વીતેલા દિવસની યાદ
વીતેલા દિવસની યાદ
બે સગી બહેનો, રજની અને રાગિણી. બંને ના લગ્ન સાથે કરવામાં આવ્યા. પણ બંનેની આર્થિક પરિસ્થિતિમાં જમીન આસમાનનો ફેર. બંને યુવાન સરસ હોવાથી માતાપિતાને પરણાવવાનું યોગ્ય લાગ્યું.
રજની આર્થિક રીતે ખૂબ સુખી. રાજન એક સારી કંપનીમાં મેનેજર હતો.એના ઘરમાં દરેક પ્રકારના ભૌતિક સાધનો હાજર હતા. ગાડી,નોકર ચાકર બધું જ હતું. રજની રાજ કરતી હતી. એને સુંદર મજાનો દોઢ વર્ષ નો દીકરો હતો.
પણ રાગિણી ની પરિસ્થિતિ થોડી ખરાબ હતી. એનો પતિ રોહન પ્રાઇવેટ કંપની માં નોકરી કરતો હતો. એ દરેક જગ્યા એ સાઇકલ લઈને જતો. બંને હજુ બાળક માટે તૈયાર નહોતા. એનું એક કારણ તેમની આર્થિક પરિસ્થિતિ હતી.
આજે રજની અને રાગિણીના માતાપિતાની લગ્નતિથિ હતી. ઘરે જ નાનકડી પાર્ટી રાખી હતી. કેક કટ કર્યો અને બધા વાતોએ વળગ્યાં. જમ્યા ત્યાં સુધી બધું બરાબર હતું.
અમસ્તાં મજાક મજાકમાં રજની એ રોહનને કહ્યું કે," રોહન કુમાર, તમારી સાઇકલ તો સોનાની છે આખું જીવન તમે એને સાથે જ રાખશો. બીજા કોઇ ને તક જ નહિ આપો એમ લાગે છે." એમ કહી રજની અને રાજન ખડખડાટ હસવા લાગ્યા.
રાગિણી અને રોહનને બહુ ખોટું લાગ્યું પણ શું કરે? જો ઊભા થઈને જતા રહે તો માતાપિતાને ખોટું લાગે! એ વિચારે સમસમીને બેસી રહ્યા.
રોહનને આ મેણું ઘર કરી ગયું હતું. આખી રાત એ જાગતો જ રહ્યો. ભલે મારે તૂટી જવું પડે પણ હું બધાને બતાવીને જ રહીશ કે હું પણ કઈક કરી શકું છું.
બસ બીજા દિવસથી જ એણે મહેનત ચાલુ કરી દીધી. મોટે ભાગે એ કંપની માં આઠ વાગે જતો અને સાંજે છ વાગે આવી જતો. હવે એ ઓવરટાઈમ કરતો. રાતે દસ અગિયાર વાગે ઘરે આવતો. રાગિણી ઘરે આખો દિવસ એકલી જ રહેતી. એને પણ વિચાર આવ્યો કે સવારે રોહન જાય પછી હું સાવ ફ્રી હોવ છું. તો હું પણ કઈક કરું. એણે બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હતો. થયું કે હું પણ ચાલુ કરું. જેવું અને જેટલું થાય એટલું રોહનને મદદ તો કરું!
બસ,બંને આખો દિવસ મથતા પોતાની પર કરેલા કટાક્ષનો ઉકેલ લાવવા. હવે રોહન પાસે ઘણા પૈસા હતા. રાગિણી નું પાર્લર ધમધોકાર ચાલી રહ્યું હતું. ઘણા બધા મહિના પછી રોહને કાર છોડાવી.
કાર લઇને રોહન અને રાગિણી એના માતાપિતાને મળવા ગયા. ત્યાં રજની અને રાજન પહેલેથી બેઠા હતા. રજની તો આંખો પહોળી કરી જોઇજ રહી...
રોહને કટાક્ષ ન કર્યો પણ રજની ને થેંક્યું કહ્યું. રોહને કહ્યું કે તમે વાંકું ન સંભળાવ્યું હોતતો કદાચ હું હજુ એ પરિસ્થિતિ માં જ હોત!!
પણ તમારી વાત પણ સાચી છે. હું મારી સાઇકલ ને હંમેશા મારી નજર સામે જ મારા ઘરમાં ટીંગાડી દઈશ. જેથી મને યાદ રહે કે કેવી પરિસ્થિતિ માં હું રહેતો હતો!!