાર લેવી પડી હતી. રશ્મીના ઐશ્વર્યાને આશ્વાસન આપતી, પણ પુત્રના આવા ભયંકર કૃત્યે એને ભીતરથી તોડી નાખી હતી. એનું મજબૂત મનોબળ અને ઈશ્વર તરફની અનન્ય શ્રદ્ધા આ પ્રસંગથી તૂટી ગઈ હતી.


 રશ્મિનાનું શરીર ગળવા લાગ્યું હતું. એ જોઈને કુમાર વધુ દુઃખી થતો જતો હતો. અશ્વિને તેના માતા પિતાને મોતને હવાલે કરીને અને પોતાના પત્ની બાળકોને અંધકારમાં ધકેલીને પોતાનું વ્યક્તિગત સુખ સાધી લીધું હતું. પોતાનો હસતો ખેલતો પરિવાર તો તેણે બરબાદ કર્યો જ, સાથોસાથ પોતાના માતા-પિતાના જીવતરની અને ઐશ્વર્યાના ભાઈ-બહેનોના પરિવારની ખુશીને પોતાના શેતાની કરતૂતથી તેણે બરબાદ કરી નાખી હતી.

પણ હજી જાણે કુમાર અને રશ્મિના પરની આપત્તિનો અંત નહોતો આવવાનો! આઘાતમાં સરી પડેલી ઐશ્વર્યા, હવે પતિ વિના પતિના પરિવાર સાથે કયાં સંબંધથી સુખી રહી શકે? એના ભાઈ અને બે બહેનોના પરિવારે, ઐશ્વર્યાને બાળકો સાથે અમદાવાદ બોલાવી લીધી. પરિસ્થિતિ જ એવી હતી કે કુમાર કે રશ્મીનાની માનસિક અસ્વસ્થતાએ તેમના આત્મવિશ્વાસને તોડી નાખ્યો હતો. ક્યારેક તો શું બોલવું અને શું કરવું એની પણ એમને સૂઝ રહેતી નહીં. એમનો આત્મવિશ્વાસ અને નિર્ણયશક્તિ તૂટી ગયા હતા. એવી જ સ્થિતિ, પતિના ક્રૂર વિશ્વાસઘાતથી ભાંગી પડેલી ઐશ્વર્યાની હતી. ઐશ્વર્યાએ કુમાર અને રશ્મિનાનું ઘર ત્યજી દીધું અને તે અમદાવાદ જતી રહી. તેણે અશ્વિનના માતા-પિતાને હવે મમ્મી-પપ્પા કહેવાનું બંધ કર્યું. અને પોતે તેમ જ બાળકોએ તેમની સાથે ફોન ઉપર કે રૂબરૂ પણ વાત કરવાનું બંધ કરી દીધું. અશ્વિનની નાલાયકીએ તેના માવતરને ચારે તરફથી તોડી નાખ્યા હતા.


  કુમારે નોકરી છોડી દીધી. રશ્મિના બીમાર પડી. જીવનભરના અવિરત સંઘર્ષભરી સાધના પછી તણખલું તણખલું ગોઠવીને રશ્મિનાએ પોતાનો માળો બાંધ્યો હતો. ન જાણે કોના શ્રાપથી તે વેરવિખેર થઈ ગયો હતો...! બન્નેએ ઐશ્વર્યા અને બાળકોને પોતાની પાસે પાછાં બોલાવવાં માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ ઐશ્વર્યા હવે કોઈના પર પણ ભરોસો કરી શકતી નથી. આજ સુધી માત્ર અશ્વિન અને પરિવાર માટે જ જીવન સમર્પિત કરીને, પોતાના અસ્તિત્વને વિસારી દઇને, એક આદર્શ પુત્રવધુ, આદર્શ પત્ની અને આદર્શ માતા બનેલી ઐશ્વર્યાએ કાળજાને કઠણ કરીને, એકલા હાથે જ 'મધર ઇન્ડિયા' બનીને બંને બાળકોનો બોજ પોતાના નાજુક ખભા ઉપર ઉઠાવી લીધો છે. ભાઈ-બહેનો કે અન્ય કોઈના ઉપર ભારરુપ બનવાને બદલે તે સ્વાવલંબી બની, પોતાના બાળુડાંઓને ઉછેરવા માટે ઝઝૂમી રહી છે અને આ તરફ વૃદ્ધ માવતર, પોતાની ગુણિયલ- દીકરી જેવી- પુત્રવધુ હજીયે પોતાના નિર્દોષ બાળકોને સાથે લઇ અને તેમના ભવિષ્ય માટે પણ પાછી આવશે એ આશાએ મૃત્યુને પાછું ઠેલી રહ્યા છે. અહીં રશ્મિના વિખરાયેલા માળાનાં ભગ્ન અવશેષો જોઇ જોઇને મૃત્યુની રાહ જુએ છે અને ઐશ્વર્યા પોતાનાં બાળકો માટે તણખલું તણખલું ભેગું કરીને માત્ર સંતાનો માટે મૃત્યુને ઠેલીને પિંખાયેલા માળાને સંવારવા જીવી રહી છે.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy