વિદાય
વિદાય
ઉતાવળે તેણે કામ આટોપી લીધું. વસંત ગઈ વધારે દહાડા નહોતા ગયાં, ત્યાં જ તેના મનગમતા તહેવારે છડી પોકારી દીધી. સખી સંગ આજ બજારેથી ભાત ભાતના રંગોની પોટલીઓ બાંધી લાવવી હતી.
સાસુની રજા લઈ તે સખી સંગ બજારે નિસરી. વસંત પણ તેનાં અંગ અંગ પર ખીલી હતી. રંતુબડો કેસૂડો તેના ગોરા ગોરા ગાલ પર ખીલ્યો હતો. આમ્રઘટાની મંજરી તેની માંજરી આંખો પર આંજણ આજી ગઈ હતીં. વાંસતી કોયલના ટહુકા તેના હોઠ પર હોળીના ગીત બની ટહુકતા હતાં. દરિયાની ભરતીની જેમ પ્રેમની ભરતી તેના ઉરોજ પર ઉભરાય રહી હતી. પરણ્યા પછીની પહેલી હોળી હતી. યુવાનીના ઉંબરે ડગ માંડયા તે ઘડીએથી જોયેલા રંગોના સપના ઓણ સાલ ધુળેટીના દિવસે પિયુ સંગ પુરા કરવા હતાં. પિયુને પ્રેમના એવો રંગોથી રંગી નાખું કે એનું આખું આયખું રંગ બે રંગોથી ખીલી જાય ને પિયુ પ્રેમમાં હું પણ એવી રંગાઈ જાઉં કે બીજા કોઈ રંગ આ દેહ પર ન ચડે. જેમ રાધા રાણી કાનાના શ્યામ રંગે રંગાણા.
ઓઢણી ઊછાળતી, હાથની બંગડીઓ ખણકાવતી, પગનાં ઝાંઝર રણકાવતી, તેણે રંગો લેવા શરૂ કર્યા. લાલ-લીલો, કેસરી ને પીળો બધા રંગોની પોટલીઓ બંધાવી. ખજૂર-દાળીયા, ધાણી ને પતાસાના હારડા પણ લીધા. પિયુના બધા જ રંગો સમાવી શકે તેવી ધોળી ઓઢણી લેવાનું તો કેમ ભૂલાય !!.
સૂરજદેવ હોળીની જ્વાળાઓને લઈ પ્રગટ થયા. તેણે સંકોરીને રાખેલું પાનેતર બહાર કાઢી રાખ્યું. ચુંદડી-મોડયો પટારામાંથી બહાર કાઢ્યાં. સાંજે ગામને પાદર છાણાનાં ખડકલે પ્રગટતી હોળીએ પરણ્યાનું પાનેતર પહેરી તેણે ચાર ફેરા ફરી ફરવાના હતાં. ધીરે ધીરે સૂરજદાદા મા રાદલના ઓરડા તરફ જવા પગ વાળ્યાં. તેણે પણ હોળીના ફેરા ફરવા સોળ શણગાર સજવા શરૂ કર્યા. ટ્રીન ટ્રીન ફોન પર રીંગ વાગી. પિયુએ ફોન કાને ધરયો.....
" મા મારી જવાની તૈયારી કર મા ભોમ માટે હાકલ પડી છે " સાસુ સાથે પિયુને વાત કરતા સાંભળી તે અધુરા શણગારે ઓરડેથી બહાર આવી.
માને પગે લાગી પોતાની રજા લેવા આવેલ પિયુને તેણે એક સુંદર સ્મિત આપ્યું ને બોલી " જાઓ.... મા ભોમ તમને સાદ દે છે. જટ જાઓ તમારી સંગ હું પણ તિરંગા તણા રંગે રંગાણી છું. દુશ્મનોના ધડ ભો ભેગા કરી, તેના મસ્તકની હોળી પ્રગટાવી પાછા આવો, ત્યારે આપણે મન ભરી રંગે રમીશું." પાનો ચડાવી એક વિર સૈનિકની પત્નીને સાજે તે રીતે તેણે પોતાના પિયુને વિદાય આપી.
